મારા તમારા જેવા સામાન્ય લોકો સામાન્ય ભાષામાં વાત કરતા હોઈએ છીએ. પણ જ્યારે કવિને કંઈક ‘સામાન્ય’ પણ કહેવું હોય ત્યારે તે કવિતાની ભાષામાં જ કહે છે ! દાખલા તરીકે…
***
આપણે કહીએ કે…
ભૂખ લાગી છે
કવિ કહેશે…
કદર છે કોને દુનિયામાં
જઠરાગ્નિઓ ને ડામવાની ?
ઉદરને ઝંખના છે
કૈંક પોષણને પામવાની !
***
આપણે કહીએ કે…
તરસ લાગી છે…
કવિ કહેશે…
શોષાય છે શ્વાસો, ને
ગળામાં રણ ફસાયું છે
કહો ભીનાશને હવે, કે
કવિને જળનું આણું છે !
***
આપણે કહીએ કે…
જરા ‘લાગી’ છે, વોશ-રૂમ ક્યાં છે ?
કવિ કહેશે…
ક્ષણો બચી છે,
આડબંધ એક તૂટવાની
વાર છે…
કહો, ક્યાં જઈ વહે
આ પૂર, જે મેં સાચવીને
માંડ રાખ્યું છે !
***
આપણે કહીએ કે…
મારે ટોઇલેટ જવું છે.
કવિ કહેશે…
સંઘરું છું પહાડ, ને
પથ્થર ને ભીની માટી
જનમો જનમથી…
કદીક એને પણ મુજથી
છૂટવાની વેળા આવી છે !
***
આપણે કહીએ કે…
શિયાળામાં નહાવાનું મન નથી થતું
કવિ કહેશે…
કોરું છે તન, એને
કોરું જ રહેવા દો
મોસમ પ્રેમની છે, પણ
મને ઠંડીની ઘાત છે !
***
આપણે કહીએ કે…
યાર, કંટાળો આવે છે.
કવિ કહેશે…
ચા ઠરેલી,
છાશ ખાટી,
ટ્રેન મોડી,
ન્યુઝ વાસી,
સમય ધીમો,
રાત લાંબી,
જુઠાં વચન,
તરસ્યાં નયન,
શ્વાસ ઠાલા,
રક્ત રઝળે,
બાઝે જાળાં,
બગાસાં કાળાં,
લાંબા ગરનાળાં...
ફૂટપાથ ફીક્કી...
રોડ વિના ફાટકનો...
હવે અનંત લંબાતો લાગે છે…
...
...
...
બોસ, તમને શું લાગે છે ?
***
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment