પુરા દોઢ વરસ પછી 6 થી 8 ધોરણનાં બાળકો સ્કુલમાં જતા થયા ખરા ! જોકે હજી એમાં ઓફલાઈન અને ઓનલાઈન બન્ને સિસ્ટમો ચાલુ રાખી છે.
આમાં બન્ને ટાઈપનાં છોકરાંઓની નવી ફરિયાદો ચાલુ થઈ છે !
***
ઓફલાઈન છોકરાંઓ
‘આ તો જુલમ છે હોં ! અમે સ્કુલે જાતે જઈએ એટલે અમારી પાસેથી મોબાઈલો પાછા લઈ લેવાના ?’
***
‘60-70 ટકા છોકરાંઓ ઓનલાઈન છે એટલે ટિચર મેડમ તો કેમેરામાં જ જોઈને સ્માઈલો આપ્યા કરે છે…’
***
‘એટલું જ નહીં, અમે જરીક આઘાપાછા થઈએ તો તરત ખખડાવે છે. ‘સીધો બેસ, આડું અવળું શું જોયા કરે છે ? ધ્યાન ક્યાં છે ?’
- અને ઓનલાઈનવાળાં કેમેરો બંધ કરીને મેગી ખાવા બેસી જાય છે એમને તો કંઈ નથી કહેતા…’
***
‘રીટાડી મારી જોડે એક જ બેન્ચ ઉપર બેસતી હતી. એના માટે તો હું ખાસ સ્કુલમાં આવ્યો ! પણ અમને છ-છ ફૂટ દૂર બેસાડે છે ! તો પછી સ્કુલમાં આવવાનો મતલબ શું રહ્યો ?’
***
‘રમતના પિરિયડમાં અમને ગ્રાઉન્ડમાં રમવા પણ નથી જવા દેતા. કહે છે કે રમવું હોય તો અંદર બેઠા બેઠા અંતાક્ષરી રમો !’
***
‘અમારે એકબીજાના નાસ્તાના ડબ્બામાંથી કશું પણ ખાવાની મનાઈ, અને ટિચર લોકો અમારા ડબ્બામાંથી, ‘વાઉ… મમ્મીએ શું બનાવ્યું છે ?’ એમ કહીને બધું ખાઈ જાય છે, એનું કંઈ નહીં ?’
***
‘મેં તો સાંભળ્યું છે કે હવે જુદા જુદા કલરનાં માસ્ક નહીં ચાલે ! સ્કુલ યુનિફોર્મ મુજબ એક જ કલરના માસ્ક પહેરવા પડશે અને એ પણ સ્કુલ કહે એ જ દુકાનેથી લાવવાનાં રહેશે !’
***
જોકે ઓનલાઈનવાળાની એક જ ફરિયાદ છે…
‘આખો દહાડો ટિચરોનાં જ મોં બતાડે છે. આખી સ્કુલ તો બતાડતા જ નથી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment