હાલમાં તો જે 12મા ધોરણની પરીક્ષાઓ ઓફલાઇન આપવાના છે તેની બધાને ચિંતા છે પણ જરા વિચારો, 12મા સિવાય જે સ્ટુડન્ટો કોલેજનું છેલ્લું વરસ આ જ રીતે પતાવીને બેઠા હશે એમની પણ શી દશા હશે ?
***
આખું વરસ તો બર્મુડા પહેરીને ઓનલાઇન ભણ્યા ! પછી જોબ-ઇન્ટરવ્યુ પણ ચડ્ડો પહેરીને ઓનલાઇન ! હવે સાલી નોકરી પણ ઓનલાઇન જ મળવાની… ચડ્ડો પહેરવાવાળી !
***
લગ્ન માટે છોકરી પણ ઓનલાઇન પસંદ કરવાની આવશે ? અરેરે… છેક લગ્ન મંડપમાં જ ફૂલ કપડાં પહેરવા મળશે ?
***
લગ્ન પહેલાંની ઓનલાઇન મુલાકાતોમાં છોકરી પૂછશે ‘બીજું બધું તો ઠીક, ગરદન નીચી રાખતાં ફાવી ગયું છે ને ?’
***
આગળથી ઝુકી ગયેલી ગરદનનો નવો રોગ ફેલાયો હશે… એનું નામ હશે, ‘બેચ 20-21’ !
***
ઓફ-લાઇન નોકરીની જાહેરાતમાં ખાસ લખેલું હશે : ‘ગરદન ટટ્ટાર રાખી શકનારને પહેલી પસંદગી.’
***
આ બેચનું જ્યારે વરસો પછી ‘રિ-યુનિયન’ થશે ત્યારે સ્ટુડન્ટો એકબીજાને શી રીતે ઓળખશે ?
‘અલ્યા, તું તો એ જ ને, જેણે ગુટલી મારવા માટે તારાં બાવીસ સગાંવ્હાલાંને કોરોના કરાવી નાંખેલા અને તને પોતાને પણ ચાર વાર કોરોના થયેલો, રાઇટ ?’
‘અલી, તું એ જ ને, જે રોજ પહેલો ક્લાસ મિસ કરતી હતી કેમકે તને ફૂલ મેકપ કરીને જ મોં બતાડવાનો શોખ હતો !’
***
અને '20-'21ની આ એક જ બેચ એવી હશે જેમની પાસે ઓર્ડીનરી ડીગ્રીઓ સિવાય પણ અન્ય ડીગ્રીઓ હશે જેમકે PUB-G, FB, INSTA, TIK-TOK, MOJ, TINDER…. વગેરે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment