‘મુગલ-એ-આઝમ’ જ્યારે પહેલી વાર રિલીઝ થયું ત્યારે તો ઉંમર નાની હોવાને કારણે જોયું જ નહોતું પણ પછી વરસો લગી એ ફિલ્મ જોવાનો મેળ પડતો નહોતો. આખરે ’70ના દશકમાં એકવાર યાર-દોસ્તો જોડે કોઈ મંડળીમાં બોલાઈ ગયું કે ‘યાર, મેં તો હજી સુધી મુગલે આઝમ જોયું નથી !’ … તો જાણે ઈજ્જતનો સવાલ થઈ ગયો ! ‘હજી સુધી નથી જોયું ? શરમ આવવી જોઈએ…’
તે વખતે એક દોસ્તે કહ્યું ‘આ પિક્ચર તો હવે હું જ તને બતાડીશ.’ એ મને લઈ ગયો અમદાવાદના શાહઆલમ વિસ્તારના એક થિયેટરમાં ! એ થિયેટરના ખસ્તા હાલ જોઈને મેં પૂછ્યું, ‘યાર, એવું તે શું છે આ થિયેટરમાં ?’ જવાબ મળ્યો. ‘અહીંનું ઓડિયન્સ !’
આખો મુસ્લિમ વિસ્તાર હતો. મારા આશ્ચર્ય વચ્ચે થિયેટરમાં કદાચ હું જ એક એકલો એવો હતો જે મુગલ-એ-આઝમ પહેલી વાર જોઈ રહ્યો હતો. કોઈએ પાંચ વાર, કોઈએ દસ વાર, કોઈ ચાચુ સત્તરમી વાર તો કોઈ બુઢ્ઢાજી બાવીસમી વાર જોઈ રહ્યા હતા ! થિયેટરનો માહૌલ જાણે કોઈ મેળામાં નૌટંકી ચાલી રહી હોય એવો હતો. પરદા ઉપરના કલાકારો સંવાદ બોલે એ પહેલાં તો પ્રેક્ષકો બોલી ઉઠતા હતા ! (સમજોને, બધાને આખી ફિલ્મ લગભગ મોઢે હતી !)
‘પ્યાર કીયા તો ડરના ક્યા’ ગાયન વખતે જે તાળીઓ અને સીટીઓ પડી તે મેં આ અગાઉ બીજા કોઈ થિયેટરોમાં સાંભળી નહોતી ! એ તો ઠીક, પેલું ‘ઝિન્દાબાદ… ઝિન્દાબાદ… અય મુહોબ્બત ઝિન્દાબાદ…’ ગાયન વખતે તો ખખડી ગયેલા બુઢ્ઢાઓ પણ મુઠ્ઠીઓ ઉછાળીને, જાણે ‘ઝિન્દાબાદ’ના નારા લગાવતા હોય એમ, ઊભા થઈ જતા હતા !
સાથે સાથે મજાક મસ્તીભરી કોમેન્ટોનો પણ પાર નહીં ! ‘અબે સલીમડે, ગૂંગા ગૂંગા ક્યા ખડા હૈ ? જવાબ દે ના !’ ‘આયે હાયે, મધુબાલા ! ઉસ કુ છોડ, મેરે સાથ મેરે ઘર કુ આતી ક્યા ?’ અરે, પેલું યાદગાર દ્રશ્ય, જ્યાં વહેલી પરોઢના સમયે ઉપરથી ખરી પડેલાં ફૂલોના ઢગલામાં અનારકલી સૂતી છે અને સલીમ તેના ચહેરા ઉપર મોટું પીછું હળવેકથી ફેરવી રહ્યો છે… ત્યાં હજી બેકગ્રાઉન્ડમાં બડે ગુલામ અલી ખાંની ઠુમરી શરૂ થતી હોય એવામાં જ કોઈની બૂમ પડે ‘અબે રાતભર પીંછા જ ઘુમાતા રહા, ક્યા ?’
આવા માહૌલમાં ફિલ્મની બારીકીઓ તો શું સમજાય ? માંડ માંડ અડધી પડધી વારતા સમજાઈ એ જ બહુ હતું. ફિલ્મ જોઈને બહાર નીકળ્યા પછી પૈસા પડી ગયા કે ડબલ પૈસા વસૂલ થયા એ નક્કી કરવું મુશ્કેલ હતું !
આજે જ્યાં મલ્ટિપ્લેક્સમાં માંડ 250 સીટો હોય અને છૂટા છવાયા 60-70 જણા ઘરના પોચા સોફા જેવી સીટોમાં બેઠા બેઠા ઠંડા પીણાં, પોપકોર્ન અને પિત્ઝા પેટમાં પધરાવતા બેઠા હોય અને એક તાળી કે સીટી તો શું, ‘વાહ વાહ’ પણ ના સંભળાય ત્યારે અફસોસ થાય કે ‘બોસ, ગયો એ જમાનો…’
એ જમાનાનાં થિયેટરોમાં કોઈ હિટ ગાયન શરૂ થાય એટલે સીટીઓ વાગવી અને પરચૂરણ ફેંકાવું તો કોમન હતું પણ એક બે થિયેટરોમાં એવા પણ સીન જોયા છે કે અપર સ્ટોલમાંથી સિક્કાને બદલે લિમ્કા થમ્સ-અપ નાં એલ્યુમિનિયમનાં ઢાંકણાં ફેંકાતાં હોય ! પછી એ જ ઢાંકણાં લોઅર-સ્ટોલમાંથી મોટી ગાળો સાથે મશીનગનની ગોળીઓને ઝડપે ‘વળતા હુમલા’ તરીકે પાછાં આવતાં હોય !
અમુક સિનેમા હોલમાં ઇન્ટરવલ પડે ત્યારે પેલા પંદરથી વીસ ઇંચ વ્યાસ ધરાવતા પાપડ વેચનારા ફેરિયાઓ છેક આપણી સીટ સુધી પહોંચી જતા હતા ! ઇન્ટરવલ પછી ફિલ્મ શરૂ થાય તેની પહેલી દસ મિનિટ સુધી એ પાપડ તોડીને ચાવવાની કડકડાટીઓ સંભળાતી રહેતી હતી !
‘નો સ્મોકિંગ’ લખેલી લાલ લાઈટથી ચમકતી તકતીઓ બિચારી લાચારીથી જોઈ રહેતી અને ઇન્ટરવલ પછી આખા થિયેટરમાં બીડી સિગારેટના ધૂમાડાની એક પરત જાણે કાશ્મીરમાં શૂટ થયેલા ગાયનોમાં દેખાતાં ધૂમ્મસની માફક છવાઈ જતી ! પાન-મસાલાની પિચકારીઓ વડે તો આખા થિયેટરનું ફ્લોરિંગ શોભતું હતું !
થિયેટરની કીચૂડ કીચૂડ અવાજ કરતી સીટો પણ ઓડિયન્સના મૂડનું બેરોમીટર હતું ! મને એક ડોરકીપરે એનું શાર્પ ઓબ્ઝરવેશન કીધું હતું કે ‘જબ પિક્ચર મેં સ્ટોરી આગે નહીં બઢ રૈલી હોતી, યા, કોઈ સીન ડલ જા રૈલા હોતા હૈ, તબ યે સીટાં કી કીચૂડ કીચૂડ બઢ જાતી હૈ !’
આજે મલ્ટી-પ્લેક્સની પોચી સીટોમાં એવો ‘સુક્ષ્મ’ ઓડિયન્સ રિસ્પોન્સ પણ ગાયબ છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
હવે તો સાવ ગામડાં જેવી જગ્યાએ કોઈએ સમ ખાવા પૂરતું થિયેટર (!) ઊભું કર્યું હોય અને જૂની ઘસીપીટી પ્રિન્ટમાં આવી કોઈ મજેદાર ફિલ્મ જોવાની તક પણ મળે તો મળે ! તમે આ લાભ લઈ શક્યા એ કદાચ છેલ્લી સવારી હશે. લોકો તો એરકૂલ્ડ થિયેટર્સ આવવાં શરુ થયા કે સીધાં સંસ્કારી જાણે થઈ ગયાં !
ReplyDeleteછેક પાંચેક વરસ પહેલાં સુધી ગુજરાતી ફિલ્મો બતાડતાં આવાં થિયેટરો હતાં. હવે તો એ પણ બંધ થઈ ગયાં. હા, હિન્દી બેલ્ટમાં ભોજપુરી ફિલ્મો બતાડતાં થિયેટરો હજી એ જ શાન સાથે ટકી રહ્યાં છે.
DeleteVery realistic.
ReplyDeleteThank you so much Rajani bhai !
Deleteબોલે તો ક્યા બાત હૈ.
ReplyDeleteબોલે તો, થેન્ક યુ બનતા હૈ, બીડુ ! 🙏🙏😊
ReplyDelete
ReplyDeleteચાલુ ફિલ્લમના ગીતની ચોપડી કથાના સાર સાથે બે આનામાં " નો સાદ કદાચ તમે સાંભળએલ ખરો?? વધુ વિગત માટે સેંટ્લ ટોકિઝ અનેબરોડા બેંકની ગલીમાં તપાસ કિયા જાય
યસ, સુમન્ત ભાઈ ! ગાયનોની ચોપડી.. લારીમાં રંગીન કાચમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મના છુટક ટુકડા બતાડતા.. અને કચકડાની ફિલ્મની એક એક ફ્રેમની 'શરત' લાગતી...
Delete