૨૦૫૦માં ગુજ્જુઓની સ્પેસ-યાત્રા !

હમણાં ભલે દુનિયાના અબજોપતિઓ સ્પેસમાં ઊડી લે પણ પછી એક ટાઈમ એવો આવશે કે આપણા જેવા મિડલ ક્લાસિયા ગુજરાતીઓ પણ ગોવા-મહાબળેશ્વરની જેમ સ્પેસમાં ફરવા જતા હશે ! એ વખતનો સિનારીયો કેવો હશે…

માત્ર ચાર જણા જવાના હોય તો પણ ચાલીસ જણા એમને મુકવા માટે લોન્ચિંગ સ્ટેશને પહોંચ્યા હશે. સેલ્ફીઓ તો શું, મોટી મોટી ‘ગ્રુપીઓ’ લેવાતી હોય… ચારે બાજુ કલબલાટ ચાલતો હશે:

‘સંભાળજો હોં, અવકાશયાનમાં બેસતાં પહેલાં પેશાબ પાણી કરી લેજો હોં, કેમકે સાંભળ્યું છે કે ના કર્યાં હોય તો બધું પેટમાંથી ઊપર આવી જાય છે…’

‘અને કહું છું, પહોંચો કે તરત સેલ્ફી લઈને સ્ટેટસ મુકજો હોં ?’

‘આપણા જિગ્નેશકાકા ત્યાં જ ગયા છે, મળે તો એમને એમનું મફલર આપવાનું ના ભૂલતા !’

‘પાછા આવતી વખતે ચંદ્રની માટી ખાસ લાવજો, એમાં કારેલાનો રસ નાંખીને ગાલ ઉપર લેપ કરવાથી ખીલ મટી જાય છે…’

માંડ આવજો… આવજો… કરીને આપણા સ્પેસયાત્રીઓ અંદર પહોંચે ત્યાં તો એનાઉન્સમેન્ટ ચાલતું હોય: ‘કૃપયા ધ્યાન દિજીયે… લોન્ચિંગ પ્લેટફોર્મ ચાર સે જાનેવાલી શીપ આજ લોન્ચિંગ પ્લેટફોર્મ સાત સે જાયેગી… ’

આમાંને આમાં ગભરાયેલાં મનીષામાસીની બેગનાં પૈડા એમની સાડીમાં ફસાઈ જવાથી તે ગબડીને પ્લેટફોર્મ નંબર બાર તરફ ધસી રહેલાં એસ્કેલેટરમાં પડતાંની સાથે ઉપરની તરફ જતી સીડીને ‘સ્વર્ગની સીડી’ સમજીને આખું સ્પેસ-સ્ટેશન ગજવે તેવી ચીસો પાડતાં હશે !

ખેર, સ્પેસ-શીપમાં માંડ માંડ ગોઠવાયા પછી ચાર ચાર વાર ‘અપના મોબાઈલ બંધ કરે…’નાં એનાઉન્સમેન્ટો થઈ જવા છતાં એકાદ સ્મિતાભાભી ફોનમાં ચોંટ્યા જ હોય :

‘હા, કલ્પનાકાકી, બસ હવે ઉપડવાની તૈયારીમાં જ છે… ના, બારીની સીટ તો નથી મળી પણ એક ભઈ બહારનું જોઈને મને રનીંગ કોમેન્ટ્રી આપવાના છે… હા, હરીશમામાને સારું છે હોં ? ખાલી બે જ ઉલ્ટીઓ થઈ છે. બિચારી સ્પેસ હોસ્ટેસ આવીને બધું સાફ કરી ગઈ છે… ના ના, હવે નહીં થાય. જેટલાં રસ-રોટલી ખાધાં હતાં તે લગભગ બધાં નીકળી ગયાં છે…’

છેવટે જોરદાર ધણધણાટીઓ અને દોઢસો બસ્સો મૃત્યુંજયના જાપની ગણગણાટી સાથે સ્પેસ-શીપ ઉડશે ! હજી માંડ બે મિનિટ થઈ હોય ત્યાં પેલા સ્મિતાભાભી બારીમાં બેઠેલા ભાઈને પૂછતાં હશે:

‘જુઓને, આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય છે?’

જવાબમાં બારીએ બેઠેલા બીજા ચાર જણા કહેશે ‘બેન તમે સ્હેજ જ મોડાં પડ્યાં ! હમણાં જ ગયું ! પણ ચિંતા ના કરો, મેં વિડીયો લીધેલો છે ! ઉતરીને તમને સેન્ડ કરીશ હોં !’

છેવટે સ્પેસ-શીપ ઝિરો ગ્રેવિટીના ઝોનમાં પહોંચે ત્યારે એકાદ નમૂનો તો એવો નીકળશે જ જેણે સીટ બેલ્ટ સરખો ના બાંધ્યો હોય ! એ હવામાં ગુલાંટો ખાતો ખાતો (જાણ્યે અથવા અજાણ્યે) પેલી રૂપાળી સ્પેસ-હોસ્ટેસોને અથડાતો હશે !

બીજી બાજુ, એકાદ ગુજરાતણની હેન્ડ બેગેજમાથી બહાર નીકળી ગયેલા નાસ્તાના ડબ્બાનું ઢાંકણું ખૂલી જવાથી થેપલાં, ઢોકળાં, ચટણી અને છુંદો આખી સ્પેસ-શીપમાં આંટા મારતાં હશે !

જોકે ‘આ તો અમદાવાદવાળી શીપમાં રોજનું થયું’ એમ સમજીને સ્પેસ-સ્ટાફ ખાસ માથાકૂટ પણ નહીં કરે ! અડધા ગુજરાતીઓ આંખો બંધ કરીને બેઠા હશે અને બાકીના અડધા સીટમાંથી ઊંચા થઈ થઈને મંગળ, બુધ કે શુક્ર જે દેખાય તે શોધવા માટે ફાંફાં મારતા હશે.

ખેર, જ્યારે સ્પેસ-શીપ ચંદ્ર ઉપર ઉતરશે ત્યારે મિનિમમ ચાર ગુજરાતી તો ઘડિયાળમાં જોઈને બબડતા જ હશે કે ‘બસ ? ખાલી સત્તાવીસ મિનિટમાં ? બોસ, ત્રીસ લાખ પડી ગયા ! ચંદ્રની આજુબાજુ આપણને બે આંટા મરાવ્યા હોત તો એમનું શું જતું હતું ?’

છેવટે અંદરથી ધક્કા-મુક્કી કરીને નીચે ઉતરતાંની સાથે જ બધા એક જ દિશા તરફ જશે… ના, વોશરૂમ તરફ નહીં, ત્યાં આપણો ‘ખેતલા આપા-ટી સ્ટોલ’ હશે !

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment