આજે વડીલોની એક આખી પેઢી એવી છે જેણે ટેકનોલોજીની પણ ત્રણ ત્રણ પેઢીઓ જોઈ નાંખી છે છતાં અડીખમ ઊભી છે ! જુઓ એ નમૂનાઓ…
***
એમણે પોસ્ટકાર્ડથી ફોન, ફોનથી એસટીડી, એસટીડીથી ડબલાં મોબાઈલ અને એ પછી સ્માર્ટ ફોન સુધીનું બધું જોઈ નાંખ્યું છે.
- એમાં અમુક નમૂના તો એવા છે કે ઘરમાં ને ઘરમાં વાત કરીને પૈસા બચાવવા માટે ‘વૉટ્સએપ કોલ’ કરે છે !
***
એમણે નવનિર્માણ આંદોલન, અનામત આંદોલન, ભારત પાકિસ્તાન યુદ્ધ, કારગિલ યુદ્ધ, ધરતીકંપ, કોમી રમખાણો અને કોરોનાની બબ્બે લહેરો સુધીનું બધું જ જોયું છે.
- એમાં અમુક નમૂના તો એવા છે કે ‘હવે તો બસ, વિશ્વયુદ્ધ જોઈને જ જવું છે !’
***
એમણે પગપાળાથી સાઈકલ, સાઈકલથી સ્કુટર, સ્કુટરથી બાઈક, બાઈકથી કાર અને કારથી વિમાન સુધીની સફર તય કરી લીધી છે.
- એમાં અમુક તો એવા છે કે ‘જોઈએ બોસ, અવકાશયાનની ટ્રીપનું ગોઠવાતું હોય તો થેપલાં, છુંદો અને અથાણું લઈને જ જવું છે !’
***
એમણે થાળીવાજું વડે વાગતી રેકોર્ડો, જાળીદાર રિબીન વડે ચાલતા રેડિયો, ખભે ઊંચકી શકાય એવા ટ્રાન્ઝિસ્ટર રેડિયો, દૂબઈથી આવતાં ટુ-ઈન-વન ટેપ રેકોર્ડરો, કાનમાં વાયર ખોસીને સાંભળવાના વોક-મેન, એફએમ ચેનલો અને હવે સ્પોટિફાય એપમાં આવતું પર્સનાઇઝ્ડ મ્યુઝિક સુધીનું બધું જ સાંભળ્યું છે.
- એમાંના અમુક તો એવા છે કે જેમને આજે પણ 70-70 વરસ પહેલાંના સુપરહિટ ગાયનો મોઢે છે ! એટલું જ નહીં, કરાઓકે વડે ગાઈને આખી સોસાયટી ગજવે છે !
***
એમણે સતત બદલાઈ રહેલો જમાનો જોયો છે અને પોતે પણ સતત બદલાયા છે…
- છતાં જુવાનિયાઓ એમને કહે છે કે વડીલ તમે હજી એવા ને એવા જ રહ્યા છે ! બોલો, એમને શું કહેવું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment