એપ્રિલ ફૂલ સિવાયના ડે !

આજે એપ્રિલ ફૂલ ડે છે. થોડા દિવસ પહેલાં ‘ચકલી ડે’ હતો ! વચમાં વળી એક ‘પોએટ્રી ડે’ આવી ગયો ! અરે, ‘ડાઉન સિન્ડ્રોમ ડે’ પણ એજ દિવસે હતો ! (ખરું કોમ્બિનેશન કહેવાય, નહીં?)

આવા ભલતા સલતા દિવસો ઉજવવાને બદલે આપણે અમુક વાસ્તવિક ડેય્‌ઝ ખરેખર વાસ્તવિક રીતે ના ઉજ્વવા જોઈએ ? જેમ કે…

***

વર્લ્ડ સોંઘવારી ડે

કમ સે કમ એક દિવસ માટે આખા દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરી નાંખો ! ભલે પાંચ પાંચ કિલોમીટર લાંબી લાઈનો લાગતી !

આ દિવસે દરેક ચીજની ‘સાચી’ કિંમત હોવી જોઈએ, જેમ કે પાણીની બોતલ માત્ર 37 પૈસામાં અને પોટેટો ચીપ્સની હવા ભરેલી કોથળી માત્ર 18 પૈસામાં !

***

વર્લ્ડ એડ્‌ઝ ડે

અરે બાપા ‘એઇડ્‌ઝ’ નહીં, ‘એડ્‌ઝ’… એટલે કે જાહેરખબરો !

ટીવી સિરિયલોમાં જે સળંગ સાત સાત મિનિટો લગી દેકારો બોલાવે છે અને મોબાઇલમાં સરસ મઝાના ગાયનની અધવચ્ચે પણ એડ ઘૂસી જાય છે તે આ દિવસ પુરતી ગાયબ રાખો.

બોલો, આ દિવસના તો ‘સ્પોન્સરો’ પણ મળી જાય ને !

***

વર્લ્ડ એન્ટિ-સોશિયલ ડે

ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોને છૂટો દોર આપવા માટે અલગ દિવસ રાખવાની જરૂર જ ક્યાં છે ? આ તો સોશિયલ મિડિયાના વાત કરું છું.

કમ સે કમ એક દિવસ માટે આ ફેસબુક, વોટ્સેપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, મોજ, મસ્તી, ટિંડર, ડિંડક, ઝૂમ, અક્કલની દૂમ… વગેરે બંધ રાખો ને ?

કમ સે કમ એક દિવસ માટે તો લોકો ગરદન ઊંચી રાખીને જીવી શકશે ને !

***

વર્લ્ડ ‘નો-જ્ઞાન’ ડે

અને વરસમાં એક દિવસ માટે યાર, બીજાઓને જ્ઞાન આપવાનું બંધ કરો !

‘જીવન શી રીતે જીવવું..’ ‘સાચો પ્રેમ ક્યાં છે..’ ‘કારેલાંને મીઠાં કરવાની રીત..’ ‘દુઃખને ગળે લગાડીને રોજ ધાબાં ઉપર નાચો…’ આવું બધું કમ સે કમ એક દિવસ માટે બંધ રાખશો તો દુનિયામાં અજ્ઞાનનો અંધકાર દીવો લઈને કોઈ તમને શોધવા નહીં નીકળી પડે ! ખમ્મા કરો બાપલ્યા.

***

- મન્નુ શેખચલ્લી

Comments