અફઘાનિસ્તાનનાં BPKની ચિંતા નથી ?

અફઘાનિસ્તાનમાં જે કંઈ ચાલી રહ્યું છે તેનો એક જ ફાયદો આપણા દેશમાં થયો છે. આજે મમ્મીઓ પોતાના બાબાને ટીવીમાં ‘જો ! બાવો આયો !’ એમ કહીને ખાવાનું ખવડાવી શકે છે !

એ સિવાય અફઘાનિસ્તાનમાં જે કંઈ ચાલી રહ્યું છે એની ચિંતા કરવાથી આપણને શું ફેર પડવાનો છે ? ટીવીમાં ન્યુઝ ચેનલો તો તાલિબાનને એવી રીતે બતાડી રહી છે કે જાણે કોરોનાની બીજી લહેર કરતાંય વધારે ખાનાખરાબી થઈ જવાની છે !

જોવાની વાત એ પણ છે કે બહેનો એમની સિરિયલોની અનુપમાઓ, ઇમલીઓ અને આસ્થાઓની ચિંતા કરતી હતી એનાથી વધુ ચિંતા એમને અફઘાનિસ્તાનની મહિલાઓ માટે થઈ રહી છે. ‘હાય હાય, એમને બસ આવો એક જ કલરનો બુરખો પહેરવો પડશે ? બીજા કોઈ કલર પણ નહીં મળે ?’

પુરુષોની વાત કરીએ તો આમેય એમને ‘ઇન્ટરનેશનલ ચિંતાઓ’ કર્યા કરવાની જુની બિમારી છે. એમાં વળી અમુક લોકોને એ વાતની ચિંતા છે કે દેશમાં જરીક અમથી ઘટના બને ત્યારે ચિંતાતૂર બનીને રાડારાડ મચાવી મુકનારા અમુક લોકોને અફઘાનિસ્તાન બાબતે હજી સુધી ચિંતા કેમ થતી નથી ?

બીજી બાજુ અમુક લોકોને એવી ચિંતા છે કે હવે ભારતમાં બોમ્બધડાકા થવા માંડશે તો આપણું શું થશે ? અલ્યા ભઈ, એ બધી મોટી મોટી ચિંતાઓ કરવા માટે મોદી સાહેબ અને અજીત દોવલ બેઠા છે ને ? તમે ટીવી સામે બેસીને જીવ બાળ્યા કરશો એનાથી શું ફેર પડી જવાનો છે ?

પાછા આ વડીલો એ વાતની ચિંતા કરે છે કે અરેરે, ત્યાં અફઘાનિસ્તાનમાં છોકરીઓને ભણવા જ નહીં મળે ? ઓ મારા સાહેબો, અહીં ઇન્ડિયામાં કોરોના વખતે તમારી બેબલીને ઓનલાઇન ભણાવવા માટે તમારી પાસે મોબાઇલના 10-15 હજાર ખર્ચાવી નાંખ્યા છતાં સ્કુલની ફીમાં તો સાવ મામૂલી ઘટાડો કર્યો… અને છેવટે પરીક્ષા પણ ના લીધી… ! એની વાત કરોને ?

લાખો મા-બાપની ‘ટોપી’ થઈ ગઈ એ વાતે કોઈનું લોહી ઉકળતું નથી પણ ત્યાં પેલા પાઘડીવાળા અને દાઢીવાળાઓના હાથમાં મશીનગનો જોઈને અહીં સોફામાં બેઠાં બેઠાં એમને ‘પતાવી દેવાનાં’ ઝનૂનો ચડી આવે છે ! બોલો.

ખરેખર તો આપણને ચિંતા થવી જોઈએ BPKની ! BPK એટલે શું ? અરે ભાઈ B = બદામ P = પિસ્તા K = કાજુ !

આ ત્રણેયના ભાવ વધી જવાના છે. હવે આપણે ચેક કરતાં રહેવું પડશે કે રવિવારે સાંજે આપણે જે BPKની આઇસ્ક્રીમ કુલ્ફી ખાઈએ છીએ તેમાં અફઘાની બદામ-પિસ્તા-કાજુને બદલે ક્યાંક ચાઈનિઝ માલ તો નથી ઠપકારી દેતા ને ?

ભાજીપાંવની લારીવાળો અત્યાર સુધી જે છૂટથી કાજુ ભભરાવતો હતો ભાઈના ‘આંતરરાષ્ટ્રિય સંબંધો’ વણસી જવાને કારણે તે હવે કાજુને બદલે શીંગદાણાનાં ફાડિયાં તો નહીં પધરાવે ને?

વળી, દિવાળીમાં પેલી કાજુ-કતરીનું શું ? અગાઉ એના માવામાં ભેળસેળ થતી હતી, હવે તો કાજુ પણ પ્લાસ્ટિકનાં જ વાપરશે ને ? અરે, દિવાળી વખતે જે સૂકામેવાનાં ગિફ્ટ પેકેટો આવતાં હતાં એ પણ નહીં આવવાનાં ને ?... તો પછી ઘરમાં પેલો ‘બદામપાક’ શેમાંથી બનાવીશું ?

સંશોધન તો એ પણ કરવું પડશે કે પેલા કૌચાપાકમાં વપરાતા ‘કૌચા’ શું અફઘાનિસ્તાનથી આવતા હતા ? (એના લેબલમાં જે ઘોડા બતાડે છે એનો ખાસ પ્રોબ્લેમ નથી. એ તો ડાઉનલોડ પણ થઈ શકે છે.)

બીજું ટેન્શન બોલીવૂડ ઇન્ડસ્ટ્રીને છે. આપણા અક્ષયકુમારો, સલમાનખાનો અને ‘સ્પેશીયલ ઓપ’ સિરિઝના RAW એજન્ટો જે અફઘાનિસ્તાનમાં જઈ જઈને ભારત વિરોધી આતંકવાદી કાવતરાં પકડી પાડવાનાં શૂટિંગો કરતા હતા તે બિચારા હવે ક્યાં જશે ?

અને હા, ચિંતા ભારતના નેતાઓને પણ થવી જોઈએ કેમકે અફઘાનિસ્તાનની બદામો ખાવા છતાં પ્રજા એમના કૌભાંડો ભૂલી ભૂલીને એમને જ વોટ આપતી હતી, તો હવે જનતાની યાદશક્તિ ક્યાંક ‘સુધરી’ જશે તો ?

- મામલો સિરીયસ છે, ભઈ.

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments