આદત અને અદા !

આપણે આ શ્રાવણ મહિનામાં ઉપવાસો કરીએ તો એ આપણી ‘આદત’ કહેવાય…

… પણ હિરોઇનો જો ડાયેટિંગ કરીને ‘હેલ્ધી ફૂડ’ના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મુકે તો એ એમની ‘અદા’ કહેવાય !

***

આપણે ક્યારેક આપણી જુની યાદોના ફોટા ફેસબુકમાં મુકીએ તો એ આપણી ‘આદત’ કહેવાય…

… પણ ફિલ્મસ્ટારો એમનાં ‘થ્રો-બેક પિક્સ’ સોશિયલ મિડીયામાં ‘શેર’ કરે તો એ એમની ‘અદા’ કહેવાય !

***

બફારા અને પરસેવાને કારણે આપણે આપણા ઘરમાં શર્ટ કાઢી નાંખીએ તો એ આપણી ‘આદત’ કહેવાય…

… પણ એર-કંડીશન્ડ સ્ટુડિયોમાં લવ-સિન ભજવવા માટે સલમાન ખાન શર્ટ ઉતારી નાંખે તો એ એની ‘અદા’ કહેવાય !

***

ચાર રસ્તે આપણને હેરાન કરતાં ભિખારી ટાબરિયાંને આપણે ‘ચલ ફૂટ’ કહીને દૂર કરી દઈએ તો એ આપણી ‘આદત’ કહેવાય…

… પણ રિયાલિટી શોમાં કોઈ ટેલેન્ટેડ ગરીબ છોકરાની હજી એન્ટ્રી થાય અને તરત જ આંસુ પાડવા માંડે તો એ નેહા કક્કડની ‘અદા’ કહેવાય !

***

અરે, ‘અમારા મેરેજને 15 વરસ થયાં’ એવું કહ્યા કરવાની તો કોઈ પતિ-પત્નીને ‘આદત’ પણ નથી પડી. (ખાસ તો પતિઓને )…

… પણ ‘અમારી ફિલ્મ રિલિઝ થયાને 10 વરસ થઈ ગયાં’ એવું કહેવાની ફિલ્મવાળાઓની નવી ‘અદા’ શરૂ થઈ છે !

(અલ્યા, અમને મેરેજ ટકાવી રાખવામાં અહીં કેટલી મહેનત પડી છે ? જ્યારે તમારે તો ખાલી કેલેન્ડરમાં આંકડો જ ગણવાનો ને !)

***

બીજું તો શું કહેવું ? પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાને કારણે આપણે સાઇકલ ચલાવવા માંડીએ તો એ આપણી ‘આદત’ કહેવાય..

… પણ નેતાઓ સાઇકલ લઈને સંસદ ભવન પહોંચે તો એ એમની ‘અદા’ છે ને ?

***

બાકી, ડિપ્રેશન તો પ્રજાની ‘આદત’ છે…

… પણ હિરોઈનોને થયું હોય તો ? બોલો…

***

- મન્નુ શેખચલ્લી

Comments