પેટ્રોલ-ડીઝલનો મુશાયરો !

ઇન્ડિયાના ક્રિકેટરો તો સેન્ચુરી મારવાનું ભૂલી ગયા લાગે છે ! બીજી બાજુ પેટ્રોલ અને ડિઝલ ઠેર ઠેર સદી ફટકારી રહ્યાં છે.

આવા સમયે પ્રસ્તુત છે થોડી પેટ્રોલ – ડિઝલ શાયરીઓ… ગુજરાતના નામી શાયરોની માફી સાથે…

***

(માફી : કૈલાસ પંડિત)

મહેફિલની ત્યારે સાચી

શરૂઆત થઈ હશે

દારૂ ઉતર્યા પછી

પેટ્રોલની વાસથી ચડી હશે !

***

(માફી : મનહર મોદી)

બને તો એમને કહેજો

કાર ઘરમાં જ રાખે,

પેટ્રોલનાં વાહનોની

હમણાં ‘ઘાત’ ચાલે છે !

***

(માફી : શેખાદમ આબુવાલા)

નિરાશાથી અમે ગભરાઈને

આ કોનું શરણ માંગ્યું ?

ગયા પેટ્રોલ પંપ પાસે

ને પા લિટર ઝહેર માંગ્યું !

***

(માફી : કૈલાસ પંડિત)

આપણું ગ્રાહકપણું છે

એક લિટર, ચાર પોઇન્ટ, બે ટીપું

ભાવ વધઘટ થાય તો

પા લિટર, બાર પોઇન્ટ, બે ટીપું !

***

(માફી : મનહર મોદી)

ડિઝલનું તો એવું, કે સસ્તું જ છે,

હા, લોડિંગ ટ્રકને થોડો ભાર છે !

સાઈકલો લેવાનાં પ્રલોભનો થશે,

એક્સાઇઝ ને વેટ એવા ખૂંખાર છે !

***

(માફી : મનોજ ખંડેરિયા )

મને સદ્‌ભાગ્ય કે વિડીયો કોલ મળ્યો તારે નગર જાવા,

સ્કુટર લઈ રૂબરુ આવું તો બેન્કની લોન બે લાગે !

***

- મન્નુ શેખચલ્લી

Comments