હિન્દી ફિલ્મના પ્રેક્ષકોની કમનસીબીનો કદી અંત આવતો જ નથી. આપણા માથે સતત એક્ટિંગમાં ઝિરો છતાં નસીબથી બની બેઠેલા હીરો ટીચાતા જ રહ્યા છે. આજે એ બધા ‘ઝીરો-હીરો’ યાદ આવી રહ્યા છે…
શી ખબર પેલો ભારત ભૂષણ કઈ જાતની કુંડળી લઈને જનમ્યો હશે તે સતત હિટ ફિલ્મોમાં આવતો રહ્યો ! અમને તો હજી નથી સમજાતું કે પાંચમા ધોરણના ક્લાસમાં છેલ્લી બેન્ચે બેસીને પી.ટી.ના સબ્જેક્ટમાં પણ નાપાસ થતો હોય એવા ઠોઠ છોકરા જેવું શરીર અને ડાચું લઈને કોઈ બાબો ફિલ્મસ્ટાર શી રીતે બની શકે ? એ તો ઠીક, યાર, મધુબાલા જેવી બ્યુટિ-ક્વીન પણ એ લલ્લુના ફિલ્મી પ્રેમમાં શી રીતે પડી શકે ? (આ અત્યાર સુધી ના ઉકેલાયેલો કોયડો છે.)
એવી જ નવાઈ અમને પ્રદીપ કુમારને જોઇને લાગે છે. વધારે પડતો આથો આવીને ફૂલે ગયેલા હાંડવા જેવો ફેસ લઇને એ 50થી વધુ ફિલ્મોમાં હીરો બનીને લોકોના લમણે ટીચાતો રહ્યો હતો. જોકે અંગત રીતે અમારાં નસીબ સારાં છે કે એની એકપણ ફિલ્મ કદી જોવી પડી નથી. છતાં, એના ગાયનો જોઈને હજી નવાઈ લાગે છે કે યાર, કમાલ છે ? આ ભાઈના હોઠ હલે પણ છે ?
આ હરોળમાં ત્રીજો નંબર વિશ્વજીતનો આવે છે. એ ભાઈને હૃષિકેશ મુખર્જી અને મનમોહન દેસાઈ જેવા દિગ્ગજ ડિરેક્ટરો મળ્યા છતાં એ જરાય ના સુધર્યો. ‘બીસ સાલ બાદ' જોયાને આજે ચાળીસ ચાળીસ વર્ષ વીતી ગયાં છતાં એ માણસ ઝોમ્બીની માફક (ઝોમ્બી એટલે હાલતું ચાલતું મડદું) હજી પણ સપનામાં આવીને કોઈ જાતના હાવભાવ વિના અમને બીવડાવે છે !
હીરો તો એ જમાનામાં ઘણા હતા. ક્યારેક અમને વિચાર આવી જતો હતો કે એ જમાનામાં હીરોને પસંદ કરવા માટે તેની એક્ટિંગ નહીં પણ કુંડળી જોઈ લેતા હશે. જુઓને, જિતેન્દ્રની કુંડળી કેવી જોરદાર નીકળી ? બાકી વ્હી. શાંતારામ તો મહિપાલ વડે ગાડું ગબડાવી જ રહ્યા હતા ને ?
એક જોય મુકર્જી હતો. પોતે ઓલરેડી છે ફૂટિયો હતો છતાં ઉપરથી માથે અઢી ઇંચનો ફૂગ્ગો પાડતો હતો. એમ તો પાછળથી વિલન બનેલો અજીત પણ જુવાનીમાં એક્ટિંગમાં ઝિરો હતો. સંજય (ખાન) પણ આવું એક હાલતું ચાલતું પૂતળું હતું. આ બધા પોતાની કુંડળીમાં આપણું જ ખરાબ નસીબ લઈને જન્મેલા હીરો હતા.
એ પછી જ્યારે જમાનો બદલાયો ત્યારે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી એકટરો આવવા લાગ્યા. અમે તે વખતે રાજીના રેડ થઈ ગયા હતા કે બસ, હવે ચહેરાઓ ઉપર હાવભાવ આવતા હોય એવા હીરો જોવા મળશે. પણ ના ! પેલો વિજય અરોરા અમારે માથે ટીંચાયો ! સતત પાંત્રીસ ઘરેથી ઇન્સલ્ટ ખાધા પછી જે વીમા એજન્ટના મોં ઉપર સ્હેજપણ ફેરફાર ના થતો હોય એવું ડાચું લઈને એ બાબલો અઢી ડઝન ફિલ્મોમાં હીરો બની ગયો.
એવો જ બીજો ફિલ્મ ઇન્સ્ટીટ્યુટવાળો હતો અનિલ ધવન ! સાલું, કિસ્મતના ખેલ તો જુઓ ? એ વખતે અમિતાભ બચ્ચન જેવો મંજાયેલો કલાકાર સતત ફ્લોપ જઈ રહ્યો હતો અને અનિલ ધવન ? વાત જવા દો યાર, અમે એની ફિલ્મો શા માટે જઈ હશે ? કદાચ અમારી જ કુંડળીમાં દોષ હતો !
એમાં તો અમને નવીન નિશ્ચલ નામનો ગ્રહ પણ નડી ગયો હતો. ‘સાવન ભાદોં’ ફિલ્મ જોઈને અમે સાવ ભ્રમમાં રહ્યા કે કોઈ નવી સ્ટાઇલનો ‘કુલ’ એક્ટર મળ્યો ! પણ આ ભાઈ તો બફાઈ ગયેલું ખિચું જેવું મોં લઈને સતત અમારી કુંડળીમાં નડતો જ રહ્યો. કોઈ કહેતાં કોઈ ડિરેક્ટર એને કશું શીખવાડી શક્યો નહીં. અમને ખરેખરી દયા તો બિચારા ચેતન આનંદની આવતી હતી કે ‘હંસતે જખ્મ’માં એમણે બબ્બે જીવતાં પૂતળાં સાથે માંથાં ટીચવાનાં હતાં. એક પ્રિયા રાજવંશ અને બીજા આ જરાય ‘ન હલે, ન ચલે’ એવા ‘નિશ્ચલ’ !
એમ તો ‘ડેડે-પેન-ફેસ’ (મરી ગયેલી કઢાઈ જેવો ચહેરો)વાળા હીરોની લંગાર લાંબી છે પરંતુ એમાં શિરમોર કહી શકાય એવો એક હતો રાહુલ રોય. (યાર, આ રાહુલ નામવાળાને ભારતની પ્રજા સાથે શું લેણું છે ?) ફિલ્મ ‘આશિકી’માં આ બાબલો પ્રેમમાં હોય કે વિરહમાં, ખુશ હોય કે દુઃખી, એના ચહેરામાં હરામ બરાબર એક લીટીનો ફેરફાર થતો નહોતો ! છતાં ગાયનો હિટ જવાને કારણે આ બાબો પોતાને સુપરસ્ટાર સમજી બેઠો હતો. ત્યાં સુધી કે એને એવો વહેમ ઘુસી ગયો હતો કે એની ‘નેચરલ’ એક્ટિંગની કદર ભારતમાં નહીં હોલીવૂડમાં જ થશે, એમ માનીને એ ત્યાં પણ જૂતાં ઘસી આવ્યો. (એટલા આપણા ગ્રહો સારા હશે.)
મલ્ટિપ્લેક્સ ટાઇપની ફિલ્મો શરૂ થઈ પછી તો આવી કઢાઈઓ (અથવા ઢક્કનો)ની લાઇન લાગી ગઈ… બહેનના જોરે ઉછળતો તુષાર કપૂર, કાકા-મામા-માસાના જોરે માથે મરાયેલા ઝાયેદ ખાન, ઇમરાન હાશમી, ઇમરાન ખાન (આમિરનો ભત્રીજો), બાપના પૈસે બની બેઠેલા હીરો જેકી ભગનાની અને હરમન બાવેજા… માત્ર બોડીના મસલ્સ ફુલે અને ચહેરાના સ્નાયુ હલે પણ નહીં એવા જોન અબ્રાહમ, અર્જુન રામપાલ, સુનીલ શેટ્ટી, ડિનો મારિયા…
છેલ્લે આમાં અભિષેક બચ્ચનનું નામ પણ ઉમેરાઇ જાત, જો એણે ‘ગુરુ’ ‘યુવા’ અને ‘બોલ બચ્ચન’માં એક્ટિંગ જેવું કશું ના કર્યું હોત ! બોલો, શું કહો છો ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
😀😀😀😀😀😀તમારા ફળદ્રુપ બારેક ભેજા 😀😀😀છે એને મ્યુઝિયમ માં મુકજો
ReplyDelete🤯🤯🤯 હમણાં તો આવાં જ ભેજાં છે !😛😛😀😀 થેન્ક્સ !!
Delete👌💕તારો લેખ વાંચી શાળા કોલેજ ના
ReplyDeleteદિવસો ની મુખાઁમિ યાદ આવી.. આવા એકટર માટે ચોરી છીપી થી કલાસ બંગ કરી શું કરવા સિનેમા જોવા જતાં હતાં ??
હા યાર, મને પણ નવાઈ લાગે છે કે સાલી શું જબરી સહનશક્તિ હતી આપણી !
DeleteCorrect
ReplyDeleteથેન્ક યુ મનોજ ભાઈ ! જો આંખે બારહ હાથ વાળી ભૂલ બ્લોગમાં સુધારી લીધી છે. 🙏
Deleteઆપણે ભલે કમનસીબ રહ્યા આવા ભોથા જેવા અ-અદાકારોને સહન કરતા રહ્યા વાસ્તે, પણ મન્નુભાઈએ પોતાનું દિલ ખોલીને એ દુ:ખો આપણી વચ્ચે શૅર કર્યાં એ પણ આપણું તો સદનસીબ જ ને !
ReplyDeleteઆવાઓની ફિલ્લમ આપણે જોતા,કારણ ટિકિટનો ભાવ આપણને અને સૌને પોષાય તેવો પાંચ આના હતો,એવું તારણ નીકળએ છે.
ReplyDeleteNevin Nishchal ni surname ma j enu na hal na chal aavi jay chhe.
ReplyDelete