બેંગ્લોરની પેલી ‘હરેશા’ નામની યુવતી બિચારી ‘પરેશાં’ થઈ ગઈ છે. સવાલ એના ‘નાકનો’ થઈ પડ્યો છે. પેલા પિઝા ડિલીવરી કરનાર માણસે (કંપનીવાળા એને ‘ડિલીવરી એક્ઝિક્યુટિવ’ કહે છે ! બોલો, એ હિસાબે પિઝા બનાવનારો તો ‘સીઈઓ’ હશે, નહીં ?) એના નાક ઉપર મુક્કો માર્યો કે પછી બહેનની પોતાની વીંટીથી જ નાક દદડતું થઈ ગયું... એ બધી ‘પોલીસ-તપાસ’ ચાલી રહી છે ! સાલું, બેંગલોરની પોલીસને ય કેવા કેવા કેસનું (મતલબ કે નાકનું) ઇન્વેસ્ટીગેશન કરવું પડે છે ?
આમાં ગ્રાહકોના શરીરમાં તો ‘હેરાફેરી’ ફિલ્મના પરેશ રાવલનો આત્મા પ્રવેશે છે! કે 30 મિનિટમાં નહીં મળે તો ફ્રીમાં લઈશ ! સૌથી ખરાબ દશા પેલા ડિલીવરી એક્ઝિક્યુટીવની હોય છે. બિચારાને એક્ઝિક્યુટીવ તો બનાવ્યો છે પણ પહેરવા માટે એક ટાઈ સુધ્ધાં આપતા નથી. ઉપરથી જો ટાઈમસર ડિલીવરી ના થઈ તો રૂપિયા કપાઈ જશે એના ડરમાં દોડી દોડીને બિચારો ‘ટાંઈ-ટાંઈ-ફીશ’ થઈ જતો હોય છે.
એમાં વળી અમદાવાદના રસ્તા જોઈ લો ! જ્યાં ગુગલ મેપ ક્લીયર ભૂરી લીટીવાળો રોડ બતાડતું હોય ત્યાં ગટરનાં મોટાં મોટાં ભૂંગળા પડ્યાં હોય ! બિચારો ફોન કરીને રસ્તો પૂછે તો કહેશે ‘પેલું બળિયાબાપજીનું મંદિર જોયું ? બસ ત્યાં અગાડી આઇને કોઇને બી પૂછજો ને કે બોસ, ચીમનભઇનું ઘર ક્યાં આયું ? છેક આપડા ઘર લગી મુકી જશે, હોં !’
પેલી બાજુ ટી-શર્ટવાળો એક્ઝિક્યુટીવ ચીમનભઈનું પૂછે તો જવાબ ત્રણ જાતના મળે. ‘કયો ચીમન ? ચીમન ચોટલી, ચીમન ચશ્મીશ કે ચીમન ચોર ?’ હવે તમે જ કહો, બિચારો એક્ઝિક્યુટીવ કયા મોઢે ત્રણમાંથી એક ઓપ્શન ‘લોક’ કરે ? કોઇ ભોળિયો વળી ફોન કરીને ડાયરેક્ટ ઘરાકને ઓપ્શન પૂછી બેસે (હેલ્પલાઇન સમજીને) તો એની શી દશા થાય ?
ઉત્તરાયણમાં જો ડિલીવરી કરવાની હોય તો ત્યાં પહોંચ્યા પછી ફોન કરે, ત્યારે જવાબ મળે ‘ધાબા ઉપર આઇ જા, ભઇ !’ એ ધાબા ઉપર પહોંચે ત્યારે મમ્મી ઊંધીયા માટે શક્કરીયું સમારતી હોય, પપ્પો પતંગ ચગાવતો હોય, બાબો લંગસિયા લડાવતો હોય અને બેબી પાપડી ફોલતી ફોલતી સેલ્ફીઓ લેતી હોય ! પિઝાવાળો કહે કે, ‘સાહેબ, ઓર્ડર લઈ લો ને ?’ તો પપ્પો કહેશે, ‘પહેલાં આ ફિરકી પકડ ! પેચ ચાલી રહ્યો છે… જોજે, કપાઇ ના જવો જોઈએ ! નહીં તો પૈસા નહીં આપું !'
આ વખતે ધૂળેટીમાં તમે જોજો. ઓર્ડર આપીને જાણી જોઇને લેટ કરાવવા માટે અમુક બાબુરાવો (હેરાફેરી-ટાઇપ) મોં ઉપર કલર ચોપડીને ખુલેઆમ સંતાકુકડી રમતા ફરશે ! પછી બરોબર 45મી મિનિટે મોઢું ધોઇને પ્રગટ થશે અને ખખડાવવા માંડશે. ‘કેમ અલ્યા, આટલું બધું મોડું શેનું કરે છે ? દેખાતું નથી ? ઓર્ડર કેન્સલ !’
પેલો રડમસ થઇને કહે કે સાહેબ, કેન્સલ ના કરો, મારે પૈસા ભરવા પડશે, તો કહેશે, ‘ચલ, કેન્સલ થયા પછી તું કેટલા રૂપિયામાં આપીશ ? અરે, જોડે ખાવા બેસી જા ને ? તને આપણું ચવાણું બી ખવડાવું ! બોલ, પછી ?’
અમે તો જુના જમાનાના માણસ એટલે પેલા લો-ગાર્ડનના ગુજરાતી – ગળ્યા – પિઝા ખાવા ટેવાયેલા. અમારા હિસાબે તો પિઝામાં બે જ વેરાયટી હોય. એક ઇટાલિયન અને બીજો વેજીટેબલ. આ ઓનલાઇનનું નવું શરૂ થયું ત્યારે વળી અમને ય ચટાકો કરવાનું મન થયું.
ઓર્ડર કરતાં પહેલાં પૂછ્યું કે કેવા કેવા છે ? તો એ જે નામો બોલી ગયો એમાં એક ‘ફાર્મહાઉસ’ પણ હતું !! અમે ચોંકી ગયા. ‘ભઇસા’બ, અમારું તો ટેનામેન્ટ છે, ફાર્મ હાઉસ નહીં પોષાય !’ તો કહે ‘ના ના, આ તો એવું નામ છે.’ અમે કહ્યું ‘એ હિસાબે તો પેન્ટહાઉસ પણ હશે ને ?’
જોકે એ ગુસ્સે ના થયો. આ ઓનલાઇન બિઝનેસોમાં હવે લખ્યા વગરનો નિયમ બની ગયો છે કે વાંક ગરીબોનો જ હોય, પૈસાદારોનો નહીં… વાંક પુરુષોનો જ હોય, મહિલાઓનો નહીં ! આ હિસાબે તમે ગમે તેને ગમે એટલો ખખડાવો બિચારાએ સાંભળી જ લેવું પડે.
આમ જોવા જાવ તો મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા માટે એમને ડિલીવરી એક્ઝિક્યુટિવ તરીકે રાખી તો શકાય, પણ પછી નારીવાદી પ્રોબ્લેમો વધી જવાના ! અળવીતરાઓ પૂછશે ‘બહેન આજે કેટલી ડિલીવરી કરી ? બધી નોર્મલ જ હતી ને ? તમે મારી ડિલીવરી ક્યારે કરશો ? શું આવ્યું ડિલીવરીમાં ?’
બીજું બધું તો ઠીક પણ આવા સમયે અળવીતરા પુરુષોએ પોતાનું નાક સાચવીને રાખવું. પછી કહેતા નહીં કે કીધું નહોતું.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment