ઓડિયો કેસેટોને યાદ કરતાંની સાથે શું યાદ આવે છે ? અરે પેન્સિલ !
સાલું, કેસેટ પ્લેયર અચાનક બગડી જાય ત્યારે લતા મંગેશકરનો અવાજ અચાનક ઉષા ઉથ્થુપ જેવો, પછી મુકેશ જેવો અને છેવટે સાયગલને કોઈ ગુંડાએ ગળું દબાવીને મારવાની કોશિશ કરી હોય એવો થઈ જાય ! એ વખતે સમજી જવાનું કે કેસેટમાંથી પેલી ચાર મિલિમિટર પહોળી બ્રાઉન કલરની ચળકતી પ્લાસ્ટિની રિબિન જેવી ટેપનું ગુંચળું થઈ ગયું હશે !
પછી સાવધાનીથી કેસેટને પ્લેયરમાંથી કાઢવાની ટેપની પટ્ટી અંદરો-અંદર ફસાઈ ન જાય એ રીતે એને આંગળી વડે સહેજ ઉકેલવાની અને પછી પેન્સિલને કેસેટના એક કાણામાં ખોસીને ગોળ ગોળ ફેરવતા જઈને ટેપને વાઈન્ડ અથવા રિ-વાઈન્ડ કરવાની !
એ પછી ભગવાનનું નામ લઈને કેસેટને પ્લેયરમાં નાંખી વગાડી જોવાની. જો સરખી વાગી તો ભયોભયો ! નહિતર લગભગ ગાયનના એ જ ઠેકાણે લતાજી બેસૂરા બનીને કારેલાંના રસનો કોગળો કરતાં હોય એવાં સંભળાય !
ફક્ત 20-25 રૂપિયામાં મળતી આ કેસેટોએ સંગીતના રસિયાઓને કેવા કેવા પાપડ વણવા માટે વાંકા પાડ્યા છે એ તો એ જમાનાના લોકો જ જાણે !
આ પેન્સિલનો એક બીજો કિસ્સો યાદ આવે છે. એકવાર ટ્રેનમાં સફર કરતાં અમે જોયું કે બે ત્રણ જુવાનિયાઓ પોર્ટેબલ રેકોર્ડ-પ્લેયરમાં ગાયનો વગાડ્યા પછી પેન્સિલ વડે ટેપને ક્યારના ગોળ ગોળ ફેરવી રહ્યા હતા. ખાસ્સી પંદર મિનિટ લગી ચાલી રહેલો આ કારભાર જોઈને અમે પૂછ્યું ‘અલ્યા, કેમ આમ કરો છો ?’
તો કહે. ‘પ્લેયર વડે રિવાઇન્ડ કરવામાં સાલી બેટરી બહુ વપરાઈ જાય છે ! અને અમારે જવાનું છે ઘણે આઘે !’ વાત પણ કંઈ ખોટી નહોતી. એક કેસેટ મળે 25 રૂપિયાની અને એને વગાડવા માટેના ચાર સેલ આવે દસ-દસ રૂપિયાના ! કેસેટ તો પચાસેક વખત વગાડીએ પણ 40 રૂપિયાના સેલ જો બે-ચાર કલાકમાં પતી જાય તો શું કામના ?
ઓડિયો કેસેટનો જમાનો યાદ કરીએ એટલે ટી-સિરિઝવાળા ગુલશન કુમારનું નામ સૌને યાદ આવે. એ વખતે જ્યારે બજારમાં નવી નવી કેસેટો આવી ત્યારે HMV અને પોલિડોર જેવી કંપનીઓ 50 રૂપિયામાં જે કેસેટ વેચે એમાં બંને સાઈડ થઈને બે ફિલ્મોનાં ગીતો આવી શકતાં હતાં પણ શી ખબર, સંગીત રસિયાઓને ત્રાસ આપવામાં એમને શું આનંદ આવતો હશે. તે ફિલ્મનું કોમ્બિનેશન સાવ વિચિત્ર જ હોય !
સારાં ગીતોવાળી બે ફિલ્મોને બદલે જાણે કજોડાં પરણાવતાં હોય એમ બીજી ફિલ્મ સાવ રેઢિયાળ ગાયનોવાળી જ હોય ! એમાંય વળી જે ગાયન પાછળ આપણે દિવાના હોઈએ એ તો અંદર હોય જ નહીં !
પરંતુ આપણા ભારતના સંગીત રસિયાઓએ પોતાનો ઓરિજીનલ રસ્તો શોધી કાઢ્યો. આપણે કહ્યું, ખાડામાં જાય તમારાં લેબલો, અને ખાડામાં જાય તમારી તૈયાર કેસેટો ! સંગીત રસિયાઓ પોતાની પસંદગીના ગાયનોનું લિસ્ટ બનાવતા અને પછી કેસેટ પ્લેયરો વેચતી અમુક દુકાનોમાં તેનું ‘રેકોર્ડિંગ’ કરાવતા ! દાખલા તરીકે મુકેશનાં ઉદાસ ગાયનો, રાજકપૂરની ફિલ્મોનાં મનપસંદ ગીતો, રફી-લતાનાં મધૂરાં યુગલ-ગીતો, શંકર જયકિશનની હિટ મેલોડીઝ… વગેરે.
અમે એ સમયે અમારા મિત્રોમાં ‘જાણકાર’ ગણાતા હતા એટલે દોસ્તો લિસ્ટ બનાવતી વખતે અમારી ‘કન્સલ્ટન્સી’ લેવા માટે આવતા હતા ! અમારું માનવું છે કે ગુલશન કુમારને પણ આવી જ કન્સલ્ટન્સી લેતી કે આપતી વખતે પોતાની જ ઓડિયો કેસેટ ઇન્ડસ્ટ્રી નાંખવાનો વિચાર આવ્યો હશે.
ગુલશનકુમારે 25-25 રૂપિયાની ઓડિયો કેસેટ બજારમાં મુકીને ફિલ્મ સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવીને મુકી દીધી. પેલી ઇન્ટરનેશનલ ગણાતી રેકોર્ડિંગ કંપનીઓનો તો ઘડો લાડવો થઈ જ ગયો, પણ જરા યાદ કરો, શહેર અને ગામડાંની ગલીઓમાં કેસેટની લારીઓનો આખો ડિસ્ટ્રીબ્યુશનનો ‘ગૃહ-ઉદ્યોગ’ શરૂ થઈ ગયો !
કલ્પના કરો, કંઈ કેટલાય લાખો લોકોની રોજી-રોટી આ કેસેટો ઉપર ચાલતી થઈ ગઈ હતી ! અમારું માનવું છે કે આખી દુનિયામાં ભારત જ એવો દેશ છે જ્યાં આ પ્રકારની ઘટના બની છે.
આમેય, ગુલશનકુમારનું વ્યક્તિત્વ રસપ્રદ હતું. ગોળમટોળ કાયા, ભોળો ચહેરો અને મીઠડું બોલતો આ માણસ ખરેખર તો એક ગાયનોથી ભરપૂર, મ્યુઝિકલ બાયોપિકનો રેડીમેઇડ મસાલો છે. એમનું મૃત્યુ પણ રહસ્યમય સંજોગોમાં થયું.
ખેર, આજે તો ઘરમાં જુની ઓડિયો કેસેટો પડી હોય તો તેને સાંભળવા માટે બજારમાં કેસેટ પ્લેયરો શોધ્યાં જડતાં નથી. બસ, પેન્સિલ વડે કેસેટની ટેપ ફેરવી જુઓ. કદાચ કંઈ યાદોના સૂર સંભળાય તો !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
મેં નવી શોધ કરી હતી એ વખતે. પેન્સિલ કરતાં સ્કેચ પેનને ઊંધી રાખીને પાછલું ઢાંકણું ભરાવું એટલે કેસેટ એમાં બરાબરની પકડાય અને સ્પીડ પણ વધી જતી.
ReplyDeleteએ શોધ પેટન્ટ કરાવી લીધી હોત તો ફાયદામાં રહ્યા હોત , રસેશ ભાઈ !😃😃
Deleteએ વખતે એવી કોઇ ખબર નહીં ; પણ સ્કેચ પેનની અછત સર્જાઇ હોત, કદાચ ! રેશનિંગ પણ કરવું પડયું હોય ! ભૂજમાં મારા એક પરિચિત થયેલા HMV ડીલરને, મેં એવો સુઝાવ આપ્યો કે એલપી અને ઇપી જો બહુજ ઓછી વેચાતી હોય તો એને ઓડિયો કેસેટમાં કનવર્ટ કરવાનું ચેનજર આવે છે. એમને જચી ગયું. એ ધંધો ખૂબ ચાલ્યો. વર્ષો સુધી મારા ગાઢ વડીલ મિત્ર રહ્યા.
DeleteRadio par aavta favourite songs player ma record karta n jate gai ne pan blank cassate ma recording karta
ReplyDeleteઆ નિષ્ફળ પ્રયોગ મેં પણ કર્યો હતો ! 😃😃
Deleteવાહ લલિતભાઈ, ખરેખર બહુ મજેદાર.
ReplyDeleteઆજે ચાલીશથી વધુની વય ધરાવતી દરેક વ્યક્તિ કેસેટ યુગની મુગ્ધતા જીવી ચૂકી હોય.
આ શ્રેણીના તમારા તમામ લેખ મને અઢળક યાદગીરીઓનો પૂળો ચાંપી જાય છે.
સોનીની કેસેટ સૌથી શ્રેષ્ઠ મનાતી (હતી કે નહિ એ ખબર નથી, પણ મનાતી) અને સૌથી મોંઘી તો હતી જ. તેની સામે મારા ગામ રાજુલાની પડખે જાફરાબાદના ખારવાઓ દુબઈથી દાણચોરીની TONYની કેસેટ લાવતાં. સોનીનું પેકેજિંગ રેડ એન્ડ બ્લેકમાં હતું તો ટોનીની સ્ટાયલશીટ એ જ, પણ કલર ગ્રીન એન્ડ વ્હાઈટ હતો. એવું કહેવાતું કે આ સોનીની જ કેસેટ છે, પણ ચોરાઉ માલ હોવાથી પેકેજિંગ અલગ છે. સોની કરતાં લગભગ ચોથા ભાગની કિંમતે મળતી આ કેસેટ જ અમારો આધાર હતી. આજે પણ મારા ઘરમાં એ ક્યાંક પડી હશે.
વાહ ધૈવત ભાઈ ! જોકે આ ટોની અમારા સુધી પહોંચી નહીં શક્યા હોય, અમદાવાદમાં. બાકી, આ લેખ આવ્યા પછી ઘણા વાચકો અને મિત્રોએ કહ્યું કે એમની પાસે જુની, બહુ પ્રેમથી સંઘરેલી કેસેટો હતી અથવા હજી પડી છે પણ હવે શા કામની ! પ્લેયરો જ નથી રહ્યાં. આ
Deleteહકીકત પણ યાદોની સફરનો હિસ્સો છે...