અમે એ જમાનાનું પહેલ વહેલું ટુ-ઈન-વન ટેપ રેકોર્ડર કમ પ્લેયર કોઈ શહેરમાં નહીં પણ ગામડામાં જોયેલું ! એ પણ દક્ષિણ ગુજરાતમાં. ત્યાંથી દૂબઈ-મસ્કત વગેરે ‘ખાડીના’ દેશોમાં મહેનત મજુરી કરવા જનારા લોકો પાછા આવતી વખતે આ ‘જણસ’ લઈ આવતા !
ગામના મોટા મોભીના ઘરે પણ ના આવ્યું હોય એવું આ ટુ-ઈન-વન એમના ખખડધજ ઘરોમાં ‘શો-પીસ’ની જેમ ગોઠવીને રાખવામાં આવતું ! એટલું જ નહિ, એની ઉપર ગામડાની ધૂળ ના લાગે એટલા માટે ઘરની વહુએ જાતે ગુંથણ કરેલું, ફૂમતાની ડિઝાઇનવાળું ‘ઓઢણું’ પણ ઓઢાડેલું હોય ! મહેમાન આવે ત્યારે ખાસ ‘ડેમોન્સ્ટ્રેશન’ બતાડવામાં આવતું. પહેલાં મોટા અવાજે કેસેટ વગાડવાની, પછી પેલું ચળકતું અને ખેંચવાથી લાંબુ થાય તેવું એરિયલ ઊભું કરીને ટ્રાન્ઝિસ્ટર રેડિયો વગાડીને બતાડવાનો !
સિલ્વર, લાલ અને બ્લેક કલરના મોડેલોનો ભપકો જોઈને અમે પણ અંજાઈ જતા હતા. જોકે એમાં મોટી સાઈઝનાં મોડલોમાં બબ્બે કેસેટો ખોસવાનાં ખાનાં શા માટે બનાવ્યાં હશે તે અમને સમજાતું નહોતું. ભોળી કિશોરાવસ્થામાં અમે એવું માનતા હતા કે એક સાથે બબ્બે કેસેટો વાગતી હશે ! ડાબી બાજુનાં સ્પીકરમાંથી એક ગાયન અને જમણા સ્પીકરમાંથી બીજું ગાયન વાગતું હશે ! પછી મોડે મોડે ખબર પડી કે એક કેસેટમાંથી બીજી કેસેટમાં ‘રેકોર્ડિંગ’ કરવું હોય તો આ મોડલમાં થઈ શકતું હતું.
સાદા પ્લેયરમાં બે ચાંપ એક સાથે દબાવવાથી રેકોર્ડિંગ પણ થઈ શકે એવી ખબર પડી ત્યારથી અમને હથેળીમાં (અને ગળામાં) ચળ ઉપડી હતી. નિશાળમાં ફ્રી પિરિયડમાં રમાતી અંતાક્ષરીમાં સતત રાગડા તાણીને ગાવાને લીધે અમે ‘અંતાક્ષરી કિંગ’ ગણાતા હતા. નાકમાંથી મુકેશનો અવાજ અને સ્હેજ લ્હેરમાં આવીને અમે કિશોરકુમારનો અવાજ કાઢતા હતા.
જોકે ઘણી તપસ્યા પછી જ્યારે એક દોસ્તના રેકોર્ડરમાં અમે અમારું ગાયેલું ગાયન સાંભળ્યું ત્યારથી કાન પકડ્યા કે ભૈશાબ હું આટલો ભદ્દા અવાજવાળો છું એની મને ખબર જ નહોતી ! (આજના ‘કરાઓકે’ ગાયકો જે ગલીએ ગલીએ ફૂટી નીકળ્યા છે એમને આવું ‘આત્મજ્ઞાન’ નથી થતું કેમકે એમનો અવાજ ‘ઈકો’ સ્ટાઈલમાં (પડઘા પડે તે રીતે) સંભળાય છે.)
જોકે ગાયનોની પસંદગી બાબતમાં અમારી ‘જ્ઞાની’ તરીકે ગણના થતી હતી એટલે પોતપોતાનાં પર્સનાઈઝ પ્લે-લિસ્ટ અમારી ભલામણથી તૈયાર થતાં. એ વખતે સાવ નાનકડી દુકાનમાં આપણા લિસ્ટ સાથે આપણી સારામાંની (સોની, TDK) કેસેટ આપીએ એટલે દુકાનવાળો બે-ત્રણ દિવસનો વાયદો કરે. અમને એ વખતે જરા નવાઈ લાગતી કે આ ભાઈ આટલાં બધાં ગાયનોની રેકોર્ડો વસાવવામાં કેટલા રૂપિયાનું રોકાણ કરીને બેઠા હશે ?
આનું રહસ્ય મોડેથી ખુલ્યું. એ દુકાનદારો હકીકતમાં અમદાવાદ કે રાજકોટ જેવા શહેરમાં જઈને ખાસ સ્પેશીયાલિસ્ટો પાસે રેકોર્ડિંગ કરાવી લાવતા. તે વખતે અમદાવાદમાં દસ જેટલી આવી સ્પેશિયલ રેકોર્ડિંગની દુકાનો હતી. એ લોકો આ નવા ખુલેલા બિઝનેસ માટે ફિલ્મી ગાયનોની 3000 થી 4000 જેટલી રેકોર્ડો વસાવતા !
કયું ગાયન કયા નંબરની રેકોર્ડમાં કેટલામાં ક્રમે છે તેનો એક હસ્તલિખિત ચોપડો બનાવેલો રહેતો ! પેલી નાની દુકાનવાળા આપણી પાસે 20 રૂપિયા લેતા જ્યારે આ સ્પેશીયાલિસ્ટો એમને લગભગ 12 રૂપિયામાં એક કલાકની કેસેટમાં ગાયનો ‘ભરી’ આપતા હતા ! (એમાં જો તમારે ‘ઇકો’ ઇફેક્ટ જોઈએ તો 10 રૂપિયા એકસ્ટ્રા.) કહે છે કે આણંદમાં એક ‘પ્રકાશ મ્યુઝિક સેન્ટર’ નામના સ્ટોર પાસે એટલી ડિમાન્ડ રહેતી હતી કે પંદર દહાડે મહિને તમારી કેસેટનો વારો આવે ! એમણે તો ગાયનોનું લિસ્ટ 'છપાવીને' રાખ્યું હતું… પસંદગી માટે ! વિદેશથી આવતા NRIઓ સામટી 50-60 કેસેટોનો ઓર્ડર આપતા હતા !
આજે એવી કેસેટો અમુક સંગીતરસિયાઓ પાસે સેંકડોના હિસાબે સંઘરાયેલી પડી છે. પણ બજારમાં પ્લેયરો જ નથી મળતાં ! જોકે ઓનલાઈન સર્ચ કરો તો હવે ઘેરબેઠાં એ જ જુની સ્ટાઈલનાં ‘રેટ્રો ટુ-ઈન-વન’ પણ મળે છે અને કેસેટમાંથી MP3માં ફેરવી આપે એવું કન્વર્ટર પણ મળે છે. શોધી જોજો.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
મારી પાસે ખૂબ બધી ઓડિયો કેસેટ છે જેમાં સંગીતની લગભગ બધી જ તરાહો છે. એમને MP3 માં કન્વર્ટ કરવાના સફળ પ્રયત્નો પણ કર્યા, પણ એની એટલી બધી મજા ન આવી. એમાં ખૂબ સમય અને ધીરજ જોઈએ એવો અનુભવ થયો. તમે તો, લલિતભાઈ, વધુ એકવાર સૂરીલો જલસો કરાવી દીધો, હોં !
ReplyDeleteવાત સાચી લાગે છે કેમકે એક એક કેસેટ વગાડીને આ કામ કરવું પડે. એમાં વળી જો કેસેટ બગડેલી હોય અને ફસાઈ જાય તો નવી ઉપાધિ !😃😃
ReplyDeleteKharekhar lalitbhai e juna divso yaad aavi gaya radio cassete player thi aapne utube par aavi gaya aangli na ek terve khajano open.
ReplyDeleteસાચી વાત છે. જોકે યુ ટ્યુબ પર ગાયનો જોવામાં પડી જઈયે તો સાંભળવાની મજા સહેજ બાજુમાં રહી જાય છે.
Delete