એક ન્યુઝ... એક ભજીયું...

ન્યુઝ


તોફાનોની ઉશ્કેરણી કરવા બદલ પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મુકાયો.

ભજીયું

સસ્તામાં પત્યું ! અહીં જરીક તોફાન થાય એમાં તો આખા રાજ્યના નેટ ઉપર બાન મુકાઈ જાય છે !

***

ન્યુઝ

એશા દેઉલનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયો.

ભજીયું

ઓહો ! એ બહાને લોકોને યાદ તો આવ્યું કે એશા નામની કોઈ હિરોઇન પણ હતી !

***

ન્યુઝ

ઓસ્ટ્રેલિયાના પ્રેક્ષકોએ ભારતીય ક્રિકેટરો ઉપર વંશીય ટીકા કરતી બૂમો પાડી.

ભજીયું

એ તો સારું છે કે ઓસ્ટ્રેલિયાવાળા આપણી વેબસિરિઝો નથી જોતા. નહિતર કેવી કેવી ચોપડાવી હોત ?

***

ન્યુઝ

પાકિસ્તાનમાં લાઈટો જવાથી ડર ફેલાયો કે ભારત હૂમલો કરશે.

ભજીયું

આમાં પણ અમુક લોકોને ‘માસ્ટર-સ્ટ્રોક’ દેખાયો હશે !

***

ન્યુઝ

અમદાવાદમાં પતંગ ખરીદવા માટે ભીડ ઉમટી. દુકાનોમાં સ્ટોક ખલાસ.

ભજીયું

બોલો, પતંગ બજારમં ભીડ કરી શકાય પરંતુ ધાબા ઉપર ફ્રેન્ડ્ઝને ય ના બોલાવાય ! એવું કેવું ?

***

ન્યુઝ

ગુજરાતમાં શાળાઓ અને કોલેજો ખુલી રહી છે.

ભજીયું

આ હિંમત કરવાની પ્રેરણા ભાજપના પ્રમુખે જ આપી કહેવાય ને !

***

ન્યુઝ

વોટ્સએપની ચેટ હવે ફેસબુક અને ઇન્સ્ટા પણ શેર કરી શકશે.

ભજીયું

‘મેરા મુન્નુ’ ‘મેરા જાનું’ ‘લવ યુ’ ‘મિસ યુ’… આવું બધું વાંચીને એ કંપનીઓને શી ખબર, શું મઝા પડતી હશે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments