જ્યારે પેટ્રોલ ખરેખર મોંઘું લાગશે !

પેટ્રોલના ભાવ આસમાને જઈ રહ્યા છે ત્યારે આપણે જાત-જાતની જોક્સ ફોરવર્ડ કરીને હસી લઇએ છીએ પરંતુ જ્યારે ખરેખર પેટ્રોલ-ડિઝલના ભાવ લોકોને મોંઘા પડવા લાગશે ત્યારે શું ?


***

જો રસ્તા ઉપર વાહનો કરતાં ચાલનારાની સંખ્યા વધારે દેખાય…

- તો સમજવું કે પેટ્રોલ ખરેખર મોંઘું છે.

***

જો કોઈને લિફ્ટ આપવી એ ‘દયા-ધર્મ’નું કામ ગણાતું થઈ જાય…

- તો માનવું કે પેટ્રોલ ખરેખર મોંઘું છે.

***

જો સરકાર ચૂંટણી જીવતા માટે સ્કુટર ઉપર ચાર સવારી અને રીક્ષામાં આઠ સવારી ‘ઓફિશીયલ’ કરી નાંખે…

- તો માનવું કે પેટ્રોલ ખરેખર મોંઘું છે.

***

જો ચૂંટણીની આગલી રાત્રે શહેરના પોશ વિસ્તારમાં ઘેર ઘેર ફરીને પાંચ પાંચ લિટર પેટ્રોલ (દારૂની જેમ) વહેંચાતુ થઈ જાય…

- તો માનવું કે પેટ્રોલ ખરેખર મોંઘું છે.

***

જો આંદોલનજીવીઓ વિરોધ કરવા માટે પૂતળાં તો લાવે પણ તેને સળગાવે જ નહીં…

- તો માનવું કે…

***

જો ATMમાંથી રૂપિયા ચોરી લેતી ગેંગ પેટ્રોલ પંપ તોડીને પેટ્રોલ ચોરતી થઈ જાય….

- તો માનવું કે…

***

અરે, પેટ્રોલ વડે ચાલતાં સિગારેટ લાઈટરો વાપરવાને બદલે ફિલ્મી હીરો-હીરોઇનો જ્યારે ખુલેઆમ પાર્ટીઓમાં પણ માચીસ અને દિવાસળી વડે સિગારેટ સળગાવતાં દેખાય…

- તો ખરેખર માનવું કે…

***

...અને વિરોધપક્ષના નેતા નહીં, પણ સરકારના મિનિસ્ટરો જ્યારે ‘બચત’ કરવા માટે બળદગાડામાં બેસીને સચિવાલયમાં આવી રહ્યા હોય તેવા ફોટા પડાવવા લાગે…

- તો જ માનવું કે પેટ્રોલ-ડિઝલ હવે ખરેખર મોંઘું થઈ ગયું છે !

***

બાકી, નીતા અંબાણી શાક લેવા માટે સાઈકલ લઈને નીકળ્યા હોય...

એવા ફોટા કદી જોવા નહીં મળે ! શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

Comments