પુરુષો અને શ્વાનો !

મહિલાઓની નજરે પુરુષો અને કૂતરાઓમાં ખાસ્સી સમાનતા હોય છે ! જુઓ…

***

બન્ને આળસુના પીર હોય છે. અને બન્નેને નીંભરની જેમ આળોટ્યા કરવાની ટેવ હોય છે.

***

બન્ને પોતપોતાના એરિયામાં જ બહાદુરી બતાડતા હોય છે. બીજાના એરિયામાં જતાં જ એમની મીંદડી મ્યાઉં થઈ જાય છે !

***

એમનો મૂડ બગડ્યો હોય તો એમનો પ્રોબ્લેમ શું છે કદી સમજાતું નથી !

***

નાની સાઈઝવાળાં વધારે ભસ-ભસ કરતાં હોય છે !

***

બન્ને ગમે એટલા રીસાયેલા હોય છતાં એમને ભાવતું ખાવાનું સામે ધરો કે તરત પૂંછડી પટપટાવવા લાગે છે !

***

કોઈપણ નસલના હોય, ગમે એટલી ઊંચી જાતના હોય… બન્ને જાહેરમાં લાળ ટપકાવ્યા વિના રહી શકતા નથી !

***

આમ તો બહુ ખતરનાક હોય છે પણ બન્નેને ટ્રેઈન કરીને આજ્ઞાંકિત બનાવી શકાય છે !

***

સૌથી મઝાની વાત એ છે કે બન્નેને તમારા પોસ્ટમેન, દૂધવાળા, પસ્તીવાળા, ધોબી, શાકની લારીવાળા અને ગેસની સગડી રિપેર કરનારા ઉપર શંકા હોય છે !

***

તમે ગમે એટલો સારો મેકપ કરો, એ બન્ને પોતાની જીભ વડે બગાડી નાંખે છે !

***

અને હા, બન્નેને જાહેર રસ્તા ઉપર ‘ભીનું’ કરવામાં જરાય શરમ આવતી નથી !

***

તમે ગમે એટલું મોંઘુ પરફ્યુમ છાંટો, એમને કશીયે પરવા હોતી નથી પરંતુ જ્યાં ‘નશીલા પદાર્થ’ની ગંધ આવે કે તરત ત્યાં ધસી જાય છે !

***

બસ, ફરક એટલો જ છે કે તમે બહારથી ઘરે પાછા આવો ત્યારે કૂતરો તમને વ્હાલ કરવા માટે દોડી આવે છે, જ્યારે ભાઈસાહેબ તમારી નોંધ પણ લેતા નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments