સરખી વ્યથા, માળિયે માળિયે...

દિવાળીની સાફસફાઈની મોસમ આવી પહોંચી છે. તો એના વિશે એકાદ પેરોડી-ગઝલ થઈ જાય ?... ઇર્શાદ !

***

હો ઊંચી હવેલી

કે નાનકડું ઘર,

છે સરખી વ્યથા

માળિયે માળિયે…

***

કરોળિયાનાં જાળાં

ચકલીઓનાં માળા

ગરોળીઓનાં ઇંડાં

કે બદમાશ વંદા…

છે એ જ જીવસૃષ્ટિ

માળિયે માળિયે…

***

હો પતિ માળિયે

કે ઘરનોકર ગયો,

ફરક છે ગણો

માળિયે માળિયે…

ઠપકો પતિને, ને

મસકો નોકરને

છે ક્યાં જ તુલના ?

માળિયે માળિયે…

***

ખૂણે ખાંચરેથી

ઝાપટી-ઝૂપટીને

આ સંસાર-ચક્રો

ફરી ત્યાં જ મૂકો

છે વ્યવસ્થા પ્રભુની

માળિયે માળિયે…

***

કોઈ પ્યાલો કે બરણી

કંઈ ડોયો કે ગળણી

કોઈ ખીંટી, વળગણી,

કંઈ દોરી સરકણી

આવે છે મળવા

યાદો પુરાણી..

રિપીટ કરે છે

જુની કહાણી…

છે એ જ ‘રિ-મિક્સ’

માળિયે માળિયે…

***

વરસે ખૂલે છે

તે વરસ બંધ રહેશે

ને વર્ષાભિનંદનમાં

અકબંધ રહે છે

આ મૂંગા કમાડો

માળિયે માળિયે…

***

- મન્નુ શેખચલ્લી

Comments