શું તમારા મોબાઇલમાં રોજ પેલા ઢગલાબંધ, એક ના એક, ત્રાસદાયક SMS આવ્યા કરે છે ?
એમાં ખરો ત્રાસ ત્યારે થાય છે જ્યારે એવા મેસેજ સાવ ખોટા ટાઇમે ટપકી પડે છે….
***
લગ્ન માટેનો તમારો, બાયો-ડેટા સત્તરમી વાર રિજેક્ટ થઈ ચૂક્યો હોય ત્યારે જ મેસેજ આવે…
‘પંડિતજી સે બાતેં કરેં… ઔર જાને અપની કુંડલી મેં છિપે રાઝ !’
***
કોરોનાને કારણે તમારી નોકરી તો ગઈ જ હોય પણ જ્યારે પંદરમી વાર તમને ઇન્ટરવ્યુમાંથી પણ પાછા કાઢ્યા હોય ત્યારે બહાર નીકળતાં જ મેસેજ ટપકે…
‘ઘર બૈઠે રોજ ૩૦,૦૦૦ તક કમાયેં ! લુભાવની સ્કીમ કે મેમ્બર બનિયે ઔર ચમત્કારિક લાભ પાઇએ !’
***
મોબાઇલમાં મોડી રાત સુધી ભળતું-સળતું જોવાને કારણે પપ્પાએ તમારો મોબાઇલ છીનવી લીધો હોય અને દોઢસો મસકા માર્યા પછી માંડ પાછો મળ્યો હોય તે જ ક્ષણે સંદેશો આવે…
‘ખુબસુરત લડકિયોં સે રોમેન્ટિક બાતેં કરેં ઔર જીવન કા ચરમ સુખ પ્રાપ્ત કરેં ! કેવલ 100 રૂપયે મેં’
***
એક તો માસ્ક ના પહેર્યું હોય, ઉપરથી દોસ્તના સ્કુટર ઉપર ત્રણ ત્રણ સવારીમાં જતા હોઈએ, એમાં પોલીસ પકડે, દોસ્તો દોઢ ડાહ્યા થઈને રોફ મારવા જાય એમાં વળી પોલીસના ડંડા પડે… પછી જ્યારે શરીરના સોજા ઉપર બરફ ઘસતા હો ત્યારે જ મેસેજ આવે…
‘ફૂલ બોડી-ચેક અપ, આપ કે ઘર બૈઠે !’
***
પત્નીને અંધારામાં રાખીને તમે તમારી ‘વો’ જોડે રંગીન પ્રકારની ચેટ કરતાં પકડાઈ ગયા હો અને પત્ની રણચંડી બનીને વેલણ ઉગામીને તમારી ધૂલાઈ કરવાની તૈયારીમાં હોય, ત્યારે બે SMS આવે…
(1) ગુગલ સ્ટોરેજ કા ઉપયોગ કરેં, સંપૂર્ણ ગોપનીયતા કે સાથ !
અને (2) જરૂર દેખિયે, વિદ્યા બાલન કી ‘શેરની’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment