ફિલ્મો જોઈને દર વખતે અમને વિચાર આવે છે કે ફિલ્મી વિલનો આટલા બધા ડફોળ કેમ હોય છે ?
તમે રિયલ લાઇફના વિલનોને જુઓ.. દાઉદ ઇબ્રાહિમ, વિજય માલ્યા, ચાર્લ્સ શોભરાજ, વીરપ્પન…. મારા બેટાઓ કોઇને ગાંઠ્યા જ નથી ! જ્યારે ફિલ્મી વિલનો છેલ્લા રીલમાં સાવ બબૂચકોની માફક હીરોના હાથે માર ખાઈને કેમ કાર્ટુન જેવા બની જતા હોય છે ?
આ જ કારણસર અમે હિન્દી ફિલ્મના વિલનોને નવ અણિયાળા સવાલો પૂછવા માગીએ છીએ.
(1) આમ વારેઘડીએ બત્રીસી બતાડીને હોહો હાહા… કરતા વારંવાર શું લેવા હસ્યા કરો છો ?
અહીં અમને વોટ્સએપની 50 જોક્સમાંથી માંડ એક જોકમાં દોઢ સેન્ટિમીટરનું સ્માઇલ નથી આવતું, સ્ટેન્ડ-અપ કોમેડીયનોના 100 વિડીયોમાંથી માંડ 5 વિડીયોમાં મોટેથી હસવું આવે છે અને કપિલ શર્માના શોમાં જ્યારે પુરુષો બૈરાં બનીને બિભત્સ ચાળા કરે છે ત્યારે તો હસવાને બદલે રડવું આવે છે, એવામાં ભાઇ વિલન, તને એકપણ જોક વિના આટલું બધું હસવું શેનું ચડી આવે છે ?
(2) તું ચિત્રવિચિત્ર કપડાં પહેરીને મોટી શણગારેલી રાજગાદીમાં બેઠો હોય કે ખંડેર જેવા અડ્ડામાં ભંગારમાં કાઢવાલાયક સોફા ઉપર આડો પડ્યો હોય, ત્યારે તારી આજુબાજુ હંમેશાં અડધો ડઝન લુખ્ખાઓ કેમ ઊભા હોય છે ? ખાલીપીલી ડોળા કાઢવા માટે ?
અને એ લલવાઓ આજુબાજુ ઊભા રહીને કરે છે શું ? જ્યારે હિરો જોડે મારામારી કરવાનો વારો આવે ત્યારે તો બેટાઓ બબ્બે ફેંટમાં ઢેર થઇ જાય છે. અને તું હિરોઈનની છેડતી કરતો હોય છે ત્યારે આ લલવાઓ વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવીને લાળ ટપકાવતા ઊભા રહે છે.
(3) અને તું તારી ફોજમાં કેવા અલેલટપ્પુ નબળાઓને ગુંડા તરીકે રાખે છે ?
એ ટોપાઓને તેં મોટા ઉપાડે રીવોલ્વરો, બંદૂકો અને મશીનગનો આપી રાખી છે પણ ઇતિહાસ ગવાહ છે કે એ લલવાઓની એકપણ ગોળી કદી નિશાન ઉપર લાગી નથી ! કમ સે કમ એમને કોઈ આનંદમેળામાં મોકલીને એર-ગન વડે ફૂગ્ગા ફોડવાની ટ્રેનિંગ તો અપાવ ?
આને બીજું, જ્યારે હીરો ધૂળેટીમાં પિચકારી ફેરવતો હોય એમ અટ્ટેગટ્ટે ગોળી ચલાવે છે ત્યારે તારા ગુંડાઓ જાણે ઉડતાં તીર છાતી ઉપર લેતાં હોય એમ માત્ર ગોળીનો અવાજ સાંભળીને જ શેના ફટાફટ ઢળી પડે છે ?
(4) કોઈ મરદને મારવા જવાનું હોય તો હજી સમજ્યા, પણ બિચારી હિરોઈનની વિધવા મમ્મીને ધમકી આપવા જવાનું છે એમાંય તું શેનો ચાર ચાર જીપો ભરીને મોટો વરઘોડો લઈને પહોંચી જાય છે ? શું એકલા જતાં ફાટે છે ?
(5) છેલ્લા 70 વરસનો ઇતિહાસ જોઈ લે, કોંગ્રેસીઓની જેમ તું પણ કશું શીખ્યો જ નથી ! અલ્યા, હિરોઇન અને એની માને તારા અડ્ડામાં દોરડા વડે બાંધીને પછી હાહા હોહો… કરતો ડાયલોગો શું માર્યા કરે છે ?
તું આ બાજુ જે ટાઇમપાસ કરે છે એટલી વારમાં દર વખતે હીરોને તારા અડ્ડા ઉપર પહોંચવાનો સમય અને સરનામું બંને મળી જાય છે !
(6) તારા અડ્ડાની દિવાલો કોઈ સારા કોન્ટ્રાક્ટર પાસે કેમ નથી બનાવડાવતો ?
શી ખબર કઈ બ્રાન્ડની સિમેન્ટ વાપરે છે તે હીરોનું માત્ર 100 સીસીનું બાઈક ખાલી 60 KMની સ્પીડે આવે છે તો પણ એમાં મોટું બાકોરું પડી જાય છે.
(7) અને હા, તારી આંખોનો કોઈ ઈલાજ કરાવ, ડોબા !
ફાઇનલ ક્લાઇમેક્સ પહેલાં હીરો હીરોઈન અને એની ટોળકી તારા દરબારમાં ડાન્સ કરવા માટે આવે છે ત્યારે જાણે તું મુજરો જોવા બેઠો હોય એમ મસ્તી શું મારતો રહે છે ?
ઓ આંધળા ! હીરોએ નકલી દાઢી મૂછ લગાડી છે એ અમને છેક અહીં છેલ્લી સીટમાંથી દેખાય છે તે તને ત્યાંથી કેમ નથી દેખાતું ? વળી, હિરોઈનના મોં ઉપર તો ક્યારેક પેલું આરપાર દેખાય એવું કપડું પણ નથી હોતું ! અલ્યા, તારી આંખો છે કે બટન ?
(8) અને ભઇ, વિલન બન્યો એટલે ગાંડાવેડા જ કર્યા કરવાના ?
મેન્ટલ હોસ્પિટલના ખરાબમાં ખરાબ દરદીઓ પણ તારા જેવા વિચિત્ર ચેનચાળા નથી કરતા ! અને ભઇ, આટલા બધા રૂપિયા કમાયો છે તો આ તારા ગાંડપણનો ઇલાજ કરાવવા માટે બે ચાર ડોક્ટરોને નોકરીએ કેમ નથી રાખી લેતો ?
(9) ફાઈનલી, ભાઈ વિલન ! તું આખી દુનિયાને ઉડાવી મારવાના પ્લાનો કરવા માટે જે અંડરગ્રાઉન્ડમાં તોતિંગ કારખાનાં ઊભા કરીને રાખે છે તેને છેલ્લે ભાગતી વખતે જાતે જ શું કામ બોમ્બ વડે ઉડાવી મારે છે ?
તારે ટેક્સ ના ભરવો હોય કે જેલમાં ના જવું હોય તો પેલા મેહુલ ચોક્સીની જેમ કોઈ ટાપુ ઉપર જઈને જલ્સા કર…. પણ અહીંની સરકારને તારી ફેકટરી તો આપતો જા ? અમારે બહુ વિકાસ કરવાનો છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Very nice mama. New topic.
ReplyDeleteએવું થાય છે કે તમે મસમોટી વિલનોધારીત ફિલ્મ બનાવો તો પહેલાં તો એ બધા અલ્લેલટપ્પુઓને એક જ દોરડે બાંધીને, રીંગ માસ્ટર બનીને સરકસની રીંગમાં ગોળ ગોળ ફેરવીને બરાબરનો કસ કાઢો ! પછી ફિલમ શરૂ કરો એટલે એ બધાઓ ધડાધડ ખુલાસાઓ કરવા માંડે અને ત્યાં જ ઊભા કરેલા મેઇક શિફ્ટ વોશ રૂમ્સ તરફ જવા લાઈન બનાવે... એક વાત નક્કી કે ગમે ઇ થાય, લલિતભાઈ, ઇ લોકો એમની આખી જિંદગીમાં વિલન નો રોલ લેવાની હિંમત તો ન જ કરે.
ReplyDeleteJabbardasst humor & superb view presentation.....waah mannubhai
ReplyDeleteThanks for feedback !
ReplyDeleteરસેશભાઈ ! તમારું સુચન ખરેખર ખડખડાટ હસાવી નાખે તેવું છે. જોકે આવો વિચાર બહુ જાહેર કરવા જેવો નથી કેમકે કાલે ઊઠીને કોઈ ફિલ્મમાં વિલનને જ આવું કરતો બતાડે તો નવાઈ નહીં ! 😀😀😀😀
ReplyDelete