સરકારને કદાચ ખબર નથી કે બારમામાં માસ પ્રમોશનો આપીને તેમણે કંઈ કેટલા હજારો યુવાનોને ‘બેરોજગાર’ થતા બચાવી લીધા છે ! કેમ કે હવે એ બધા કોલેજમાં જશે અને ત્રણ વરસ પછી જ બેરોજગારીના આંકડામાં ‘માસ વધારો’ કરશે !
અત્યારે તો એ યુવાનો ગાઈ રહ્યા છે…
***
માસ પ્રમોશન લઈને
પપ્પુઓ પાસ થઈ ગયા !
હવે પપ્પા કાઢો પૈસા !!
***
સ્કુટી લઈને સ્કુલ જતા’તા
હવે કોલેજમાં જોઈએ બાઈક…
પપ્પા કાઢો પૈસા !
મોબાઈલ થઈ ગયો જુનો
હવે જોતાં જ જોઈએ લાઈક..
પપ્પા કાઢો પૈસા !
***
નેટ ઉપર જે ચેટ છે
એની ઉપર પણ ‘વેટ’ છે !
ડેડી, વાત છે ‘સ્ટેટસ’ની
અપ-ડેટ નથી, તે આઉટ-ડેટ છે
ગુગલ વિના સબમિશન ક્યાંથી
ડાઉનલોડ થયા મોંઘા…
તો, પપ્પા કાઢો પૈસા !
***
આઉટિંગમાં જોઈએ બાઈક
ને બાઇક ખાય પેટ્રોલ
ડેટિંગમાં જોઈએ દિલ
ને દિલ માગે રેસ્ટોરન્ટ-બિલ
પિત્ઝા-બર્ગર, કોફી-શોપિંગ
રોમાન્સ થઈ ગયા મોંઘા
તો, પપ્પા કાઢો પૈસા !
***
ક્રેડિટ શું રહી મારી ?
જો હોય ના ક્રેડિટ કાર્ડ !
પપ્પા મળ્યા છે બુધ્ધુ
માનો ભગવાનનો પાડ !
સેમિસ્ટર ક્રેડિટથી ઊંચી
ઠાઠ-માઠની ક્રેડિટ !
‘માન’ કરતાં ‘ઈ-મની’ મોંઘા
તો, પપ્પા કાઢો પૈસા !
***
બાપા બિચારા ‘શિક્ષણ’ ભણ્યા
પણ આ છે ‘એજ્યુકેશન’ !
જોબ મળે કે ના મળે
ભણવાની છે ફેશન !
હવે ‘રોલા’ થઈ ગયા મોંઘા
ચલો, પપ્પા કાઢો પૈસા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment