તમે માર્ક કરજો...

તમે માર્ક કરજો…

અમુક લોકો રોલા પાડવા માટે મોબાઈલમાં લાખોના સોદા પાડવાની વાતો કરતા હોય છે…

…પણ એમની પાસે ફક્ત 2000 રૂપિયા ઉછીના માગો તો કહેશે કે યાર, બહુ જ તંગી ચાલે છે !

***

તમે માર્ક કરજો…

આપણી જોડે ફેસ ટુ ફેસ વાત કરવા માટે અમુક લોકો વિડીયો કોલ લગાડે છે…

… પછી પોતે ફોનમાં જોવાને બદલે ક્યાંક આઘું જ જોઈને વાતો કરતા હોય છે !

***

તમે માર્ક કરજો…

ઘરમાં વડીલ મહેમાનો આવ્યા હોય ત્યારે યુવાનો એમની જોડે વાતચીત કરવાને બદલે…

...જાણે બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય એમ પોતાના મોબાઈલમાં આંગળીઓ ફેરવવા માંડે છે !

***

તમે માર્ક કરજો…

અમુક લોકો સેલ્ફી પડાવતી વખતે તો જોરદાર સ્માઈલો આપીને પોઝ આપશે…

… પણ સેલ્ફી લેવાઈ જાય કે તરત એમનાં મોં ઉતરેલી કઢી જેવાં થઈ જાય છે !

***

તમે માર્ક કરજો…

અમુક લોકો (ખાસ કરીને યુવાનો) ટીવી ચાલુ કરીને સામે સોફામાં બેસશે…

… અને પછી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામના વિડીયો જોયા કરશે !

***

તમે માર્ક કરજો…

અમુક લોકો તમને ફની વિડીયો બતાડવા માટે છેક તમારા ખભા નીચે ઘૂસી જશે…

… અને પોતે પંદરમી વાર જોતા હોય છતાં, તમે હસી શકો એ પહેલાં જ, તમારા કરતાં પંદર ગણા જોરથી હસ્યા કરશે !

***

તમે માર્ક કરજો…

અમુક લોકોને તમે જોક્સ મોકલો, વિડીયો મોકલો, સુવાક્યો મોકલો, જાણવા જેવું મોકલો કે ઇવન હેપ્પી બર્થડે મોકલો…

… જવાબમાં તેઓ હંમેશાં એક ગુલાબનું ફૂલ જ મોકલશે ! જોજો.

***

- મન્નુ શેખચલ્લી

Comments