જ્યારે પુરુષ 'સ્ત્રી સમોવડો' હશે !

આવતીકાલે ‘મહિલા દિવસ’ છે. લોકો સ્ત્રીને ‘પુરુષ-સમોવડી’ બનાવવાની વાતો કરશે.

અમે કહીએ છીએ કે એ બધું છોડો, હવે તો એ વિચારો કે જ્યારે પુરુષને ‘સ્ત્રી-સમોવડો’ બનવું પડશે, ત્યારે શું થશે !

***

જુઓ ભઈ, પુરુષો પાન-મસાલા તો ખાતા જ હશે !

- પણ રસોઈ કરતાં કરતાં !

***

અને સીધી વાત છે કે પુરૂષો કપડાં પણ ધોતા હશે…

પરંતુ બને એટલાં ઓછાં કપડાં ધોવા પડે એટલા માટે પત્નીને મસ્કા મારતા હશે કે ‘ડિયર, તું હંમેશાં ઓછાં કપડાંમાં કેટલી સારી લાગે છે !’

***

એ જ રીતે બાળકોને ઉછેરવાની જવાબદારી પણ પુરુષોની જ હશે…

તો આના માટે પુરુષો બજારમાંથી ‘બાળ ઉછેર’ની નવી સામગ્રી ખરીદી લાવતા હશે, જેમ કે, નવી નવી જાતની ચાબૂકો, ડંડા, સોટીઓ અને ડ્રીલ કરાવવા માટેની સિસોટીઓ !

***

પુરુષો આંદોલનો પણ કરતા હશે. 400-500 પુરુષો ભેગા મળીને સરઘસ કાઢશે :

‘નહાયા વિના જીવવું એ અમારો જન્મસિધ્ધ અધિકાર છે !’

***

અમુક પુરુષો પુરુષો માટેનાં ‘સૌંદર્ય પ્રસાધનો’નો વિરોધ કરતા હશે.

આવા પુરુષો દાઢી વધારી, બગલના અને શરીરના વાળ શેવ કર્યા વિના, ડિઓડ્રન્ટ છાંટ્યા વિના  સડકો ઉપર જાંઘિયાભેર ઉતરી આવશે ! અને ‘જેન્ટ્સ બ્યુટિ-પાર્લરો’ સામે ધરણાં કરશે !

***

અને હા, ઘરખર્ચનો હિસાબ પણ પુરુષો જ રાખતા હશે, તેથી…

છાપામાં સમાચારો આવશે : ‘પાંચ વરસ લગી ઘરખર્ચમાં ગોટાળો કરીને પતિ દસ લાખની મિલકત સાથે ભાગી ગયો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments