આપણી હિન્દી ફિલ્મોમાં અમુક બીબાંઢાળ કેરેક્ટરો આવતાં રહેતાં. એમનું બીબું યાને કે ફરમો તૈયાર જ હોય, માત્ર એક્ટરો બદલાતા રહે.
જેમ કે વિધવા મા સફેદ સાડલાવાળી જ હોય અને રોત્તલ જ હોય. ગામનો વાણિયો વ્યાજખોર જ હોય અને હંમેશાં વાસનાભરી લાળ ટપકાવતો હોય. જજ સાહેબ ઘરડા જ હોય, ઇન્સ્પેક્ટર કડક જ હોય અને હવાલદાર કોમેડીયન જ હોય !
આવું જ એક બીબું હતું ગામડાના ‘ભોલા-ભાલા’ હીરોનું ! એનો તો દેખાવ પણ ફીક્સ થઇ ગયેલો હતો. માથે ટુંકા તપેલીકટ વાળ હોય, (જરૂર લાગે તો એકાદ ચોટલી પણ હોય) કાનમાં બે બુટ્ટીઓ હોય, ગળામાં માદળિયું, અડધી બાંયનું બાંડિયું અને ઘુંટણીયાં સુધીનું ઊંચું ધોતિયું ! અને હા, ચહેરા ઉપર ઝીરો આઇક્યુના નમૂના જેવું સ્ટુપિડ સ્માઇલ !
આમાં શરૂઆતમાં ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’નો રાજકપૂર હોય કે છેલ્લે છેલ્લે ‘સપનોં કા સૌદાગર’નો રાજકપૂર હોય, એના હાવભાવ ત્રણ ત્રણ દાયકા પછી એવા જ હોય ! બિચારા સુનીલ દત્તને તો છેક ‘મધર ઇન્ડિયા’થી આ બીબામાં રેડી દીધેલો તે ‘મિલન’ ‘પડોસન’ ‘ગબન’ ‘મહેરબાન’ ‘ખાનદાન’ જેવી કંઇક અડધો ડઝન ફિલ્મોમાં આ જ ટુંકા વાળ અને ઝીરો આઇક્યુનું ડાચું પકડી રાખવું પડેલું ! (એ તો સારું થયું કે ‘મુઝે જીને દો’માં ડાકુ બન્યા પછી એમની અસલી ધાક બહાર આવી.)
રાજકપૂરે ભલે તપેલીકટ વાળ ‘જાગતે રહો’ અને ‘તીસરી કસમ’માં રાખ્યા પરંતુ બાકીની મોટેભાગની ફિલ્મોમાં એનું બીબું તો આ જ રાખ્યું. આમ જોવા જાવ તો એ જમાનાના લગભગ બધા હીરોને આ બાઘાભાઈના બીબામાં ક્યારેક તો ફીટ થવું જ પડેલું.
પેલા સિલ્વર જ્યુબિલીકુમાર રાજેન્દ્રકુમાર આમ વાળના બબ્બે ફૂગ્ગા પાડીને ફરતા રહ્યા પણ છેલ્લે છેલ્લે ‘ગંવાર’ ફિલ્મમાં પણ ભાઈ ટુંકા વાળની વિચિત્ર ટોપી પહેરી હોય એવી વિગ પહેરીને આવી ગયેલા. (એ ફિલ્મનું પોસ્ટર અંગ્રેજીમાં જોઈને અમે ‘GUN-WAR’ એવું સમજી બેઠેલા ! પણ સાલી, એમાં ન તો ગન હતી ના તો વોર.) મનોજકુમાર પણ જુવાનીમાં જાતભાતનાં ટી-શર્ટો અને સ્વેટરો પહેરીને રોલા મારતો હતો પણ છેલ્લે ‘પહેચાન’માં પોતાની પહેચાન બદલી જ નાંખી !
આખરે જ્યારે ‘રામપુર કા લક્ષ્મણ’ આવી ત્યારે રણધીર કપૂરે ડિરેક્ટર આગળ રીતસરનો બળવો કર્યો હશે કે ‘બોસ, ટુંકા વાળની ટોપી તો નહીં જ પહેરું !’ ત્યારે એ ભાઇને પોતાના નેચરલ વાળ રાખવાની છૂટ મળી હશે. એ પછી જિતેન્દ્ર પણ ‘બનફૂલ’માં ઝૂલ્ફાં લટકતાં રાખીને રંગીન ભરતકામ વાળી ટોપી પહેરીને ગામડીયો બનેલો.
આ ભોલા-ભાલા હીરોની અમને સખ્ખત જલન થતી ! યાર, પેલા શમ્મીકપૂરો, દેવ આનંદો, શશી કપૂરો અને ધર્મેન્દ્રો – જિતેન્દ્રો વગેરે હીરોઇનની આગળ-પાછળ ફિલ્ડીંગો ભરી ભરીને થાકી જાય ત્યારે માંડ એકાદ વાર હીરોઇન સ્માઇલો આપતી હતી જ્યારે આ બબૂચકો ? શી ખબર એમનામાં હીરોઇનોને શું દેખાતું હશે (કે નહીં દેખાતું હોય) કે યાર, એમની સામે જ નહાવા પણ બેસી જતી હતી ! એ તો ઠીક, ક્યારેક ક્યારેક તો એ ભોલા-ભાલા પાસે સાબુ પણ લગાવડાવતી !
અમુક સુંદરીઓ ગાયનો પણ એવાં ગાતી કે જાણે ભોળિયાને રીતસર સેક્સ એજ્યુકેશનના બાળમંદિર કક્ષાનું હોમવર્ક કરાવતી હોય ! એટલી બધી હિન્ટો આપે છતાં પેલો ડોબો સમજે જ નહીં ! આપણને થિયેટરની અઢારમી લાઇનમાંથી ઊભા થઇને કહેવાનું મન થઇ જાય કે ‘ટોપા, તને ના ફાવતું હોય તો આઘો ખસ ! જો, હું તને શીખવાડું !’
પણ અહીં જ આ ભોલા-ભાલાઓની માસ્ટર-કી છૂપાયેલી હતી. મારા બેટાઓ ‘ક્યૂટ’ અને ‘ઇનોસન્ટ’ હોવાની એક્ટિંગ કરીને જ ભલભલી બકસમ હીરોઇનોને પટાવી લેતા હતા. (યાદ છે ? ‘જાગતે રહો’માં તો હીરોઇન જ નહોતી, છતાં છેલ્લે ખુદ નરગિસ બ્લાઉઝ વિનાની સાડી પહેરીને રાજકપૂરને પાણી પીવડાવવા આવી જાય છે !)
હીરોઇનોના આ ‘અગમ્ય’ વર્તનને જસ્ટીફાય કરવા માટે ગીતકારોએ ગાયનો પણ કેવાં કેવાં લખ્યાં છે ? ‘ભોલાપન તેરા ભા ગયા હમ કો, સાદગી પર તેરે મરતે હૈં’ ‘અદાએ દિલ કી જાનતા હી નહીં, મેરા હમદમ ભી કિતના સાદા હૈ’… બોલો, અહીં છોકરાઓ ‘મસાલા’ ઢોંસા બનવા માટે જાતજાતની ફેશનનાં કપડાં પહેરીને સલૂનોમાં જઇ-જઇને હેર-સ્ટાઇલો સેટ કરાવે છે અને બેબીને ગમે છે ‘સાદા’ ઢોંસા !
અને હા, એ રીતે અમોલ પાલેકર પણ 'મહા-ચાલુ' ટાઇપ 'ભોલો-ભાલો' હીરો હતો ! ફરક એટલો જ કે એણે તપેલીકટ વાળ નહોતા રાખ્યા !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Fantastic.
ReplyDeleteThanks 🙏😊 😊
Deleteઆ બધી પૈસાની મોહમાયા છે.
ReplyDeleteસાચા જીવનમાં ૨૨ વષઁ ની સુંદર સાયરાબાનુ ૪૪ વષઁ ના દિલીપકુમાર ને પરણે, ડી્મગલ અને૭૦ ના દાયકા ની સુંદર હેમામાલીની બીજવર અને ઉમ્મર માં ખુબ મોટા ઘમેઁન્દ્જીને પરણે...અરે પેલો બીજવર ,જાડીયો અને બેડોળ બોની કપૂર સુંદર ક્ષી્દેવી ને કુંવારે ‘મા’ બનાવી લગ્ન કરવા મજબુર કરે.. તો ફીલ્મી પાત્રો તો પૈસા માટે શું નકરે ?? રાજકપૂર અને તેની દરેક હીરોઇન ( નરગીશજી પણ) કેવી વાતો હતી ???
મેં તો ફિલ્મની હિરોઈનો ભોલા ડોબા હિરોના પ્રેમમાં શી રીતે પડી જતી હશે તેની વાત લખી હતી પણ તમે રિયલ લાઈફમાં પણ આ ખેલ શોધી કાઢ્યા !
Deleteઆજની પેઢીને પણ નથી સમજાતું કે કાજોલ અજય દેવગણ સાથે શું જોઈને પરણી ગઈ હશે ? 😀😀
ગજબની પકડ, ફરી વધુ એકવાર, હિન્દી ફિલ્મ જગતનાં એક વિશિષ્ટ પાસાં પર... ફક્ત મન્નુજી જ ફોકસ કરીને ઉજાગર કરી શકે એવી એમની લાક્ષણિક શૈલીથી...જીતે, જીતતે રહો, લલિતભાઈ !
ReplyDeleteથેન્ક યુ રસેશ ભાઈ ! 🙏😊
Deleteઆગળના હપ્તા પણ આ વિષય પર ચાલુ રાખૌ,ભૈલા....
ReplyDeleteતપેલી કટ હિરો તો પતી ગયા ! હવે રાજકુમાર રાવ જેવા સ્માર્ટ એક્ટરો ભોલેબાબા બનીને હિરોઈનો પટાવી જાય છે. 😀😀
DeleteTopics બહુ જોરદાર લાવો છો બાકી સારું research કર્યું છે લલિત ભાઈ
ReplyDeleteરિસર્ચ બિસર્ચ કંઈ નથી મિત્ર ! આ તો એ સમયે જે ફિલ્મો જોયેલી એમાં જે ખાસ વાતો યાદ રહી ગઈ હોય તેમાં જરી વઘાર કરીને લખીએ છીએ !🙏😀😀🙏🙏
Deleteમન્નુ ભાઈ, તમે ' गँवार ' ફિલ્મ નું પોસ્ટર જોઈને તેને 'Gun -War ' સમજ્યા હતા, પરંતુ હું તો ' गँवार' વાંચીને તેને ગુવાર ( લીલા શાકભાજી ની એક જાત ) સમજેલો, બોલો !!
ReplyDelete😀😀😀
ReplyDelete