મોબાઇલમાં રતન ટાટાને નામે એક મેસેજ ફરે છે. એમાં રતન ટાટા શીખામણ આપે છે કે ‘તમારાં સંતાનોને પૈસા કમાતા ના શીખવશો. એમને સુખી રહેતાં શીખવજો.’
લો બોલો ! આપણને થાય કે જમશેદજી ટાટાએ રતનજીને અને રતનજીએ નવલજીને આવું જ શીખવ્યું હશે ? પૈસા કમાતાં શીખવાડ્યું જ નહીં હોય ? હા, શક્ય છે કે નવલજીએ રતન ટાટાને ખુશ રહેવાની ચાવી ભૂલમાં બતાડી દીધી હશે એટલે જ રતન ટાટાએ જીંદગીભર લગ્ન જ ના કર્યાં !
અમને તો ખરેખર નવાઈ લાગે છે કે શું ધીરુભાઈ અંબાણીએ મુકેશભાઈને પૈસા કમાતાં શીખવાડ્યું જ નહીં હોય ? ડાયરેક્ટ ખુશ રહેતાં જ શીખવાડી દીધું હશે ? અને શું મુકેશભાઈ એમના દીકરાઓ આકાશ અને અનંતને પૈસા કમાતાં શીખવાડતા જ નહીં હોય ? કોને ઉલ્લુ બનાવી રહ્યા છો યાર ?
પહેલી વાત તો એ કે જ્યાં રતન ટાટાને પોતાને જ કોઈ સંતાનો નથી ત્યાં એને શું ખબર પડે કે આજની જનરેશનને કંઈ પણ શીખવાડવું મા-બાપ માટે કેટલું અઘરું છે ? અને બીજી વાત એ કે પોતે કમાઈને કરોડોના ઢગલા ઉપર બેઠા છે છતાં જાણે સલાહ તો એવી આપે છે કે પૈસા કમાવામાં કંઈ મોટા લાડવા દાટ્યા જ નથી ! આ બધી સેલિબ્રિટીઓ શા માટે આપણને હંમેશાં ઊંધા રવાડે જ ચડાવે છે ?
તમે કોઈપણ ફિલ્મી હિરોઈનનો ઇન્ટરવ્યુ જોજો. એકે એક ચાંપલી ક્યારેક ન ક્યારેક તો બોલી જ હશે કે ‘બહારની બ્યુટિનું કોઇ મહત્વ નથી. સાચી સુંદરતા તો ઇનર બ્યુટિમાં છે !’ અલી, રોજનાં તું સત્તાવીસ જાતનાં કોસ્મેટિક્સ અને સત્તાણું જાતનાં ફેશનેબલ કપડાં શેના માટે ટ્રાય કરે છે ? તારી ‘ઇનર બ્યુટિ’ને ઢાંકવા માટે કે બહાર લાવવા માટે ? તારી સલાહ માનીને કોઈ પુરુષ એની કામવાળીની ‘ઇનર બ્યુટિ’ના ચક્કરમાં પડવા જાય તો એની બૈરી ધોકેણું લઈને ભાઈની આઉટર બ્યુટિનું કચુંબર જ કરી નાંખે ને ?
ક્રિકેટરો પણ કંઈ ઓછા નથી. પોતે વર્લ્ડ રેકોર્ડો બનાવી લીધા પછી કહેશે ‘ક્રિકેટ ઇઝ અ માઇન્ડ ગેમ !’ અરે યાર, એવું જ હોય તો પેલા વિશ્વનાથ આનંદને જ કેપ્ટન બનાવો ને ? એ તો ચેસનો વર્લ્ડ ચેમ્પિયન છે ! અને ભઇ, ફિઝિકલ ટેલેન્ટની કોઈ વેલ્યુ જ નહીં ? 140 કિલોમીટરની સ્પીડે હવામાં છ ઈંચનો સ્વીંગ લઈને બોલ બરોબર બેટ્સમેનના પગના પંજા પાસે પડે એ ‘યોર્કર’ની માસ્ટરી કંઈ માઈન્ડથી આવે છે ? વાત કરો છો...
ભલભલા સફળ લોકો પણ આપણને ઊંધા રવાડે જ ચડાવતા હોય છે. લગભગ દરેક સફળ માણસના મોઢે તમે સાંભળ્યું હશે કે ‘જીવનમાં સફળતા એટલી મહત્વની નથી, પરંતુ તમે જે કંઈ કામ કરો છો તેનો આનંદ લેવો એ જ મહત્વનું છે. સફળતા તો એની મેળે આવે છે.’ લો બોલો !
અમારી ગલીના નાકે એક મસ્તમૌલા ટાઇપનો ભિખારી છે. એ બેટમજીને મફતની ભીખ માંગવામાં જ આનંદ આવે છે. તો શું એને સફળતા એની મેળે મળી જશે ? ફક્ત ૨૦૨૦માં જ એવું બન્યું છે 10મા અને 12માના સ્ટુડન્ટોએ આખું વરસ મોબાઈલ મચડી ખાવાના આનંદમાં કાઢ્યું અને પાસ એની મેળે થઈ ગયાં ! આવું દર વરસે ના થાય, ભઈ.
શું ક્યારેય એવું બન્યું છે કે બાંગ્લાદેશની ટીમમાંથી સળંગ છ વાર ડ્રોપ થયેલા બિચારા કોઈ મામૂલી ક્રિકેટરે એમ કહ્યું હોય કે સ્પોર્ટ્સમાં હાર-જીતનું કોઈ મહત્વ નથી ? શા માટે જીતનારી ટીમ જ આવી ચાંપલાશો ઠોકતી હોય છે ?
હવે તો અમેય કહેવાના છીએ કે હાસ્યલેખક બનવા માટે કંઈ ફની વિચારો આવવા જરૂરી નથી. બસ, તમે જીવનમાં આખો દહાડો દાંત કાઢતા રહો, હાસ્યલેખો તો એની મેળે લખાઈ જશે !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Daant kadhta raho bokha aapoaap thai javase🤣
ReplyDelete😀😀🤪🤪 Thanks !!!
DeleteVanchta Rahim, Shasta raho.
ReplyDeleteYou mean..
DeleteVanchta raho,
Hasta raho ?