આઈપીએલની નવી રેસિપી !

ખાલી સ્ટેડિયમ, નો ઓડિયન્સ, નો ચિયર ગર્લ્સ, નો શોર-શરાબા અને નો આતશબાજીવાળી આ વખતની આઈપીએલની આખી રેસિપી જ બદલાઈ ગઈ છે…

***

સામગ્રી

સ્ટાર ક્રિકેટરો, નવા ક્રિકેટરો, પતી ગયેલા ક્રિકેટરો, ખખડી ગયેલા ક્રિકેટરો, માસ્ક પહેરેલા અધિકારીઓ, સૂટ પહેરેલા એક્સ્પર્ટો, ચડ્ડી પહેરેલા ઘરડા કોચો, નજરે ના ચડતા બુકીઓ, નજરે ચડ્યા કરતી જાહેરખબરો, જાહેરખબરોમાં જ વારંવાર દેખાતા ક્રિકેટરો, ક્રિકેટરોની પત્નીઓ, ટીમ ખરીદનારા ઉદ્યોગપતિઓ, મિડીયા અને પોતપોતાને ઘરે બેસેલા પ્રેક્ષકો.

***

રીત

મોંઘા મોંઘા ક્રિકેટરોની હરાજીમાંથી થોડા નામી અને થોડા કમ-નામી ક્રિકેટરો મિક્સ કરો. એમને સરકસના જોકર જેવા કપડાં પહેરાવો, એ કપડાં ઉપર વિવિધ બ્રાન્ડના લોગોનું ગાર્નિશીંગ કરો, સાથે સાથે રાતોરાત કરોડપતિ બની જવાનાં સપનાં જોનારા પપલુ ટાઈપના પ્લેયરોનું કચુંબર કરીને તેમાં ભભરાવો.

બીજી બાજુ ઘરડા થઈ ચૂકેલા ક્રિકેટરોને મેદાનની સાઇડમાં ધીમી આંચ ઉપર તડકે મુકો. સાથે સાથે રીઢા થઈ ગયેલા સિનિયર ક્રિકેટરોને સ્ટેડિયમની ફ્લડ-લાઇટ ગરમી વડે કાચા-પાકા શેકીને સાઇડમાં રાખો.

હવે સ્ટેડિયમ સાઇઝના તગારામાં આ તમામ ક્રિકેટરોને મિક્સ કરીને ઉછાળો. નવા નાજુક પ્લેયરોને જુના ખડૂસ પ્લેયરોની ગ્રેવીમાં રગદોળો. ઘરડા ખખડી ગયેલા પ્લેયરોને માઇક વડે ટીપીને ઢીલા કરો.

આમાં થોડા કાચી આંખવાળા, ધીમા દિમાગવાળા, તથા મોટી ફાંદવાળા અંપાયરોનો ઢીલો લોટ નાંખો. ગુંદેલા લોટમાં ચશ્મા, બાયનોક્યુલર અને હિયરીંગ એઇડસ ખોસીને તૈયાર રાખો.

હવે સ્ટાર ક્રિકેટરોને અલગ તારવીને એમને લાલચની ચાસણીમાં ડૂબાવીને બહાર કાઢો. ત્યાર બાદ એમને સોના-ચાંદીના વરખ ચોંટાડીને ‘ડ્રીમ-ટીમ-ઈલેવન-ટ્વેન્ટી’ જેવા એપ વડે ડેકોરેટ કરીને બુકીઓની થાળીઓમાં પીરસો….

… લો, હવે જે ‘ખાવાલાયક’ છે તે બુકીઓ, પોલીસો અને ઉદ્યોગપતિઓ ખાશે અને જે ‘જોવાલાયક’ છે તેને પ્રજા ટીવીમાં ‘વાનગી-શો’ તરીકે જોશે ! (અને લાળ પાડશે.) થેન્ક્યુ.

***

- મન્નુ શેખચલ્લી

Comments