અફઘાનિસ્તાનની મોલમાં સુચનાઓ !

કહે છે કે અફઘાનિસ્તાનના કાબુલ જેવા શહેરોમાં મોલ ફરી ધમધમતા થઈ ગયા છે પણ એમાં હવે પેલા ઘનચક્કર જેવા તાલિબાનો પણ શોપિંગ કરવા માટે આવી પહોંચે છે !

આવા બબૂચકો માટે કહેવાય છે કે ત્યાંની ચીજ વસ્તુઓ ઉપર ખાસ નવી સૂચનાઓ છાપવી પડે છે ! જેમકે…

***

ઠંડા પીણાનાં કેનની નીચેની બાજુએ લખેલું હોય છે :

‘પેલી બાજુથી ખુલે છે !’

***

બેબી પાઉડરના પેકેજિંગ ઉપર લખવું પડે છે :

‘આમાં બેબી સામેલ નથી !’

***

જ્યાં નોટબુકો તથા ફૂલસ્કેપના કાગળો વેચાય છે એની ઉપર સ્પષ્ટ વંચાય એવા મોટા અક્ષરે લખેલું હોય છે :

‘આને વાંચવાની કોશિશ બેકાર છે કેમકે એમાં હજી કશું લખેલું નથી !’

***

મોલમાં સેનિટરી નેપકિન્સ પણ વેચાય છે. એટલે તાલિબાનો માટે ખાસ સુચના લખવી પડે છે :

‘ફક્ત મહિલાઓના ઉપયોગ માટેની ચીજ છે !’

***

પીપરમીંટની ગોળીઓ ભરેલી બરણીઓ ઉપર સુચના ચોંટાડવી પડે છે કે :

‘આ ગોળીઓ કોઈપણ પ્રકારની પિસ્તોલ, રિવોલ્વર, ગન, મશીનગન કે રાઇફલમાં કામ આવતી નથી. વળી આ ખાવાથી કોઈ મરતું પણ નથી.’

***

ફિલ્ટરવાળી સિગારેટ ઉપર જ્યાં ખુલ્લો છેડો છે ત્યાં ઝીણા અક્ષરે સુચના હોય છે :

‘બહેતર લિજ્જત માટે આ છેડો સળગાવો !’

***

અને ફિલ્ટર વિનાની સિગારેટ ઉપર વચ્ચોવચ ઝીણા અક્ષરે સુચના લખેલી હોય છે :

‘જો બે વ્યક્તિ પીવા માગતી હોય તો પણ એક જ છેડો સળગાવવાનો છે !’

***

અહીં કાજુ-બદામ-પિસ્તા વગેરેની નાની નાની ચીકીઓ પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરીને રાખે છે. એ કાઉન્ટર ઉપર મોટા અક્ષરે સુચના લખવી પડે છે :

‘ખાતા પહેલાં પ્લાસ્ટિકને દૂર કરવું જરૂરી છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments