ભલભલા વૈજ્ઞાનિકોએ ભલભલી શોધ કરી નાંખી હશે પરંતુ પત્નીનો સ્વભાવ બદલવાની શોધ હજી સુધી કોઈ કરી શક્યું નથી ! જરા કલ્પના કરો, વિષ્વના જિનિયસ સંશોધકોની પત્નીઓ તેમને શું કહેતી હશે ?
***
થોમસ આલ્વા એડિસનની પત્ની
‘બસ બસ, ખબર છે તમે વીજળીથી ચાલતા ગોળાની શોધ કરી છે તે ! હવે એને હોલવી નાંખો અને પથારીમાં આવો. મને ઊંઘ આવે છે.’
***
આર્કીમિડિઝની પત્ની
‘તમને જરાય શરમ આવે છે ? કપડાં વિના ભીના શરીરે ગલીમાં દોડતાં પહેલાં મારો તો સ્હેજ વિચાર કરવો હતો ? અને પેલી ‘યુરેકા’ કોણ છે ?’
***
કોલંબસની પત્ની
‘ક્યાં ક્યાં રખડો છો ? મને તો ઇન્ડિયા જઉં છું એમ કહીને નીકળ્યા હતા અને પછી અમેરિકામાં રખડતા હતા !’
***
આઇન્સ્ટાઈનની પત્ની
‘આ તમારા વાળનું કંઈ કરો ભૈશાબ ! કાં તો કપાવી નાંખો કાં તો ચોટલી બાંધવાનું રાખો ! અને શેમ્પુ તો કરો ? આખા ઘરમાં ડેન્ડ્રફ ખરે છે !’
***
ઝુકરબર્ગની પત્ની
‘ખબરદાર જો મારા મોબાઈલમાં કંઈ ફંફોસ્યું છે તો !’
***
બિલ ગેટ્સની પત્ની
‘જ્યાં જાઓ છો ત્યાં બારીઓમાં શું જોયા કરો છો ? કઈ સગલીને શોધી રહ્યા છો ?’
***
આર્યભટ્ટની પત્ની
‘કેટલા દહાડાથી જોઉં છું… દિવાલ પર, રેતીમાં, કાગળ ઉપર, થાળીમાં… બધે ગોળ ગોળ શું ચીતર્યા કરો છો ?’
***
ગેલેલિયોની પત્ની
‘બળ્યું તમારું દૂરબીન ! એમાં ચાંદો અને સૂરજ જોઈને શું કરવાનું ? મારા પિયરનું ઘર તો દેખાતું નથી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment