થોડાં દિવસો પહેલાં ‘મધર્સ ડે’ હતો. એ પછી વચમાં ‘વર્લ્ડ હાઇપરટેન્શન ડે’ પણ આવી ગયો ! અમને આ હાઇપરટેન્શન ડેમાં સમજ ના પડી કે કરવાનું શું હતું ? ટેન્શન થાય છે, એનું ટેન્શન નહીં કરવાનું ? કે ટેન્શન નથી કરવાનું… નથી કરવાનું… એમ વિચારીને ટેન્શન કરવાનું ?
જોકે આ કોરોનાકાળમાં તો દરેક દિવસ ‘કોરોના-ડે’ બની ગયો છે. આવા સમયમાં આપણે કેટલાક નવા રિફ્રેશિંગ ડે ઉજવવા જોઈએ. જેમ કે…
(1) ઓલ ઇન્ડિયા પાણીપુરી ડે
આવા કરફ્યુના દિવસોમાં ઘરે બેઠાં બેઠાં ‘આહાહા…. શું સાલા એ દિવસો હતા ! ભૈયાજીની પાણીપુરી ખાતાં ખાતાં સિસકારા કેવા બોલાવતા હતા…’ એવા ફ્લેશ-બેકો જોવાને બદલે દોસ્તો, કોઈ ઓળખીતા ભૈયાજીને પૂછીને એક સારી તિથિ નક્કી કરો. પછી ઘેર ઘેર આખા ઇન્ડિયામાં ‘પાણીપુરી દિવસ’ ઉજવી નાંખો !
આની વિધિ સાવ સિમ્પલ છે. દરેક ઘર-દીઠ 100 કોરી પાણીપુરીનું એક પેકેટ લાવવાનું છે. સારી બ્રાન્ડનાં પાનીપુરી મસાલાનું પેકેટ તોડી, યુ-ટ્યુબમાં ચટાકેદાર પાણીપુરી બનાવવાની રીતો જોઈને ખાટી-તીખી ચટણી તથા બાફેલા બટેટા-ચણા વગેરે સામગ્રી તૈયાર કરવાની છે. પછી સૌએ ઊભાં ઊભાં… જીહા, બે પગ પહોળા કરીને ઊભાં ઊભાં ડીશ ઝાલીને એમાંથી પાણીપુરીઓ ખાવાની છે !
(આ દિવસનું નામ ‘ગોલગપ્પા ડે’ રાખવાનું હતું. દેશના નેતાઓને ખોટું ના લાગે એ માટે એ નામ પડતું મુક્યું છે.)
(2) ઓલ ઇન્ડિયા અંતાક્ષરી ડે
એક મિનિટ યાર ! પેલા થાળી-દિવસની જેમ સૌએ પોતપોતાનાં ધાબે ચડીને સામસામી અંતાક્ષરીઓ નથી રમવાની ! (ગળાં બેસી જશે તો વળી પાછા કોરોનાના કેસમાં ઉછાળો આવશે.)
આની વિધિ પણ સિમ્પલ છે. દૂર દૂર રહેતાં બબ્બે ફેમિલીઓ વચ્ચે અંતાક્ષરી રમાશે. આપણે ફક્ત એટલું કરવાનું કે મોબાઇલને એવી રીતે ગોઠવવાનો કે આખે આખાં ફેમિલી એકબીજાને સામસામે દેખાય. બસ, પછી વિડીયો કોલિંગમાં ચાલુ પડી જાવ… “બૈઠે બૈઠે ક્યા કરેં ? કરના હૈ કુછ કામ…”
અને હા, જરૂર લાગે તો થાળી વાટકા વડે તાલ પુરાવશો તો સાહેબને ગમશે !
(3) ઓલ ઇન્ડિયા રેસ્ટોરન્ટ ડે
ના ભઇ ના ! રેસ્ટોરન્ટમાં ભરબપોરે જવાનું નથી ! આની વિધિ જરા અટપટી છે પણ સમજી લેવી જરૂરી છે. સૌ પ્રથમ તો જે તે રેસ્ટોરન્ટમાંથી ફેમિલીને પસંદ હોય તેવી વાનગીઓનો ઓનલાઇન ઓર્ડર આપી દેવાનો છે. પછી જાણે ખરેખર સૌ બહાર જમવા જવાના હોય એમ સૌએ તૈયાર થવાનું છે. (બર્મુડા અને ગાઉનોમાં બહુ દહાડા કાઢ્યા, હવે તો જરા સુધરો ?)
તૈયાર થયા પછી સીધા કિચનમાં જવાને બદલે ડ્રોઇંગરૂમમાં જાણે રેસ્ટોરન્ટના વેઇટિંગમાં બેઠા હોય એ રીતે બેસવાનું છે. (બોર પણ થવાનું છે.) પછી જ્યારે નંબર બોલાય ત્યારે કિચનમાં જવાનું છે પણ ઊભા રહો ! વેઇટરોની જવાબદારી પપ્પાઓ અને છોકરાઓ સંભાળશે ! એ લોકો ઓર્ડર પણ લેશે, ટેબલ ઉપર સર્વ પણ કરશે, સોફ્ટ મ્યુઝિક પણ વગાડશે જોડે જમવા પણ બેસશે અને છેલ્લે ડીશો પણ ધોશે ! (ભલે પપ્પાઓને ડબલ-ડ્યુટી થાય.)
આ દરમ્યાન સેલ્ફીઓ લેવાનો તથા ફેસબુકમાં મુકીને કોમેન્ટો ઉઘરાવવાનો રીવાજ પણ પાળવાનો છે. બસ, છેલ્લે પેલા પાર્ટ ટાઇમ વેઇટરોને ‘ટીપ’ કેટલી આપવી (અથવા ‘શું’ આપવી ?) તે તમે જાણો !
(4) થેન્ક-યુ કોરોના વોરિયર્સ ડે
સાહેબે તો ગયા વરસે ડોક્ટરો અને મેડીકલ કર્મચારીઓ ઉપર ફૂલો વરસાવી દીધાં પણ આપણે લોકો એમને ‘થેન્ક યુ’ ક્યારે કહીશું ? જરા શરમાઓ હવે ! જ્યોતિષીઓને પૂછ્યા વિના એક સારા દિવસનું મહુરત શોધીને સૌ તબીબી કર્મચારીઓ તથા પોલીસ કર્મચારીઓને થેન્ક-યુ કહીએ ! ભલેને તે દિવસે આખેઆખું સોશિયલ મિડીયા જામ થઈ જતું ?!
- બાકી ભલું પૂછવું. દેશવાસીઓને ઓક્સિજનનું મહત્વ સમજાય એ માટે સાહેબ એક દિવસ ટીવીમાં આવીને કહે પણ ખરા કે ‘મિત્રોંઓં… કલ સવેરે ઠીક સાત બજે… સારે ભારતવાસી… ઘર સે બાહર આકર… જોર સે… ગહરી સાંસ લેંગે…’
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Golgappa day... 😆😆😆
ReplyDeleteGolgappa day... 😆😆😆
ReplyDeleteTry karva jevu ho mannubhai 🤩🤩
ReplyDeleteકમ સે કમ અંતાક્ષરી ટ્રાય કરી જુઓ. મઝા આવશે !
Deleteગોલગપ્પા ના કહેવાય,મારગપ્પા ડે વધુ ઉચિત કહેવાય!
ReplyDeleteઆખરે આજ positivity આવી ખરી 😂 રેસ્ટોરન્ટ ડે અને ટીપ👌👌
Deleteમારા ગપ્પાં 👌👌👌😀😀
Deleteઆખરે આજે positivity આવી ખરી 😂રેસ્ટોરન્ટ ડે અને ટીપ 👌👌
ReplyDeleteદેર સે આયે દુરસ્ત આયે 😀
Delete