કોરોનાની હેપ્પી બર્થડે વિધિ !

ભારતમાં કોરોનાને એક વરસ થઈ ગયું ! આપણે એની બર્થ-ડે તો ઉજવવી જોઇએ ને ? તો, લો આ રહી એની પરફેક્ટ વિધિ…

***

સામગ્રી :

માસ્ક, સેનિટાઇઝર, સાબુ, સાવરણી, પોતું, આડણી વેલણ, લોટ, શાકભાજી, લેપ-ટોપ, બર્મુડા, ટી-શર્ટ, મોબાઇલ, થાળી, દીવો, દિવેટ, રૂ, માચિસ વગેરે.

***

વિધિ :

સૌથી પહેલાં થાળી વગાડીને કોરોનાનું આવાહ્‌ન કરો. થાળી વગાડવા માટે ધાબા ઉપર પણ જઈ શકાય.

***

ત્યાર બાદ, સાબુ વડે હાથ ધોઈને, સેનિટાઇઝર વડે આખા ઘરને સ્વચ્છ કરીને, સાવરણી વડે કચરો વાળીને તથા પોતા વડે પોતું કરીને (આ વિધિ ખાસ પતિએ જ કરવાની છે) સૌએ માસ્ક પહેરી લેવું.

***

માસ્ક પહેર્યા પછી આંખો બંધ કરીને બે હાથ જોડીને મનમાં ને મનમાં આવડતી હોય એવી બે ‘શ્રેષ્ઠ ગાળો’ ચાઇનાને દઇને વિધિ શરૂ કરવી.

***

હવે બર્મુડા ટી-શર્ટ પહેરીને લેપ-ટોપ સામે બેસીને ભગવાનનો આભાર માનો કે તમને તમારા ઓફિસના બોસથી છ-છ મહિના દૂર રહેવાનું તથા ઘરના અસલી બોસ સાથે રહીને નવું નવું શીખવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું છે !

***

હવે ઘરના બોસની નિગરાણીમાં કીચનમાં જઈને લોટ બાંધો, રોટલી વણો, ગેસ ઉપર શેકો અને યથાશક્તિ સમારેલા શાક સહિતની થાળી બનાવી સમગ્ર થાળને લેપ-ટોપ અથવા મોબાઇલ સામે ધરીને કોરોનાની આરતી ઉતારો.

***

કોરોનાની આરતી (આ જ હેપ્પી-બર્થ-ડેનું ગીત છે) મોબાઇલના જુના મેસેજોમાંથી શોધીને તે ગાતાં ગાતાં સેલ્ફીઓ લો, વિડીયો ઉતારો અને ફેસબુકમાં પોસ્ટ કરો.

***

હવે રાતના નવ વાગીને નવ મિનિટે નવ દીવા સળગાવીને પૂછો કે હે કોરોના, ગયા વખતે આ વિધિ કરી હતી એમાં અમારી શું ભૂલ રહી ગઈ હતી ?

***

છેવટે રાતે બાર વાગે ઘરની બહાર નીકળો, પોલીસના બે ડંડા ખાઓ (કેકને બદલે) અને પાછા ઘરમાં આવીને સૂઈ જાવ ! હેપ્પી-બર્થ-ડે-કોરોના !

***

- મન્નુ શેખચલ્લી

Comments