શું તમને પેટ્રોલ અને ડિઝલના ભાવ મોંઘા લાગે છે ? ના ભાઈ ના, લોકોને હજી ‘પરવડે’ છે ! પેટ્રોલ-ડિઝલના ભાવ આપણને ખરેખર મોંઘા ક્યારે લાગતા હશે ? જુઓ એક કલ્પના…
***
પેટ્રોલ-ડિઝલના ભાવ મોંઘા ત્યારે લાગતા હશે…
… જ્યારે રસ્તા ઉપર સ્કુટરો કરતાં બિચારી સાઇકલોની સંખ્યા વધારે હશે !
***
પેટ્રોલ-ડિઝલ મોંઘું તો ત્યારે લાગતું હશે…
… જ્યારે કોઈને સ્કુટરમાં લિફ્ટ આપવી પડે એ ‘દયા-ધર્મ’નું કામ ગણાતું હશે !
***
અરે, પેટ્રોલ-ડિઝલ મોંઘા તો ત્યારે ગણાતાં હશે…
… જ્યારે લગ્નોમાં કન્યાદાન વખતે આખે આખા કેરબા ભરીને ‘કરિયાવર’ અપાતું હશે !
***
ભાઈ સાહેબ, પેટ્રોલ-ડિઝલના ભાવ જ્યારે ખરેખર કમરતોડ થઈ જશે…
… ત્યારે તો મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જીતવા માટે સરકાર રીક્ષામાં છ પેસેન્જર અને સ્કુટર ઉપર ચાર સવારી ‘કાયદેસર’ કરી નાંખશે !
***
અત્યારે તો તમને ટ્રાફિક સર્કલના ચાર રસ્તા આગળ જ ભિખારીઓ નડે છે ને ? પછી તો…
… પેટ્રોલપંપોની બહાર જ સ્કુટીવાળા ભિખારીઓની લાંબી લાઈનો હશે ! એક અડધો લીટર નંખાઈ આલો સાયેબ.. ભગવાન તમારી ટાંકી ફૂલ રાખશે...
***
હજી તો સસ્તું છે મારા સાહેબો, પેટ્રોલ-ડિઝલ જ્યારે ખરેખર મોંઘું થઈ જશે ત્યારે…
… ATMમાંથી રૂપિયા ચોરી જનારી ગેંગ પોતાનો ધંધો બદલીને ડાયરેક્ટ પેટ્રોલપંપો લૂંટતી થઈ જશે !
***
અને વિરોધપક્ષના નેતાઓ માત્ર ‘વિરોધ’ કરવા માટે બળદગાડામાં નહીં આવે…
… તે વખતે તો સરકારના મિનિસ્ટરો લોકોને ‘બચતના પાઠ’ શીખવવા માટે બળદગાડામાં આવીને ફોટો પડાવશે ! હા…
***
બાકી, શિલ્પા શેટ્ટી શાક લેવા માટે સાઇકલ ઉપર નીકળી હોય એવા ફોટા કદી જોવા નહીં મળે ! સમજી ગયા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment