સ્ટેડિયમના નામ વિશે...

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ રાખ્યું છે એમાં તો અમુક લોકોનાં મોં મચકોડાઈ ગયાં છે !


અમે તો કહીએ છીએ કે ભાઈ, માત્ર સ્ટેડિયમનું જ નહીં, એ સિવાય પણ અહીં બીજા નામો ‘સાહેબ’ની પર્સનાલિટીને સૂટ થાય એ રીતે રાખવાં જોઈએ ! જેમ કે…

***

માસ્ટર-સ્ટ્રોક

બાઉન્ડ્રી અને સિક્સર તો છે જ પરંતુ જ્યારે કોઈ ખેલાડી બોલને ફટકારીને સીધો કોમેન્ટ્રી બોક્સમાં પહોંચાડીને માઇક તોડી નાંખે, જેથી કોમેન્ટેટરોની (ટીકાકારોની) બોલતી જ બંધ થઈ જાય…

- તો એને ‘માસ્ટર-સ્ટ્રોક’ કહેવામાં આવશે.

***

જુમલો

ટોટલ સ્કોરનું અસલી ગુજરાતી ભાષાંતર તો ‘જુમલો’ જ હતું ! હવે જ્યાં સ્ટેડિયમનું નામ સાહેબના નામથી છે તો જુમલો પણ નવો બનશે ને ?

દાખલા તરીકે અહીં ક્રિકેટ રમવાનો મતલબ છે ‘ટ્રિપલ એસ…’
S = સ્કોર, S = શોર અને S = શો-બાજી !

***

સૂપડાં સાફ

આફતને અવસરમાં પલટી નાંખવામાં સાહેબની માસ્ટરી છે. એમની બીજી માસ્ટરી વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાંખવામાં છે.

અહીં સ્ટેડિયમમાં જો વરસાદ પડે તો માત્ર 30 મિનિટમાં મેદાનને કોરું કરી નાંખવાની જે સિસ્ટમ છે, એનું નામ અમારા હિસાબે ‘સૂપડાંસાફ’ સિસ્ટમ રાખવું જોઈએ !

(‘અમિત શાહ સૂપડાં સાફ સિસ્ટમ’ એવું પણ રાખી શકાય.)

***

આ સિવાય ભાજપની ભવ્ય પરંપરા મુજબ અમુક નામો બદલવાં જેવાં છે. જેમ કે..

ટીમ = સંઘ

ગ્રાઉન્ડ = રણભૂમિ

પેવેલિયન = છાવણી

પ્રેક્ષકો = જનાદેશ

હેલ્મેટ, પેડ, ગ્લોવ્ઝ = સુરક્ષા કવચ

કોમેન્ટેટરો = ટિપ્પણીજીવી

અંપાયરો = એક્શન-રિપ્લે-જીવી

***

- મન્નુ શેખચલ્લી

Comments