એરેન્જ્ડ મેરેજના 42 પ્રેશર પોઈન્ટ્સ !

નવી જનરેશનનાં છોકરા છોકરીઓને એરેન્જ્ડ મેરેજમાં ઘુસાડવા માટે મમ્મી-પપ્પાઓએ એક્યુ-પ્રેશરની જેમ બેંતાળીસ જાતના પ્રેશર પોઇન્ટ્સ શોધી કાઢ્યા છે. જુઓ… (આપણે જોડે જોડે ગણતા પણ જઈશું.)

***

જનરલ ઓબઝરવેશન રાઉન્ડ

શરૂઆત તો 'જનરલ ઓબઝર્વેશન’થી થશે.
(1) હવે તારી ઉંમર થઈ હોં ?
(2) વજન પણ વધતું જાય છે...

આવી મામુલી હિન્ટ તો ખાલી વોર્મિંગ અપ કરવા માટે હોય છે. પણ પછી ગાડી ગિયરમાં પડશે ! હવે ‘ઇન્ક્વાયરી રાઉન્ડ’ આવશે.

ઇન્ક્વાયરી રાઉન્ડ

આમાં ધીમે ધીમે ખણખોતર કરતા સવાલોથી શરુઆત થતી હોય છે. પહેલી નજરે સાવ નિર્દોષ લાગતા આ સવાલો હકીકતમાં એક્યુપ્રેશર યાને કે મેરેજ પ્રેશરનું કામ કરે છે. સાંભળો..

(3) હજી કેટલું ભણવાનું છે ?
(4) પેલાં શીતલ આન્ટી પૂછાવતાં હતાં, શું જવાબ આપું ? આ તો સ્હેજ પૂછું છું..
(5) તારે કોઈ બોયફ્રેન્ડ / ગર્લફ્રેન્ડ તો નથી ને ? ના, આ તો સ્હેજ પૂછું છું..
(6) એ આપણી કાસ્ટની / કાસ્ટનો છે ? ના ના, આ તો સ્હેજ..
(7) સિરિયસ છે કે એમ જ ? આ તો સ્હેજ..

આ તો પહેલો રાઉન્ડ થયો. પછી બીજા રાઉન્ડમાં ‘પ્રપોઝલ’ શરૂ થઈ જાય છે.

પ્રપોઝલ રાઉન્ડ

(8) આ ફોટો જોયો ? કેવો/કેવી લાગે છે ? હા પાડી દેવી છે ?
(9) છોકરી ફોટામાં તો સારી દેખાય છે, હા પાડી દેવી છે ?
(10) છોકરો ભલે ફોટામાં સારો ના દેખાતો હોય, પણ સ્વભાવનો સારો લાગે છે ! હા પાડી દેવી છે ?
(11) આપણી ઓળખાણમાં જ છે, મેં તપાસ કરાવી લીધી છે. હા પાડી દેવી છે ?
(12) મહારાજે કહ્યું છે કે કુંડળીઓ પણ મેચ થાય છે. હા પાડી દેવી છે ?
(13) છોકરી ભણેલી છે, નોકરી પણ કરે છે. હા પાડી દેવી છે ?
(14) છોકરો ભણેલો નથી પણ ઘરનો મોટો બિઝનેસ છે. હા પાડી દેવી છે ?
(15) એનઆરઆઈ છે ! લાઈફ બની જશે ! હા પાડી દેવી છે ?

આના પછી આવે છે ‘ઇમોશનલ’ રાઉન્ડ. આમાં આંસુ પડવાનાં શરૂ થાય છે..

ઇમોશનલ રાઉન્ડ

(16) હવે મારાથી ઘરનું કામ ખેંચાતું નથી. એક વહુ લઈ આવ... આંસુ.. આંસુ..
(17) દિકરી, બસ તું પરણીને સાસરે જાય એટલે મને શાંતિ થાય ! આંસુ.. આંસુ..
(18) દાદીની ઇચ્છા છે કે તારાં લગન જોઈને જાય. આંસુડાં.. આંસુડાં..
(19) દાદાની ઇચ્છા છે કે મરતાં પહેલાં પૌત્રનું મોં જોઈને જ જવું છે. આંસુડાં.. આંસુડાં..
(20) અમારા વખતે તો આવું કશું નહોતું... કરુણ સંગીત..
(21) મેં તો તારા પપ્પાનું મોં પણ નહોતું જોયું, તો પણ મેરેજ ટક્યું ને ? કરુણ સંગીત..
(22) આજકાલનાં છોકરાં વડીલોનું ક્યાં માને છે ? વધુ કરુણ સંગીત..
(23) અમે તો તારા ભલા માટે જ વિચારીએ છીએ… અત્યંત કરુણ સંગીત..

આટલાં પ્રેશર પોઇન્ટ્સથી ફેર ના પડે તો પછી ‘સેમી-આધુનિક’ રાઉન્ડ આવશે...

સેમી-આધુનિક રાઉન્ડ

(24) મેરેજ બ્યુરોમાં નામ નોંધાવવું છે ? બોલ.
(25) આ મેરેજની વેબસાઈટ સારી છે. બોલ.
(26) આપણી નાતની વેબસાઈટ છે હોં ! મેં તો ફોટો ને બાયો-ડેટા આપી દીધો છે. બોલ હવે !
(27) છાપામાં એડ આપી દીધી છે, હવે ડિસીઝન તારે લેવાનું છે. બોલ હવે?
(28) બત્રીસ ફોટામાંથી બે ચાર તો ફાઈનલ કર? બોલ ને?
(29) અરે, ફેસબુક ફ્રેન્ડ છે તો શું થયું, એને પૂછી તો જો ?
(30) આ અંકલે બાર કપલનું ઓનલાઈન સેટિંગ કરાવી આપ્યું છે ! બધા આજે ખુશ છે. બોલ હવે ?
(31) એક મિટિંગ તો કર ? પછી વાત.
(32) કેવી લાગી ? કેવો લાગ્યો ? બોલ ને ?
(33) તો વાત ફાઈનલ ને ? મેરેજ હોલ બુક કરી દઉં ? બોલ તો ખરો ?

આમાં ને આમાં અમુક વખતે અચાનક ‘ફિલ્મી રાઉન્ડ’ શરૂ થઈ જાય છે.

ફિલ્મી રાઉન્ડ

(34) મૈંને મેરે દોસ્ત કો બચપન મેં વચન દિયા થા ! ઢેનટેણેન..
(35) હમારે ખાનદાની કી યહીં પરંપરા હૈ ! ઢેનટેણેન..
(36) જબ બડે બાત કર રહે હોં તો બચ્ચે બીચ મેં નહીં બોલતે ! ઢેનટેણેન..
(37) હમારે ખાનદાન કી નાક કટવાયેગી ક્યા ? ઢેનટેણેન..
(38) મૈં ઝહર ખા કર અપની જાન દે દુંગી !! ઢેનટેણેન..

જોકે મોટે ભાગે છેલ્લો અને ફાઇનલ ‘પ્રેક્ટિકલ રાઉન્ડ’ કામ કરી જાય છે...

ફાઈનલ રાઉન્ડ

(39) આ ઉંમરે આવું જ મળે.
(40) તારું ડાચું જોયું છે અરીસામાં ?
(41) જે મળે છે તે યસ કરી દે નહીંતર આવું ય નહીં મળે.. અને....
(42) ભઈ, અંબાણીના ફેમિલીમાં પણ એરેન્જ્ડ મેરેજો થાય છે ! તું વળી કઈ વાડીનો મૂળો છે ?

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. બહુ બહુ પળોજણો છે, આમાં તો ! જોકે સારો ટાઇમપાસ છે ઉમેદવારો સિવાયનાં લોકો માટે. (આ ટાઇમપાસ તમે મૂકેલાં પોઈન્ટ વન થી છેલ્લે સુધી માટે મહિનાઓ કે વરસોનો હોય પાછો ! આ તો આપણે ફાળે આવેલાં એક પાત્ર માટે છે...જેટલી 'જણ' સ વધારે એટલી 'મોકળાશ' વધારે ! ગજબનું લા'યા, તમે તો ; લલિતભાઈ !

    ReplyDelete
    Replies
    1. હા હા હા... સગાં સંબંધીઓ માટે તો બેસ્ટ ટાઈમ પાસ છે ! અમુક સગાં માટે તો આ સ્પેશીયલાઈઝેશનનો સબ્જેક્ટ છે !

      Delete
  2. આંસુડા ઢેનટેણેન 😀😀 વાહ શું વિષય લાવ્યા ને શું મસ્ત વિશ્લેષણ કર્યુ. મજા આવી ગઈ. કયાં પી એચ ડી કર્યુ

    ReplyDelete
    Replies
    1. ઉપર લખ્યું છે તેમ સગાં સંબંધીઓ પાસે જ શિક્ષણ લીધું છે !

      Delete
  3. Other wise beta you will miss the bus.

    ReplyDelete

Post a Comment