માળિયું: એક ચિંતન કાવ્ય !

‘જે કદી પોતાના ઘરના માળિયામાં ગયો જ નથી, તે હકીકતમાં કદી કવિ બન્યો જ નથી !’

આવું કોઈ કવિએ નથી કહ્યું. કોઈ ચિંતનની કોલમ લખતા લેખકે પણ નથી કહ્યું કેમકે બન્નેમાંથી એકેય કદી માળિયામાં ગયા જ નથી !


જરા વિચારો, બિચારું માળિયું કેટલું ઉપેક્ષિત છે ? આપણે વરસના વચલે દહાડે (અથવા હેપ્પી ન્યુ યર કહેવા માટે વરસના ‘પહેલે’ દહાડે) સાવ ફાલતુ લોકોને પણ વોટ્સએપમાં યાદ કરી લઈએ છીએ. પરંતુ શું આપણે કદી માળિયાનાં કમાડ ખોલીને એની અંદર પડી રહેલી ‘વ્યથાઓને’ એકાદ વાર પણ યાદ કરીએ છીએ ખરા ?

હકીકતમાં આવું પણ કોઈ ચિંતન કોલમવાળાએ નથી લખ્યું !

યુસી, પ્રોબ્લેમ શું છે કે માળિયું એક એવી જગ્યા છે જ્યાં સાવ નકામી ચીજોને એવી કોઈ વિચિત્ર અંધશ્રધ્ધાથી સાચવી રાખવામાં આવે છે કે ‘આ તો ક્યારેક કામમાં આવશે !’

ચાલો, ચિંતનવાળાને સાઈડમાં મુકો. (અથવા માળિયે મુકો) જરા કવિઓના એંગલથી માળિયું જુઓ…

આહાહા… અહીં કેટલી બધી ‘પ્રેરણાત્મક’ સામગ્રી છે ? અહીં કરોળિયાનાં જાળાં છે, ગરોળીનાં સૂકાઈ ગયેલાં ઈંડાં છે, આખા વરસનો હિસાબ રાખીને જામી બેસેલી ધૂળ છે, કંઈ કેટલીયે વાર ભંગારમાં ફેંકાઈ જવાથી બચી ગયેલી શરણાર્થીઓની માફક અસ્તિત્વ ટકાવીને બેઠેલી ડબલાં-ડૂબલીઓ છે અને આ બધાંની વચ્ચે બહાદૂરીપૂર્વક બેધડક ઘૂમી રહેલા મૂછાળા વંદાઓ પણ છે !

બોલો, આટલું વાંચ્યા પછી તમને ય થાય છે ને કે બોસ, ગુલઝારે એક વાર તો પોતાના ઘરના માળિયામાં જવું જ જોઈતું હતું !

પરંતુ ‘ગુલઝાર’ છોડો, આપણી ગુજરાતી કવિતાના ‘બુલડોઝાર’ કવિ પણ કદી માળિયામાં ગયા હોય એવું લાગતું નથી. આપણા કવિઓએ એ સમજવાની જરૂર છે કે એક માળિયું જ એવી જગ્યા છે જે તમારી કવિતાઓને પસ્તીમાં તણાઈ જતી બચાવે છે.

‘જો કવિ માળિયામાં જતો થયો હોત તો આપણી પાસે આવનારી પેઢીને આપી જવા માટે એક દળદારમાળિયાં-કાવ્યો’નો અનોખો પ્રકાર હોત…’

આવું પણ કોઇ કવિ ન બની શકનાર કોલમવાળા લેખકે નથી લખ્યું ! બોલો. (બાય ધ વે, ‘દળદાર’ એટલે ઝીણી ઝીણી ધૂળથી ભરપૂર ! કેમકે ઝીણી ધૂળને ગુજરાતીમાં ‘દળ’ કહેવાય છે ! જોયું ? કેવું ફીટ થાય છે !)

બિચારા સામાન્ય પતિઓની વ્યથા આ કવિઓ શું જાણે ? એમને જો માળિયા ઉપર કવિતા લખવાની લાખોની સોપારી મળે તોય બેટમજીઓ માળિયામાં ગયા વિના જ લખવા માંડે કે...

‘સંઘરાઈને પડી છે અહીં કેટલી અંધારી સ્મૃતિઓ,

બહાર જો નીકળશે તો અજવાળું ખાઈ જશે

ને… બંધ જ રાખો એ ઊંચા કમાડોને,

અજવાળું ભીતર જશે તો વટલાઈ જશે ! બિચારું...'

જોયું ? માળિયામાં ગયા વિના જ મારા જેવો ‘અ-કવિ’ આટલું જોરદાર સર્જન કરી શકે છે તો કવિઓ માળિયામાં જાય તો તો શું શું થાય ?

(એ અલગ વાત છે કે અમુક ત્રાસેલા શ્રોતાઓ બહારથી માળિયાંને મજબૂત તાળાં મારવાનાં કાવતરાં ઘડી નાંખે.)

એ જ રીતે ચિંતનકારોએ તો ખરેખર માળિયામાં બેસીને, હા, પલાંઠી વાળીને રીતસર બેસીને, આખા જગત વિશે ચિંતન કરવાની જરૂર છે. આમાં ને આમાં આપણને એકાદ ‘ગોલ્ડન સેન્ટન્સ’ કહી શકાય તેવું વાક્ય મળી જાય કે

‘જો જગતના તમામ ડાહ્યા પુરુષો માળિયામાં બેસતા થઈ જાય તો અડધું જગત એમનાથી મુક્ત થઈ જાય !’

… સોરી, અમે કંઈ બાફ્યું ?

ચાલો, કવિઓ અને ચિંતનકારોને છોડો. એક સીધાસાદા ગુજરાતી માણસ તરીકે વિચારો કે જો આપણાં માળિયાં ના હોત તો ‘સંઘરેલો સાપ પણ કામમાં આવે’ એવી કહેવત પડી હોત ખરી ?

એટલે જ કહું છું કે આ લેખને સાચવીને માળિયામાં મુકી રાખજો. કેમકે ક્યારેક હસવું ના આવે એવો હાસ્યલેખ પણ હસવા માટે કામમાં આવી શકે છે !

ના સમજ પડી ? તો મુકોને માળિયે… ભૈશાબ.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Kavi shri mannuji ne maliya kavi no puraskar aapva ni bhalaman karvi padse sahitya Parishad samiti ne

    ReplyDelete
  2. આપની ભલામણ રિજેક્ટ થાય એવી પ્રાર્થના કરવી પડશે ભૈશાબ ! હું હાસ્ય લેખક છું એ જ બરાબર છે. વધુ સજા ના કરો ! 🙏🙏😀😀

    ReplyDelete

Post a Comment