આ તો એક વાત છે !

રાહુલ ગાંધીએ મોટેરા સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ રાખવા સામે વિરોધ જાહેર કર્યો છે. બોલો.


- અમે શું કહીએ છીએ કે, બે ચાર બાલમંદિરોનાં નામ રાહુલજીના નામે પાડી દો ને ?

… આ તો એક વાત છે !

***

મુકેશ અંબાણીના ઘર સામે એક કારમાં બોમ્બ હતો. સાથે ચીઠ્ઠી હતી કે આ તો એક ચેતવણી છે. બોલો.

- એ તો બરોબર, પણ યાર, જો બોમ્બ ફૂટી ગયો હોત તો ચીઠ્ઠી સળગી ના ગઈ હોત ?

… આ તો એક વાત છે !

***

અમદાવાદની પાંચ દિવસની મેચ બે દિવસમાં પતી ગઈ. હવે પ્રેક્ષકો બાકીના ત્રણ દિવસના પૈસા પાછા માગે છે બોલો.

- એમ તો ભ’ઈ, કોર્પોરેશનની ચૂંટણીમાં રિઝલ્ટો પણ 40 ટકા વોટમાં જ આવી ગયાં. એટલે શું કોંગ્રેસીઓને એમની ડિપોઝિટો પાછી આપી દેવાની ?

… ના ના, … આ તો એક વાત છે !

***

મોદીજી કહે છે કે જુઠું બોલવામાં કોંગ્રેસ તો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે. બોલો.

- જો એમ જ હોય તો હવે કોંગ્રેસે ‘એવોર્ડ વાપસી’ કરી દેવી જોઈએ !

…. ના, આ તો શું, એક વાત છે !

***

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે કે પેટ્રોલ ડિઝલના ભાવો તો એક ‘ધર્મસંકટ’ છે. બોલો.

- અચ્છા… હવે ખબર પડી કે કોંગ્રેસના રાજમાં પેટ્રોલ ડિઝલના ભાવ આટલા કેમ નહોતા ! કેમકે એમની સરકાર તો ‘ધર્મનિરપેક્ષ’ હતી ને ?

- ના ના, આ તો –

***

ગઈકાલે અમદાવાદ શહેરનો 610મો જન્મદિવસ હતો. બોલો.

- છતાં કોઈએ પાર્ટી આપી ? અરે 610 મીણબત્તીવાળી કેક પણ કોઈએ ઓર્ડર કરી ખરી ?

… ના ના, આ તો એક વાત થાય છે ! કમ સે કમ બધાને એક એક પેંડો તો મળવો જોઈએ ને ?

***

- મન્નુ શેખચલ્લી

Comments