4 ઓક્ટોબરે જ્યારે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ કલાકો માટે બંધ થઈ ગયા ત્યારે અમુક ‘દેશવ્યાપી’ ઘટનાઓ બની છે !
***
4 ઓક્ટોબરે…
દેશના કરોડો યુવક યુવતીઓએ જોયું કે જ્યારે શહેરની લાઈટો ચાલુ હોય છે ત્યારે આકાશમાં ખાસ તારા દેખાતા નથી…
4 ઓક્ટોબરે..
દેશના લાખો પતિઓએ જોયું કે તેમના ઘરની છત ઉપર કરોળિયાનાં જાળાં બાઝેલાં છે..
4 ઓક્ટોબરે…
દેશની કરોડો પત્નીઓનું ધ્યાન પડ્યું કે એમના ઘરનાં સિલિંગ ફેનો ઉપર કેટલો મેલ જામી ગયો છે…
કારણકે 4 ઓક્ટોબરે જ સૌને પોતાની ગરદન ઊંચી કરીને કંઈક જોવાનો ટાઈમ મળ્યો હતો !
***
4 ઓક્ટોબરે…
દેશની લાખો ગૃહિણીઓએ કોઈ વાનગી બનાવ્યા પછી તેની ઉપર કોઈ જાતનું ડેકોરેશન કર્યું જ નહીં…
- કેમકે ફેસબુક બંધ હતું !
***
4 ઓક્ટોબરે…
કહેવાય છે કે પિતાએ પુત્ર સાથે પતિએ પત્ની સાથે ‘વાતચીત’ કરી ! જોકે હકીકત એ છે કે એમાંની 90 ટકા વાતચીત આ મુજબ હતી :
‘મારું વોટ્સએપ નથી ચાલતું, તારું ચાલે છે ?’
‘ના મારું તો ફેસબુક અને ઇન્સ્ટા પણ બંધ છે.’
***
4 ઓક્ટોબરે…
લાખો NRIઓ અને દેશીઓ વચ્ચે વોટ્સએપ વડે વોઈસ-કોલ કે વિડીયો કોલથી વાતચીત થઈ શકી નહોતી.
- જોકે એમાંથી 1 ટકા NRIએ પણ ઇન્ટરનેશનલ કોલ કરીને પૂછ્યું નહોતું કે ‘અમારું વોટ્સએપ બંધ છે, શું તમારું ય બંધ છે ?’
***
4 ઓક્ટોબરે…
- દેશના 90 ટકા મોબાઈલ યુઝરોએ પોતાનો ફોન રિ-સ્ટાર્ટ મારી જોયો હતો.
- અને 70 ટકા યુઝરોએ કંપનીમાં કંપ્લેન કરવાની કોશિશો કરી હતી. (જેમાંથી 99 ટકાને કોઈ જવાબ મળ્યો નહોતો !)
- 50 ટકા યુવાન યુઝરો ‘ભયંકર રીતે બોર’ થઈ ગયા હતા અને 10 ટકા તો ‘ડિપ્રેશન’માં જતા રહેવાની અણી ઉપર હતા…
અને 4 ઓક્ટોબરે જ…
મુંબઈના ડ્રગ્સ સપ્લાયરોએ ભારે ‘મંદી’ અનુભવી હતી કેમકે વોટ્સએપ ઉપર ‘માલ’ની ઇન્કવાયરી આવતી નહોતી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment