કોંગ્રેસીઓ, ગર્વ કરો !

અમારા વ્હાલા ગુજરાતના કોંગ્રેસીઓ ! નિરાશ થવાની સ્હેજ પણ જરૂર નથી. ઉલ્ટું, તમે ચુંટણીનાં પરિણામો દ્વારા ગર્વ લઈ શકાય તેવાં મોટાં મોટાં કામો કર્યા છે ! જુઓ..

***

સેલિબ્રિટી સ્ટેટસ

દિપિકા પદૂકોણ, કરણ જોહર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવી મોટી મોટી સેલિબ્રિટીઓની હરોળમાં હવે કોંગ્રેસ પણ આવી ગઈ છે… ડિપ્રેશનમાં !

***

રાહુલજીને ખોટા પાડ્યા

2014ની હાર પછી રાહુલજી બોલ્યા હતા કે ‘આનાથી ખરાબ શું હોઈ શકે ? મતલબ કે હવે જે કંઈ થશે તે આનાથી સારું જ હશે..’

હવે જુઓ, આપણે રાહુલજીને ખોટા સાબિત કરી દીધા ને ! 2021એ 2014ને ‘સારું’ કહેવડાવ્યું !

***

બલિદાન

રાહુલજી કહેતા હોય છે કે ‘મારા પિતાજીએ અને મારાં નાનીએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. દેશ એ બલિદાનને કદી નહીં ભૂલે…’

અહીં આપણે ગુજરાત માટે કોંગ્રેસનું બલિદાન આપ્યું છે ! યાદ રાખજો, ગુજરાત આ બલિદાનને પણ કદી નહીં ભૂલે…

***

ત્યાગ

છેલ્લા 70 વરસથી આપણી જે કિલ્લા જેવી લઘુમતી વોટ-બેન્ક હતી તેનો આપણે ત્યાગ કરીને ‘આપ’ તથા ઓવૈસીની પાર્ટીની દાનમાં આપી દીધી છે ! બોલો, રાજકારણમાં આટલી ઊંચી ત્યાગની ભાવના ક્યાંય જોવા મળે ખરી ?

***

શુધ્ધતા

મિડીયાવાળા ભલે ‘સફાયો… સફાયો…’ બોલ્યા કરે પણ આપણે માટે આ માત્ર સ્વચ્છતા અભિયાન જ નહીં, બલ્કે ‘શુધ્ધિ’ની શોધ છે ! હવે આપણાં સૂપડાં જ નહીં, ઘંટી, આટો, દાણા અને આખેઆખાં ખેતરો ‘સાફ’ થઈ જવાનાં છે !

***

શ્રધ્ધા

હજી જેને કોંગ્રેસમાં શ્રધ્ધા છે તેમને જોજો.. એ લોકો થોડા જ દિવસમાં ‘શ્રધ્ધાંજલિ’ની સભા પણ રાખશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments