કોરોનાની ચેઈન...

ચીને મને કોરોના આપ્યો

કોરોનાને મેં થાળી વગાડી

થાળીએ મને ભોજન આપ્યું

ભોજને મને એંઠવાડ આપ્યો

એંઠવાડ મેં ગટરમાં નાંખ્યો

ગટરે એને કચરો બનાવ્યો

કચરાનો મોટો ડુંગર થયો

ડુંગર દૂરથી રળિયામણો

રળિયામણા મેસેજો આવ્યા

મેસેજોએ ફિલોસોફી આપી

ફિલોસોફી મેં ફોરવર્ડ કરી

ફોરવર્ડે મને જ્ઞાન આપ્યું

જ્ઞાનની મેં યુનિવર્સિટી કરી

યુનિવર્સિટીએ ઉપાય બતાડ્યા

ઉપાયથી મોંમાં ચાંદાં પડ્યાં

ચાંદાં મેં માસ્કથી સંતાડ્યાં

માસ્કે મને પ્રોટેક્શન આપ્યું

પ્રોટેક્શન મેં નેતાને આપ્યું

નેતાએ મને ચૂંટણી આપી

ચૂંટણીએ મને વચનો આપ્યાં

વચનને મેં વોટ આપ્યા

વોટે મને સરકાર આપી

સરકારે મને ક્રિકેટ મેચ આપી

ક્રિકેટમેચે મને ભીડ આપી

ભીડે બધે કોરોના ફેલાવ્યો

કોરોનાએ ફરી કરફ્યુ આપ્યો

કરફ્યુનો મેં વિરોધ કર્યો

વિરોધે મને હોહા આપી

હોહાને અમે ટીવીમાં ચગાવી

ટીવીએ ટીઆરપી આપ્યા

ટીઆરપીએ રેસ લગાવી

રેસમાં મને મઝા પડી

મઝાએ મને બિન્દાસ કર્યો

બિન્દાસીએ માસ્ક ફગાવ્યું

માસ્ક વિના કોરોના ફાવ્યો

કોરોનાએ બીજો વેવ આપ્યો

નેવે સૌને દોડતા કર્યા

દોડી દોડીને ઇંજેક્શનો માગ્યાં

ઇંજેક્શને મને લાઇનો આપી

લાઈનોએ સ્મશાન પહોંચાડ્યા

સ્મશાને મને વેઇટિંગ આપ્યું

વેઇટિંગમાં આખો દેશ છે

દેશમાં કોરોના છે

પણ કોરોનામાં ચૂંટણીઓ છે

ચૂંટણીમાં હજી વોટ પડશે

વોટ પછી સરકાર એકશન લેશે

એકશનનું રિ-એકશન આવશે

રિ-એકશનમાં આરોપ થશે

આરોપ સામે ધરપકડ થશે

ધરપકડથી જેલ થશે

જેલમાં કોરોના જશે

કેદીઓને કોરોના થશે

અને…

કોરોનાને કેદ થશે !

બોલો, કેવું છે…

***

- મન્નુ શેખચલ્લી

Comments