લીક નહીં થયેલું પેપર !

હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું એમાં મોટો હોબાળો થઈ ગયો છે ! જોકે અમારી પાસે જે પેપર લીક થઈને આવ્યું છે એમાં ઘણું બધું જાણવા જેવું છે ! જુઓ…


***

પ્રશ્ન (1) : સરકારી ખાતામાં એક ફાઇલને એક ટેબલથી બીજા ટેબલે જતાં કેટલો સમય લાગે છે ?

(A) એક અઠવાડિયું

(B) એક મહિનો

(C) એક વરસ

(D) અરજદારની ગરજ ઉપર આધાર છે.

***

પ્રશ્ન (2) : અરજી ઉપર મુકવાનાં વજનોમાં શ્રેષ્ઠ વજન કયું છે ?

(A) પેપરવેઇટ

(B) પેપરવેઇટ વત્તા ઓળખાણ

(C) પેપરવેઇટ વત્તા ગાંધીજી

(D) માત્ર ગાંધીજી, પૂરતી સંખ્યામાં

***

પ્રશ્ન (3) સરકારી નોકરીમાં સૌથી અઘરું શું હોય છે ?

(A) ક્યારેક કામ કરવું પડે છે.

(B) ક્યારેક કામ કરવાનો દેખાવ કરતાં બેસી રહેવું પડે છે.

(C) મહેનત કરીને બધાં સેટિંગો ગોઠવીએ ત્યાં તો બદલી થઈ જાય છે.

(D) રજાના દિવસે પણ નવરા બેસીને ટાઇમપાસ તો કરીએ જ છીએ, છતાં એનું કોઈ એકસ્ટ્રા ભથ્થું મળતું નથી.

***

પ્રશ્ન (4) : તમારા હિસાબે સરકારી નોકરીનો સૌથી મોટો ફાયદો શું છે ?

(A) આપણી બે કોડીની પણ ઔકાત ના હોવા છતાં લોકો આપણને ‘સાહેબ સાહેબ’ કરે છે.

(B) અને જેની બે કોડીની પણ ઔકાત ના હોય એવા જ લોકો આપણા સાહેબ હોય છે.

(C) સરકારમાં જ બેસીને સરકારની ટીકાઓ કરવાનો આપણને પગાર મળે છે.

(D) સૌથી મોટો ફાયદો એ છે કે પગારમાં સતત વધારો થયા કરે છે પણ જવાબદારીમાં કોઈ વધારો થાય એ જરૂરી નથી.

***

પ્રશ્ન (5) : હેડ ક્લાર્કની નોકરી મેળવવા માટે તમારું સૌથી મોટું પ્રેરકબળ શું છે ?

(A) લીલા રંગના ગાંધીજી

(B) ભૂરા રંગના ગાંધીજી

(C) ગુલાબી રંગના ગાંધીજી

(D) દરેક રંગના ગાંધીજી

***

- મન્નુ શેખચલ્લી

Comments