માલ્યા-ચોક્સીઓનો સદુપયોગ કરો ને !

ઇન્ડિયાએ એ વાતનો ખરેખર તો ગર્વ લેવો જોઈએ કે અહીં જેવા કરુબાજો આખી દુનિયામાં પેદા થતા નથી ! અહીંનો પાનવાળો પણ તમને ક્યારે ચૂનો લગાવી જાય એની તમને ખબર ના પડે. તો જરા વિચારો, વિજય માલ્યા અને નીરવ ચોક્સી જેવા મહા-કરુબાજો જો નક્કી કરે તો આખી દુનિયાનું ‘કરી નાંખે’ કે નહીં ?

પણ આપણે આપણી જ આ અદ્‌ભૂત ટેલેન્ટોનો ઉપયોગ કરતા નથી. પેલો હર્ષદ મહેતા કેટલો જિનિયસ હતો તેની ખબર તો છેક હમણાં એની વેબસિરીઝ આવી ત્યારે પડી ! પણ બોસ, એ બ્રિલિયન્ટ ભેજાનું આપણે શું કર્યું ? આપણી જ જેલમાં એનું દહીં કરી નાંખ્યું !

અરે, એને જ લાલ લૂગડું બતાડીને ભૂરાયો કર્યો હોત તો એ બિગ બુલે પાકિસ્તાન અને બાંગ્લાદેશના શેરબજારનો ભૂક્કો બોલાવી દીધો હોત ! અરે, નેપાળને તો આપણી દેશી કંપનીઓએ રીતસર ખરીદી જ લીધું હોત ! પણ ના, બિચારા સાંઢની પૂંછડી આમળીને આપણે એને બકરી બનાવી દીધો. સરવાળે એક જબરદસ્ત ટેલેન્ટ વેડફાઈ ગઈ.

આજે આપણે નીરવ ચોક્સીને ઇન્ડિયામાં પાછો લાવવા માટે 11-12 કરોડ રૂપિયા ચાર્ટર પ્લેનમાં વેડફી ચૂક્યા છીએ પણ સાહેબ, જો એ જ અદ્‌ભૂત ‘બેન્કિંગ પ્રતિભા’ને આપણે છૂટો દોર આપીને વેસ્ટ ઇંડિઝ મોકલ્યો હોત તો ત્યાંના એન્ટિગો, ટોબેગો, ડોબેગો, ઝિંગુવા, બિંગુવા, બાર્બેડસ, તેરબેડોસ જેવી પંદર બેન્કોનું ફૂલેકું ફેરવીને પાછો ઇન્ડિયા આવી ગયો હોત કે નહીં ?

આપણે નીરવ ચોકસી આગળ એટલી જ શરત મુકવાની હતી કે બેટમજી, ઇન્ડિયાની બેન્કોનું તેં જે 15000 કરોડનું કરી નાંખ્યું છે એની સજા ના ભોગવવી હોય તો બીજા દેશોની બેન્કોમાંથી 30,000 કરોડનું ઉઠમણું કરી લાવ ! પછી તું બિન્દાસ ! ઇન્ડિયામાં એ દેશવાળા તારો વાળ પણ વાંકો કરી શકશે નહીં !

તમને હજી આ વાત શેખચલ્લીના તુક્કા જેવી લાગે છે ? તો સાંભળો, પેલા લક્ષ્મી મિત્તલ વર્લ્ડના ‘સ્ટીલ કિંગ’ શી રીતે થયા, તે ખબર છે ?

એમના ડેડીની ઇન્ડિયામાં લોખંડની ફેકટરીઓ હતી. પણ ફોરેનમાં ભણીને આવ્યા પછી આપણા લક્ષ્મીચંદજીએ જોયું કે સાલું, અહીં ઇન્ડિયામાં એકસો ને સત્તર જાતના એટલા બધા કાયદા છે કે ધંધો કરી જ ના શકાય. તો એમણે શું કર્યું ?

એ ગયા નાનકડા દેશ ઇન્ડોનેશિયામાં ! ત્યાંની એક ખોટ કરતી સરકારી સ્ટીલ ફેકટરી ખરીદી લીધી. એ પછી ત્રિનિદાદ -ટોબેગો, પોલેન્ડ, કઝિકીસ્તાન જેવા નાના દેશોમાં જે સ્ટીલ ફેકટરીઓ હતી ત્યાં જઇને ત્યાંના મિનિસ્ટરો, પ્રેસિડેન્ટો કે અધિકારીઓને સમજાવીને (ફોડીને યાર !) એનું ‘પ્રાઈવેટાઇઝેશન’ કરાવી નાંખ્યું ! જોતજોતામાં લક્ષ્મીચંદજી અબજો રૂપિયાની લક્ષ્મીના ભંડારમાં આળોટતા થઈ ગયા. હવે બોલો, આમાં ઇન્ડિયાને શું મળ્યું ?

આવો જ કિસ્સો ગુપ્તા બ્રધર્સનો છે. સહારનપુરથી દિલ્હી અને દિલ્હીથી સાઉથ આફ્રિકામાં પહોંચેલા આ જિનિયસ બંધુઓએ 1995ની આસપાસ ત્યાંની સરકારના મિનિસ્ટરોમાં પગપેસારો કર્યો અને સન 2005 સુધીમાં તો એમનો વેપાર ચામડું, કોમ્પ્યુટરો, ખનિજની ખાણોથી લઈને ટીવી ચેનલો અને છાપાંની માલિકી સુધીનો થઈ ગયો ! બોલો, છે ને ટેલેન્ટ ?

એમનો એટલો વટ હતો કે એ લોકો જેને ધારે તેને મિનિસ્ટ્રીમાં બેસાડી શકતા હતા અને ઇચ્છે ત્યારે ખારું, કદરૂપું, ચીમળાયેલું ‘પાણીચું’ પણ પકડાવી શકતા હતા. જોકે 2018માં એમનો ભાંડો ફૂટી ગયો. બિચારાઓ આજે ત્યાંની જેલ અને કોર્ટના ધક્કા ખાય છે. હવે કહો, આમાં ઇન્ડિયાને શું મળ્યું ? યાર, ટેલેન્ટ તો આપણી જ ને ? મૂળ કોપીરાઇટ પણ આપણો જ ને ! છતાં આપણે ગુપ્તા બંધુઓનો કોઈ ફાયદો ઉઠાવી ના શક્યા.

તમે કહેશો કે મન્નુભાઈ, આ તો બધું ઇલ્લીગલ કહેવાય. તો મારા સાહેબો, મને કહો, કે ભારતમાં અંગ્રેજો શી રીતે ઘૂસ્યા હતા ? એમની ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ નામની વેપારી પેઢી અહીં ચા-મરી-મસાલાનો ‘ધંધો’ જ કરવા આવેલી ને ? પછી થયું શું ?

કંપનીના જ મેનેજરો બ્રિટીશ સરકારના ‘એજન્ટો’ બની ગયા. (નામ પણ ‘એજન્ટ’ જ હતું !) એ લોકોએ એમની આ જ ટેલેન્ટ વડે આપણા દેશ ઉપર 200 વરસ રાજ કર્યું કે નહીં ?

હજી વિચારો, આપણા દેશના બધા કરુબાજો ઇંગ્લેન્ડમાં જઈને કેમ છૂપાય છે ? કેમકે ત્યાંના કાયદાઓ આવી ‘ટેલેન્ટ’ને રક્ષણ આપવામાં માને છે ! બોલો, હવે તો માનશો ને કે સાલી, આપણને આપણી જ ટેલેન્ટની કદર નથી ! શું કહો છો ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. વાહ વાહ !! તારા જેવા ‘મન્નુ’ શેખચલ્લી જો ત્યાં જાયતો ત્યાંના હાસ્યદરબાર પણ કબજે કરીલ્યે!!!

    ReplyDelete

Post a Comment