મોબાઈલમાં જોક્સનું વાવાઝોડું !

‘તોઉતે’ નામનું વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે એ પહેલાં જ મોબાઇલમાં જોક્સનું તોફાન શરૂ થઈ ગયું હતું ! હજી એ પત્યું નથી… એમાં અમે પણ થોડો પવન ફૂંકી રહ્યા છીએ !

***

વાવાઝોડાનું સાચું નામ ‘ટોકતે’ જ હશે...

કેમકે સરકાર હંમેશાં જબ કુછ ‘કરતે’...
તબ વિરોધ પક્ષ હંમેશા ઉસે ‘ટોકતે’ !

***

એક મહાન નેતાએ કહ્યું છે કે દેશમાં જ્યારે આટલું બધું H2O આવી પહોંચ્યું છે ત્યારે તાત્કાલિક H2Oમાંથી ઓક્સિજન છૂટો પાડીને લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દેવું જોઈએ.

- હવે પૂછતા નહીં કે એ મહાન નેતા કોણ છે.

***

મમ્મીએ સવાર સવારને મને ઉઠાડીને પૂછ્યું ‘ધાબા ઉપર દારૂની આ ખાલી બાટલી ક્યાંથી આવી ?’

મેં તરત કહ્યું ‘કેમ, મોબાઇલમાં મેસેજ નહોતો વાંચ્યો ? દમણથી બાટલીઓ ઉડીને આવવાની છે !’

મમ્મી ‘પણ આ તો ખાલી બાટલી છે ! દારૂ કોણે પીધો ?’

મેં કહ્યું ‘મમ્મી, ખાલી બાટલી જ ઉડે ને ? ભરેલી હોય તો માત્ર ડોલે... આમ... આમ...’

- મમ્મીએ મને બાટલી બાટલીએ માર્યો.

***

મસ્ત વરસાદી મોસમ જોઈને પતિને વિચાર આવી ગયો કે આ મોસમમાં ગરમાગરમ ભજિયાં મળી જાય તો કેવી મઝા પડી જાય !

પણ લોકડાઉનથી ટેવાયેલા પતિએ તરત જ એ વિચારને મનમાં જ દાબી દીધો !

‘સાલું, લોટ પણ મારે જ બનાવવો પડશે ને તળવાં ય મારે જ બેસવું પડશે !’

***

ધોધમાર વરસાદ અને પવનના સૂસવાટા વચ્ચે એક ભાઇએ ધ્રુજતા પલળતા આવીને ડેરીની દુકાનનું શટર ખખડાવતાં કહ્યું ‘એક કોથળી દૂધ આપજો ને, અરજન્ટ છે !’

દુકાનવાળાએ શટર ઊંચુ કરીને પૂછ્યું ‘જોડે ફુદીનો અને આદુ પણ જોઈએ છે ?’

ભાઇને નવાઈ લાગી ‘તમને શી રીતે ખબર પડી ?’

દુકાનદાર કહે ‘તમે પંદરમાં ઘરાક છો. બધાની પત્નીને લોકડાઉન પછી આવી ટેવો પડી છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments