‘યાર, આ બૈરાંઓને વાસણ કેટલાં બધાં હોય છે ?’ એક ભાઈ તેના મિત્ર આગળ બળાપો કાઢી રહ્યો હતો.
‘કેમ, શું થયું ?’
‘અરે, શાક સમારવાનું ચપ્પુ અલગ, શાકની છાલ કાઢવાનું ચપ્પુ અલગ, શાકને છીણવાનું સાધન અલગ ! એ તો ઠીક, મેથીની ઝૂડી કાપવાનું પાટિયું વળી અલગ !’
‘હા પણ -’
‘અરે શાક સમારવાની થાળી અલગ, લોટ બાંધવાની થાળી અલગ, જમવાની થાળીઓ તો ખરી જ પણ જમતી વખતે દાળની ચમચી અલગ, ભાતનું ભાથિયું અલગ, શાકને હલાવવાનો કડછો અલગ અને દાળ હલાવવાનો કડછો અલગ ! અરે, એક કડછીમાં તો વળી ‘કાણાં’ હોય, એ વળી અલગ.. રાંધવા માટે પ્રેશર કુકર અલગ, એમાં ચોખા મુકવાનું વાસણ અલગ, દાળ વઘારવાનું વઘારિયું અલગ, અને દાળ ઉકાળવાનું તપેલું અલગ..’
‘અલ્યા પણ -’
‘આટલેથી નથી પતતું ભૈશાબ ! રોટલી ફૂલાવવાનો તવો અલગ, ભાખરી બનાવવાની તવી અલગ, ઢોંસો બનાવવા માટેનું ફ્રાય પેન અલગ અને સુકું શાક બનાવવાનું હોય તો એનું પેન અલગ ! અરે, તવેથા પણ કેટલી જાતના ? ધાતુનો નાનો તવેથો, મોટો તવેથો, નાની તવેથી, લાકડાનો તવેથો… અને ભૈશાબ, ચમચીઓનો તો પાર જ નથી ! કાંટાવાળી ચમચી, નાની ચમચી, મોટી ચમચી, પહોળી ચમચી... આઇસ્ક્રીમ ખાવાની ચમચી અલગ અને ચરણામૃત ધરાવવાની ચમચી અલગ !’
‘એ તો રહેવાનું જ ને, ભઈ !’
‘અરે પણ વાસણોની કંઈ લિમિટ હોય કે નહીં ? રાંધતી વખતે તો તપેલી, તપેલાં, તવા, તવી, આડણી, વેલણ, ચીપીયો, સાણસી, ઢાંકણાં, ઢાંકણી, કડછી, કડછો, કડાઈ વગેરે તો કાઢશે જ ! પણ એ પછી જમવા બેસીએ ત્યારે બધું અલગ વાસણોમાં કાઢવાનું ! એમાં વળી પાછો ડેકોરેટિવ ડિનર-સેટ જોઈએ ! ઓ બહેન ! ડાયરેક્ટ તપેલામાંથી દાળ કેમ ના લેવાય ? ડાયરેક્ટ કડાઈમાંથી શાક લેતાં શું ઇજ્જતના કાંકરા થઈ જાય છે ? પણ ના ! એનાં વાસણ પાછા અલગ !’
‘ઓ યાર, તને -’
‘ના ના ! આ તો ફક્ત જમવાનું થયું ! ઉપરથી ચાનાં વાસણ અલગ ! પાણી પીવાનો ગ્લાસ જુદો અને શરબત પીવાનો અલગ ! સૂપનો વાટકો અલગ અને આઈસ્ક્રીમનો બાઉલ અલગ ! ત્રાસ છે યાર… ત્રાસ ! ત્રાસ !!’
‘પણ યાર, તને શાનો ત્રાસ છે ?’
‘કેમ કે મારે એ બધાં વાસણ ઘસવાં પડે છે !’
(આ લોકડાઉન પછીનું જ્ઞાન છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment