નવા વરસની ૨૦ અવળચંડી શુભેચ્છાઓ !

છેલ્લાં બે વરસમાં જે રીતે સૌની વાટ લાગી છે એ જોતાં આવનારા વરસ માટે અમે ખાસ પ્રકારની શુભેચ્છાઓનું લિસ્ટ બનાવ્યું છે…


(1) આ વરસે તમને ભલે એઈડ્સ થાય, કેન્સર થાય કે મેન્ટલ ડિસ-ઓર્ડર થાય પણ તમને કોરોના ના થાય એવી શુભેચ્છા !

(2) તમને તો ઠીક, તમારી પાડોશણને પણ કોરોના ના થાય એવી શુભેચ્છા ! કેમકે એના ‘સંસર્ગ’માં આવશો તો તમને ય ચેપ લાગે ને !

(3) એ જ રીતે તમારા દુશ્મનને ય કોરોના ના થાય એવી શુભેચ્છા ! કેમકે એ મરી ગયો તો તમારે દેખાવ ખાતર પણ એના બેસણામાં જવું પડશે અને ત્યાં જઈને તમે કહેશો કે ‘બિચારો બહુ સારો માણસ હતો’… તો બધા ખડખડાટ હસવા લાગશે ! બોલો, કોઈના બેસણામાં આવું સારું લાગે ?

(4) ઘરમાં નકામાં પડી રહેલા બધાંય માસ્ક પ્યાલા-બરણીવાળી લઈ જાય અને બદલામાં એક એક સ્ટીલની ચમચી આપી જાય એવી શુભેચ્છા !

(5) બેન્કમાં તમારી દોસ્તી કોઈ દેખાવડાં બહેન સાથે થઈ જાય, જેથી તમારા બેન્કના કામો ‘ફાટફાટ’ પતી જાય એવી શુભેચ્છા !

(6) એ દેખાવડાં બહેન સાથે તમારી દોસ્તી થઈ છે એની ખબર તમારાં પત્નીને ના પડી જાય, એવી પણ શુભેચ્છા !

(7) તમારા વાહનની એવરેજ રાતોરાત કોઈ જાદૂઈ ચમત્કારથી ડબલ થઈ જાય… એવી શુભેચ્છા !

(8) એટલું જ નહીં, સવારે એવરેજના સપનામાંથી જાગ્યા પછી પણ એવરેજ એટલી જ રહે એવી શુભેચ્છા !

(9) એ સિવાય પણ તમને વરસમાં એકાદવાર એવું સપનું આવે કે આજે સરકારે સૌને મફતમાં પેટ્રોલ ડિઝલ આપવાની જાહેરાત કરી છે.. અને પેટ્રોલ પંપની લાઈનમાં તમારો જ સૌથી પહેલો નંબર છે !

(10) ટ્રાફિકમાં તમારી આગળ જઈ રહેલાં બહેનો ‘જમણી’ બાજુ સાઈડ બતાડીને ‘જમણી’ બાજુ જ વળે એવી શુભેચ્છા !

(11) તમે કાર ચલાવતા હો ત્યારે તમારી પત્નીનું ધ્યાન તમારા ડ્રાઇવિંગમાં નહીં, પણ પોતાના મોબાઈલમાં જ હોય એવી શુભેચ્છા !

(12) એટલું જ નહીં, પણ એ વખતે આજુબાજુની દુકાનોમાં જ્યાં 50% Off, FESTIVAL SALE… એવાં પાટિયાં લાગ્યાં હોય ત્યાં પણ પત્નીની નજર ના પડે એવી શુભેચ્છા !

(13) આવતા વરસે, બરોબર દિવાળીની સફાઈનો ટાઈમ આવે ત્યારે જ ઓફિસના કામે તમારે એક મહિના માટે બહારગામ જવાનું થાય એવી શુભેચ્છાઓ !

(14) અડધી રાતે તમારી આંખ ખૂલે અને છત ઉપરથી ગરોળી તમારી ઉપર પડું પડું થતી હોય એવું ‘જોવા ના મળે’ એવી શુભેચ્છા !

(15) અને તમારી પત્ની બાથરૂમમાં હોય ત્યારે એને એકાદ મૂછાળો વંદો તો ‘જરૂર જોવા મળે’ એવી શુભેચ્છા !

(તમારી બહાદુરી બતાડવાનો ચાન્સ મળશે, ભાઈ !)

(16) ‘અપ-ટુ 2000 રૂપિયા કેશ-બેક’વાળી ઓફરમાં ખરેખર એકાદ વાર 2000 રૂપિયાનું કેશ-બેક ‘આવે’ એવી શુભેચ્છા !

(17) અરે ! તમારા બેન્કના ખાતામાં ક્યાંકથી એકાદ કરોડ રૂપિયા જમા થઈ જાય ! અને એની કોઈને ખબર સુદ્ધાં ના પડે એવી શુભેચ્છા !

(18) આ એક કરોડવાળી વાતની તો તમારી પત્નીને પણ ખબર ના પડે એવી શુભેચ્છા ! (પેલી બેન્કવાળી બહેનપણીને કદાચ ખબર પડે તો તમને વાંધો નથી ને ?)

(19) ફેસબુકમાં તમારા ખરાબમાં ખરાબ ફોટાને પણ સારામાં સારી છોકરીઓની લાઇક મળે તેવી શુભેચ્છાઓ !

(20) અને હા, આમાંથી કોઈ શુભેચ્છા તમે કોઈને ફોરવર્ડ કરો તો તમને ય કોઈ આવી જ શુભેચ્છા પાઠવે એવી શુભેચ્છા !

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment