શંકર જયકિશનની જોડી શી રીતે બની ?

(ગયા સપ્તાહથી આગળ)

શંકર જયકીશનની જોડીવાળા શંકરને યુવાનવયે જ સંગીતનું ઘેલું લાગી ચૂક્યું હતું. વળી પોતે શંકર ભગવાનના ભક્ત હતા. હૈદરાબાદમાં એક શિવ મંદિરે બેસીને સતત સંગીતનો રિયાઝ કરવામાં એવા મગ્ન થઈ જતા કે ક્યારેક તેમની માતાએ રાતનું ભોજન લઈને મંદિરે આવવું પડતું હતું.

હૈદરાબાદમાં ઉછરેલા આ શંકર આખરે મુંબઈ શી રીતે પહોંચ્યા અને જયકીશન સાથેની એમની અતૂટ જોડી શી રીતે બની ? બન્યું એવું કે 1944ની આસપાસ હૈદરાબાદમાં અભિનેત્રી હેમાવતી અને નૃત્યકાર સત્યનારાયણે એક નાટકમંડળીની સ્થાપના કરી. (એ સમયે ગીત સંગીત અને નૃત્યથી ભરપૂર નાટકોની બોલબાલા હતી.) એમને એક તબલચીની જરૂર હતી. અકસ્માતે એમને શંકરનો ભેટો થઈ ગયો. અહીંથી શંકરની સાચા અર્થમાં ‘યાત્રા’ શરૂ થઈ.

પહેલવાની શીખેલા શંકરે કથ્થક નૃત્ય પણ શીખી લીધું. જોકે મંડળી વધુ સમય ટકી નહીં. હેમાવતી અને સત્યનારાયણે મુંબઈ જઈને પૃથ્વી થિયેટરમાં જોડાવાનું નક્કી કર્યું. શંકર પણ તેમની સાથે મુંબઈ આવી પહોંચ્યા.

આ પૃથ્વી થિયેટર એટલે અત્યારે મુંબઈમાં જે 'મોંઘા અને અઘરાં' નાટકો માટેનું ઓડિટોરિયમ છે તે નહીં, આ તો પૃથ્વીરાજ કપૂરની પોતાની નાટક મંડળી હતી. ખુદ પૃથ્વીરાજ હિન્દી ફિલ્મોમાં હીરો તરીકે જાણીતા હતા. (એ સમયે તે શમ્મીકપૂરની કસરતી આવૃતિ, યાને કે શમ્મીકપૂર માઈનસ ફાંદ-ચરબી જેવા સુપર-હેન્ડસમ હતા. ’૪૦ના જમાનામાં જ્યારે લગભગ તમામ ફિલ્મી અભિનેતાઓ નાકમાંથી ગૂંગણા અવાજે બોલતા, બૈરાં જેવા લટકા મટકા કરતા, ત્યારે પૃથ્વીજી તદ્દન સ્વાભાવિક અભિનય કરતા હતા.) છતાં પૃથ્વીરાજ કપૂરને નાટકનું ભારે પેશન હતું. એમની 40-50 સભ્યોની નાટક મંડળી લગભગ આખા ઉત્તર ભારતનાં શહેરો તથા ટાઉન્સમાં ઐતિહાસિક, પૌરાણિક તથા જાણીતી પ્રેમકહાણીઓ ઉપર આધારિત નાટકો ભજવતી.

હેમાવતી અને સત્યનારાયણ સાથે શંકર અહીં પૃથ્વી થિયેટરમાં પહોંચ્યા. તે વખતે થિયેટરનો સંગીત વિભાગ ફિલ્મના સંગીતકાર રામ ગાંગૂલી સંભાળતા હતા. એમને શંકરનું (પહેલવાની વિનાનું છતાં પાવરફૂલ) તબલાવાદન પસંદ પડી ગયું. શંકર અહીં માસિક 75ના પગારે જોડાઈ ગયા.

અહીં રહ્યે રહ્યે શંકર સિતાર, વાયોલન, સારંગી વગેરે શીખી ગયા. એક ગુજરાતી લોજમાં રહેવાનું અને સાથે સાથે ફિલ્મોનાં ગાયનો રેકોર્ડ થતાં હોય તેમાં જોવા-શીખવા તથા તબલાં વગાડવાનું પણ મળે ! હરફનમૌલા જેવા શંકરની લાઈફ મસ્ત બની ગઈ હતી. એમના ગઠીલા શરીર અને તીખા સ્વભાવને કારણે પૃથ્વી થિયેટરમાં એમનું હુલામણું નામ ‘ગેંડા મહારાજ’ પડી ગયું હતું.

બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વાંસદા નામના નાનકડા ગામમાં જન્મેલા જયકિશનની કહાણીમાં કરુણરસ ભર્યો છે. પિતાજી માંદગીમાં મૃત્યુ પામ્યા. મોટાભાઈ પણ ભજન ગાતા, તે પણ બિમારીમાં ગયા. આવા સમયે જયકીશનને મુંબઈમાં પોતાની મોટી બહેનને ત્યાં રહીને નોકરી શોધવાનો વારો આવ્યો. એક બોબિન બનાવતી ફેકટરીમાં નોકરી પણ મળી ખરી. પરંતુ માસૂમ જયકીશનનો જીવ તો સંગીતમાં જ ! ફિલ્મોના સંગીતની દુનિયાથી આકર્ષાયેલો જયકીશન મુંબઈમાં ફિલ્મ સ્ટુડીયોઝમાં ઘૂસવા આંટાફેરા કરતો. માંડ માંડ અંદર જવા તો મળે પણ ઓળખે કોને ? દરમ્યાનમાં જયકીશને શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લઈ લીધી હતી.

આવા આંટાફેરા દરમ્યાન જાણવા મળ્યું કે જાણીતા ગુજરાતી નાટ્યકાર ચંદ્રવદન ભટ્ટ નવી ફિલ્મ બનાવવાના છે. આથી તેણે ભટ્ટ સાહેબની ઓફિસે વારંવાર જવા માંડ્યુ. બીજી બાજુ પેલા તબલા-માસ્ટર શંકર તો ઓલરેડી આ દુનિયામાં આવી ચૂક્યા હતા. ચંદ્રવદન ભટ્ટે શંકરને કહી રાખેલું કે હું જો ફિલ્મ બનાવીશ તો તેનું સંગીત તને આપીશ.

હવે સંજોગો જુઓ, ચંદ્રવદન ભટ્ટની ઓફિસે આ બન્ને જુવાનિયા એકવાર રાહ જોતા બેઠા હતા. શરમાળ જયકીશન સાવ ચૂપચાપ અને ઉદાસ હતા. ભડભડીયા શંકર ઊંચાનીચા થતા હતા કે આ છોકરો કેવો છે ? ક્યારનો મુંગોમુંગો બેઠો છે, મારી સાથે વાત પણ નથી કરતો ?

છેવટે શંકરે જ અંતર તોડ્યું અને બન્ને વચ્ચે જે સંગીતની વાતો ચાલી… એમાં પેલી યશરાજ ફિલ્મસની ટેગ-લાઈન છે ને, કે ‘જોડિયાં ઉપર સે બનકર આતી હૈ’, એવું જ કંઈક થયું !

(ક્રમશઃ)

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment