રાજકિય સમાચારો, ફિલ્મી સ્ટાઈલમાં !

સવાલ માત્ર નજરનો છે, બાકી આજકાલ જે પોલિટીકલ ઘટનાઓ બની રહી છે તે તમને  ફિલ્મોના મનોરંજન સમાચાર જેવી પણ લાગી શકે છે ! જુઓ…

***

‘કિસાન ઝૂકતા નહીં’ની સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ

અગાઉ આ ફિલ્મમાં મુખ્યત્વે પંજાબના સિનિયર સિટિઝનો મેઇન રોલમાં હતા અને કોઈ મોટો સ્ટાર નહોતો. પરંતુ હવે એ ફિલ્મના પાર્ટ-ટુમાં ધરખમ ફેરફારો થઈ ગયા છે. લોકેશન દિલ્હીને બદલે મુજફ્ફરનગર થઈ ગયું છે અને રાકેશ ટિકૈત નામના મેગા-સ્ટારની એન્ટ્રી થઈ છે…

***

‘ટક્કર તાલિબાન સે’ના સ્ક્રીપ્ટ રાઈટર ઉઘાડા પડી ગયા

છેલ્લા વીસ વરસથી જેનું શૂટિંગ સતત ચાલી રહ્યું હતું છતાં ખતમ જ નહોતું થતું એ મલ્ટી બિલિયન ડોલર નાટો-અમેરિકન પ્રોડક્શનના સહાયક તરીકે કામ કરતી પાકિસ્તાની ટીમ જ તાલિબાન માટે ‘સ્ક્રીપ્ટ’ લખી આપતી હતી એ વાત હવે મિડિયામાં ખુલ્લી પડી ગઈ છે. ISI નામે ઓળખાતી આ ટીમ ગુપ્ત સ્ક્રીપ્ટો લખી આપવા ઉપરાંત એકશન દ્રશ્યોની ટ્રેનીંગ પણ આપતી હતી.

***

‘અફઘાન ઝિન્દા હૈ’ના વિવેચકો જ મુંઝવણમાં !

ગઈ 15 ઓગસ્ટે ‘સરપ્રાઈઝ હિટ’ નીવડેલી ફિલ્મ ‘અફઘાન ઝિન્દા હૈ’ના રિવ્યુ કરવામાં અમુક મોટા મોટા ઈન્ટેલેક્ચ્યુઅલ વિવેચકો બબ્બે અઠવાડિયા સુધી સાવ ચૂપ કેમ રહ્યા હતા ? આ બાબતે સોશિયલ મિડિયાના પ્રેક્ષકો દ્વારા તેમનું ભારે ટ્રોલિંગ થયું હતું.

અગાઉ તો સાવ મામુલી વાતે તીખા તમતમતા રિવ્યુ ઘસડી નાંખનાર આ વિવેચકો ‘અફઘાન ઝિન્દા હૈ’ જોઈને સાવ બઘવાઈ ગયા હોય તેમ લાગે છે. એમાં વળી અમુક છૂટાછવાયા વિવેચકોએ વરસો જુની ફિલ્મ ‘હિન્દુ જાગ ઊઠા’ની સરખામણી આ નવી ફિલ્મના વિલનો સાથે કરતાં મામલો ઔર ગરમાયો છે. હવે વિવેચકોની જ વિવેચના થઈ રહી છે…

***

મુંબઈની સડકો પર ‘થપ્પડ કી ગુંજ’

નારાયણ રાણેના એક ફિલ્મી ડાયલોગના કારણે મુંબઈની સડકો પર અચાનક એક્શન દ્રશ્યો ભજવાઈ ગયાં હતાં જેનું શૂટિંગ ફિલ્મી નહીં પણ ન્યુઝના કેમેરા વડે થઈ ગયું હતું… ડોક્યુમેન્ટ્રી હજી અધૂરી છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments