મોબાઈલના રૂઢિપ્રયોગો !

આજકાલ મોબાઇલનો ઉપયોગ એટલો વધી ગયો છે કે આપણી ગુજરાતી ભાષામાં તેનો ‘રૂઢિપ્રયોગ’ તરીકે ઉપયોગ થવા લાગ્યો છે ! જુઓ…

***

નેટવર્ક નથી પકડાતું

જે ભાઇને સામાન્ય બુદ્ધિની વાતોમાં પણ સમજ ના પડતી હોય એના માટે કહેવાય છે કે ‘ભઇનું નેટવર્ક નબળું છે… પકડાતું જ નથી !’

***

ટાવર છૂટી જાય છે

અમુક લોકો વાતને અડધી સમજે છે અને અડધીમાં ટપ્પી જ નથી પડતી હોતી. એમના માટે કહેવાય છે કે, ‘જવા દો ને, એનો ટાવર વચ્ચે છૂટી છૂટી જાય છે !’

***

બેલેન્સ પતી ગયું છે

બન્ને રીતે કહી શકાય ! જેના ખિસ્સાં ખાલી છે, કડકો થઈ ગયો છે એને પણ કહેવાય… અને જેની ડાગળી જરાક ચસકી ગઈ છે એને પણ કહેવાય કે ‘આનું બેલેન્સ પતી ગયું છે, હોં !’

***

રિ-ચાર્જ માગે છે

જે માણસ સાવ ઢીલો હોય, ગગો હોય, અક્કલનો થોડો બુઠો હોય… જેને હવે બે ચાર ધક્કા મારવાની જરૂર છે એવા આળસુના પીરને પણ કહી શકાય ‘આ ડોબો રિચાર્જ માગે છે !’

***

રિ-સ્ટાર્ટ નથી થતું

આનો ડબલ-મિનિંગ પણ હોઈ શકે છે પણ સીધો મિનિંગ એ છે કે મગજ બહેર મારી ગયું છે. અક્કલ ઊંઘી ગઈ છે… ‘યાર, કશું રિ-સ્ટાર્ટ નથી થતું !’

***

મેમરી ફૂલ છે

ખાસ કરીને જે પ્રેમમાં પડ્યા છે એના માટે આ રૂઢિપ્રયોગ ફીટ બેસે છે. ‘પહેલી છોડીને ગઈ છે એની મેમરી ફૂલ છે… એટલે બીજીનો સ્કોપ જ નથી !’

***

ફોર્મેટ મારવાથી ફેર નહીં પડે

આ એવી આઇટમોને લાગુ પડે છે કે જે કદી સુધરવાની નથી. એમના માટે કહેવાય છે કે ‘છોડને ભઈ ! એને ફોર્મેટ મારવાથી યે કશો ફેર પડવાનો નથી…’

***

- મન્નુ શેખચલ્લી

Comments