શંકર જયકિશન પણ ઉઠાંતરીબાજ હતા ?

ઉઠાંતરી કોને કહેવાય? નકલ એટલે શું ? સરસ મઝાના શાકમાં પાડોશીને ત્યાંથી લાવેલી ડુંગળી સમારીને નાખી હોય એને ચોરી કહેવાય ? કે પડોશીની દાળનું આખેઆખું તપેલું લાવીને એમાં ઘરનો વઘાર કરીને કડછો હલાવ્યે રાખો એને ચોરી કહેવાય ?

એક તો આપણા દેશી લોકોની ‘મથરાવટી જ મેલી’ એવું માનનારા અને લઘુતાગ્રંથિથી પીડાતા ગુલામી માનસવાળા લોકોનો જ્યાં પાર નથી ત્યાં ‘એમનું ધોળું એટલે સિલ્વર’ અને ‘આપણું ધોળું એટલે ચૂનો’ એવું જ ચાલતું રહે છે. વરસો પહેલાં મોબાઈલમાં અમેરિકન ગાયક / અભિનેતા એલ્વિસ પ્રિસ્ટલીના એક ગાયનનો વિડીયો ફરતો હતો. ગાયન હતું ‘માર્ગરિટા...' એ સાંભળતાંની સાથે કોઈપણ સ્વાદ-રસિયાને યાદ આવી જાય કે અરે, આ તો ‘ઝુક ગયા આસમાન’વાળી જ વાનગી ! ‘કૌન હૈ જો સપનોં મેં આયા…’

અમે આ ગીત એક મિત્રને ફોરવર્ડ કર્યું તો સામેથી જવાબ આવ્યો ‘(ગાળ) શંકર જયકિશન ચોર છે !’ અરેરે ? જિસ કી થાલી મેં ઉંગલી ચાટ ચાટ કે ખાયા ઉસી મેં થૂક દિયા ? ભલભલા અંબાણીઓનાં લગ્નોમાં બુફે-ડિનરોમાં જેટલી વાનગીની વરાયટીઓ હોય એનાથી અનેકગણી લિજ્જતો જેણે આપણને કરાવી છે એ શંકર-જયકિશન હવે ચોર ? યે નમકહરામી હમેં મંજુર ના થી…

એટલે અમે જરા રસોડાંની તલાશી ચાલુ કરી. (રસોડે મેં કૌન થા?) તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એલ્વિસે જેટલાં ગાયનો ગાયાં છે એના કરતાં વધારે તો શંકર જયકીશને ફિલ્મો આપી છે ! લગભગ 175 ફિલ્મો ! હવે ઘઉં-ચોખા-દાળ તથા રીંગણાં-બટાકા-ટમેટાં વગેરે ઉપરાંત ધાણા-જીરુ-ગરમ મસાલા વગેરેનો પણ સરવાળો માંડો તો સમજાય કે અસલી જિનિયસો કોણ હતા !

ભાઈ, 175 ફિલ્મોમાં દરેક ફિલ્મનાં મિનિમમ છ ગાયનો ગણો તોય ટોટલ 1050 ગાયનો થયાં ! વળી, આ કંઈ અમેરિકન હોટ ડોગ જેવી વાનગી નથી કે લો, લાંબા પાંઉમાં પેલું ચિકન-ટિક્કી જેવું વેલણ ખોસીને ઉપર સોસની પિચકારી મારી દો એટલે પતી જાય ! અહીં તો હિન્દી ફિલ્મનું એક એક ગાયન ગુજરાતી થાળી જેવું હોય છે. એમાં મુખડું હોય, અંતરો હોય, બે કે ત્રણ ઇન્ટરલ્યુડ મ્યુઝિકની ધૂન બનાવવી પડે અને ક્યારેક તો ગીતની પહેલાં અનોખી પહેચાન ધરાવતું ઇન્ટ્રો મ્યુઝિક પણ હોય ! એમ સમજોને કે એક ગાયન બનાવતાં તમારે મિનિમમ ચાર (ગાઈ-ગણગણી શકાય એવી) ધૂનો બનાવવી પડે.

વેસ્ટર્ન મ્યુઝિકમાં એવું નથી. એમાં સાદા ઢોંસાની જેમ એક મુખડું અને એક અંતરો ત્રણ વાર ગાઈ નાંખો એટલે રેકોર્ડિંગ પતી જાય ! (સંભાર એકસ્ટ્રા મળશે નહીં !)

વળી, ત્યાંના ગાયકોનાં પાંચ સાત ગાયનો હિટ થાય એટલે ‘ટુર’ કરવા નીકળી પડે. એમના ઘેલસઘરા ચાહકો સાંભળે ઓછું અને ચિચિયારીઓ વધારે પાડે ! જ્યારે અહીં આપણા SS, LP, SD, RD કે KA વગેરેએ દરેક ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ભરવાનું અને ટાઇટલ મ્યુઝિક પણ બનાવવાનું ! આમાં ‘દે દામોદર દાળમાં પાણી’ જેવું ના ચાલે ! ફૂલ ઓરકેસ્ટ્રા સાથે બધી જ ધૂનો (અનેક રિહર્સલો કર્યા પછી) રેકોર્ડ કરાવવી પડે.

એમાંય, જો અમુક રસિયાઓને યાદ હોય તો શંકર જયકીશનની જે લા-જવાબ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની ધૂનો હતી તે યાદ રાખીને રાજકપૂરે આગળ જતાં આખેઆખાં ગાયનો બનાવડાવ્યાં હતાં. (એ સિવાય ‘આમ્રપાલી’નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો બેમિસાલ છે.)

હવે કહો, આવડું મોટું રસોડું (અંગ્રેજીમાં Body of Work કહેવાય, સાહેબો ! ) ચલાવનારાઓ પાડોશીને ત્યાંથી બે અમેરિકન મકાઈ ડોડા લઈ આવ્યા તો તે ‘ચોર’ ગણાય ?

ઇન્ડિયામાં ‘સફળ’ ફિલ્મ સંગીતકાર બનવું એ કંઈ ખાવાના ખેલ નથી. અમેરિકાની લેડી ગાગા હોય તો એણે પોતાનાં સાડા સત્તર ગાયનો જ ‘ગાગા’ કરવાનાં હોય છે. બાકીનું કામ એના મિડિયા મેનેજરો ‘સ્કેન્ડલો’ અને ‘હાઇપ’ ચગાવીને ચલાવતા હોય છે. જ્યારે અહીં આપણી પાસે શંકર જયકીશન જેવા વર્લ્ડ-ક્લાસ કહી શકાય તેવા (સોરી ‘કહી શકાય’ નહીં, ‘છે જ’) સંગીતકારોને બે જ મિનિટમાં ચોર કહીને ઉતારી પાડતાં આપણને સ્હેજ પણ શરમ આવતી નથી.

મૂળ શું છે, ભલભલા અબજપતિને ત્યાં ફક્ત 101નો ચાંલ્લો લખાવ્યા છતાં, 32 જાતનાં ભોજન ખાઈને છેલ્લે મોંમાં મફતનું પાન પધરાવીને, પેટ ઉપર હાથ ફેરવતાં એમ જ કહેવાની આદત ખરીને કે... ‘યાર, પેલા સમોસા જરા વાસી નહોતા લાગતા ?’

છતાં, સવાલ તો તમારા મનમાં પણ હશે જ કે ભઇ, આજકાલના પ્રીતમ અને અગાઉના આરડી બર્મને ડઝનબંધ ગાયનો ‘ઉઠાવ્યાં’ જ છે ને ? તો મિત્રો, એની પંચાત પણ આવતા સોમવારે કરીશું કે... ‘ચોરી’ કોને કહેવાય અને ‘પ્રેરણા’ એટલે શું ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Does anyone know earliest copied music in Bollywood?

    I think Ghar Aay Mera Pardesi should be the one. Before that, all composers lacked courage to do such a thing.

    https://www.parrikar.org/music/bhairavi/ummkulthum.mp3

    ReplyDelete
  2. I can't exactly reply to this question but you should wait for the next articles on next Mondays. ( Yes there are three more on this topic !)

    ReplyDelete
  3. મસ્ત. જલસો પડ્યો.

    ReplyDelete
  4. થેન્ક યુ દિપક ભાઈ !

    ReplyDelete

Post a Comment