બાટલીઓ ઉપર બુલડોઝર ?

બોલો, કેવા આઘાતજનક સમાચાર છે ? પોલીસે પકડેલી બાર હજાર ત્રણસોને ચૌદ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ! આટલા દારૂની કિંમત લગભગ 72 લાખ રૂપિયા જેટલી થાય છે.

***

બિચારા ગુજરાતના શોખીનો માટે અમદાવાદમાં આનું એક ‘સેલ’ રાખ્યું હોત તો કેટલા બધા લોકોના આબુ, દમણ અને દીવના ફેરા બચી ગયા હોત !

***

અમુક બુટલેગરોનું માનવું છે કે ભલે દારૂને જમીનમાં ઢોળી નાંખો, પણ ખાલી બોતલ આને ખાલી બોક્સ તો પાછાં આપવાં હતાં ! ‘રિ-મિક્સ’ માટે કામમાં આવતાં હોત !

***

અમુક જાણભેદુઓને શંકા છે કે દારૂની બાટલીનાં જે ખોખાં કચડી નાંખ્યાં એમાં બાટલીઓ હતી જ નહીં !

અને જેમાં બાટલીઓ હતી એમાં કદાચ દારૂ જ નહોતો !

***

જોકે સરકારી સૂત્રોનો દાવો છે કે એ વાત ખોટી છે. કેમકે થોડા કલાક પછી એ વિસ્તારનાં કૂતરાં પણ નશામાં ડોલતાં દેખાયાં હતાં !

***

એક અફવા એવી પણ છે કે આટલી બધી દારૂની બાટલીઓ કચડી નાંખ્યા પછી પેલું બુલડોઝર પણ મસ્તીમાં ડોલવા લાગ્યું હતું !

***

કહેવાય છે કે આખું કામ પતી ગયા પછી રોડ ઉપર જે નશીલી ગંદકી થઈ હતી તેની ‘સાફસૂફી’ કરવા માટે સફાઈ કામદારોએ સામેથી પૈસા આપ્યા હતા !

***

અરે, અમુક લોકો તો રોડ ઉપરથી ફેલાઈને જે દારુ જમીનમાં ફેલાયો હતો તે જમીન પણ ખોદીને લઈ ગયા હતા !

***

એ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે આ ઘટના પછી અહીંના મચ્છરોએ બે દિવસથી ‘લોહી પીવાનું’ બંધ કર્યું છે !

***

અને બિચારા બુલડોઝરના ડ્રાયવરને બે દિવસથી રાતે ઊંઘ નથી આવતી, એ વિચારમાં, કે એને શહેરના હજારો શોખીનોની ‘હાય’ લાગશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments