એક ઇન્સ્ટીટ્યૂટમાં ફિલ્મ એપ્રિસિએશનના કોર્સ વખતે એક હિન્દી ફિલ્મનું સ્ક્રીનીંગ ચાલી રહ્યું હતું. એમાં ગાયન આવતાંની સાથે જ એક વિદેશી સ્ટુડન્ટે કંઈક વિચિત્ર કોમેન્ટ કરીને આજુબાજુના સ્ટુડન્ટોને હસાવવાની કોશિશ કરી.
એ જ વખતે મારે સ્ક્રીનિંગ અટકાવીને કહેવું પડ્યું કે ‘શું તમે જાણો છો કે અમારે દેશની ફિલ્મોમાં આટલાં બધાં ગીતો શા માટે હોય છે ?
કારણ કે અમારી જિંદગીમાં પણ જ્યાં જુઓ ત્યાં ગીતો છે. હજી બાળકનો જન્મ થાય એ પહેલાં ગોદ-ભરાઈ અથવા ખોળો ભરાવવાની રસમ વખતે મહિલાઓ ગીત ગાય છે. જન્મ થયા પછી છઠ્ઠીનું દૂધ પીવડાવતાં ગીતો ગવાય છે. લગ્ન તો અમારે ત્યાં માત્ર ગાવાનો નહીં નાચ અને ગાનાનો ભવ્ય પ્રસંગ હોય છે જેમાં એક એક વિધિના ગીતો હોય છે. પીઠી ચોળવાથી લઈને કન્યાની વિદાય સુધી ! અરે, માણસ મરી જાય પછી પણ અમુક કોમોમાં મરશિયાં ગવાય છે અને બીજી તમામ કોમોમાં ભજન તો થાય જ છે…’
‘જો આટલી હદે ગીતો અમારી જિંદગીમાં વણાઇ ગયાં હોય તો અમારી ફિલ્મોમાં ગીતો શા માટે ના હોય ?
અહીં દરેક દરેક તહેવાર વખતે ગીતો ગવાય છે. હોળી આવવાના પંદર દિવસ પહેલાંથી રાજસ્થાનમાં નૃત્ય અને ગીતોની રમઝટ જામે છે. પંજાબમાં લોઢી નામના તહેવારોમાં ગામડે ગામડે ગીતો ગવાય છે. દક્ષિણ ભારતમાં ઓણમ્ ગીતો ગાઈને ઉજવાય છે. ગુજરાતમાં નવરાત્રિ નામનો એક તહેવાર સળંગ નવ રાતો સુધી ચાલે છે જ્યાં બાળકોથી લઈને વૃધ્ધો સુધીના તમામ લોકો ગરબાના તાલે નાચે અને ગાય છે.
અહીં સવાર સાંજ મંદિરોમાં આરતી અને પ્રાર્થના ‘ગવાય’ છે. અહીં માછીમારોનાં ગીતો છે, હોડી ચલાવતા માઝી (નાવિકો) ગીતો ગાય છે, વણાટ કામ કરતાં વણકરો ગીતો ગાય છે, પથ્થર તોડતા મજુરો પણ ગીતો ગાય છે !
આખા દેશમાં વાર તહેવારે ભજનો થતાં જ રહે છે. ઉત્તર ભારતમાં જગરાતા વખતે આખી રાત ભજનમંડળી ભજન ગાય છે, યાત્રાળુઓ ચાલતા ચાલતા સંઘ લઇને નીકળે ત્યારે ગાતા હોય છે. આ તો પરંપરાની વાત થઈ મારા સાહેબો, આજના વર્તમાન ભારતમાં અમારા ટ્રક ડ્રાઈવરો સતત ગાયનો વગાડતા રહે છે, મુંબઈની લોકલ ટ્રેનોમાં તો અમુક ડબ્બાઓમાં મુસાફરો ગાયનો ગાતાં ગાતાં નોકરી કરવા જાય છે !
ગુજરાતમાં ગરબા માત્ર નવરાત્રિમાં જ નહીં હવે તો લગભગ દરેક પ્રસંગે ગવાય છે. ધૂળેટીમાં ડીજે વાગે છે. ઉત્તરાયણ વખતે આખું શહેર સ્પીકરોમાં વાગતા ગાયનોથી ધમધમે છે. અંતાક્ષરી નામની એક રમત છે જેમાં એક પછી એક ગાયનોની બેતબાજી જામે છે.
મસ્જિદોમાં, દરગાહો ઉપર સૂફી કવ્વાલીઓ ચાલતી રહે છે. કોલેજનાં કોઈ યુવક-યુવતી નવરાં પડે તો કાનમાં ઇયર પ્લગ ખોસીને ગાયનો સાંભળતા હોય છે. અહીં અમારી જિંદગીમાં જ્યાં જુઓ ત્યાં ગાયનો જ ગાયનો છે તો અમારી ફિલ્મોમાં ગાયનો કેમ ના હોય ?’
મારા આ ટુંકા ભાષણ પછી એ વિદેશી યુવાન તો ચૂપ થઈ ગયો પરંતુ હજી આપણા દેશમાં કંઇ કરોડો એવા ગુલામી માનસ ધરાવતા લોકો છે જેમને આપણી ‘દેશી’ ફિલ્મોનાં ‘દેશી’ ગાયનો બહુ સ્ટુપિડ લાગે છે !
હકીકતમાં તો આખી દુનિયામાં ભારતીય ફિલ્મોની જે સ્ટોરી-ટેલિંગની આર્ટ છે એવી બીજે ક્યાંય નથી. હોલીવૂડમાં તો વરસે માંડ એકાદ ગીતોભરી કહાણીવાળી ફિલ્મ બને છે. એને તેઓ ‘મ્યુઝિકલ’ કહે છે. જ્યારે અહીં તો તમામ ફિલ્મો ‘મ્યુઝિકલ’ છે ભાઇ ! એ જ તો ઇન્ડિયન ફિલ્મોની ખાસિયત છે !
એક તો વિદેશીઓનું (ખાસ કરીને હોલીવૂડનું) પ્રચારતંત્ર એટલું જબરું છે કે સતત બીજા દેશોનું બ્રેઇન વોશિંગ કરતું જ રહે છે. ઉપરથી આપણને કદી આપણી પોતાની કલાઓની કે પરંપરાઓની કદર જ કરતાં આવડી નથી.
અધૂરામાં પુરું અંગ્રેજીમાં જ બોલતા અને લખતા વિવેચકોએ આપણી ફિલ્મોની સતત ઠેકડી જ ઉડાડે રાખી. હજી પણ આપણે ત્યાં એવા સક્ષમ અને સમજદાર વિવેચકો નથી જે વિદેશીઓને ‘એમની ભાષામાં’ સમજાવી શકે કે સાહેબો, આ છેલ્લા 100 વરસથી ચાલી રહેલી એક અદ્ભૂત અનોખી અને બેજોડ ઇન્ડિયન કથનશૈલી (સ્ટોરી ટેલિંગ આર્ટ) છે !
હદ તો ત્યાં થાય છે કે ભારતની જ ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટોમાં ભણાવતા પ્રોફેસરોને ભારતીય ફિલ્મો વિશે કોઈ જાતનો ઊંડો અભ્યાસ નથી. અમુક કહેવાતી વિખ્યાત ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટોમાં તો ભારતીય ફિલ્મોનો ઇતિહાસ સુધ્ધાં ભણાવતા નથી ! જય હો !
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
મને પોતાને આજે ખબર પડી કે આપણી સંસ્કૃતિ આટલા બધા ગીતોથી ભરેલી પડી છે.ખૂબ સરસ લેખ છે આજનો. અભિનંદન...
ReplyDeleteજી મોદી સાહેબ ! વળી આ કંઈ ભૂતકાળમાં ભૂંસાઈ ગયેલી સંસ્કૃતિ નથી. એટલું જ નહીં, ભારતીય ફિલ્મો પણ ભારતની જીવંત સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. કંઈ કેટલાય ફિલ્મી ગીતો દરેકની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક વણાઈ ચૂક્યાં છે.
ReplyDeleteReally wery good
ReplyDeleteThank you so much !
ReplyDelete