મર્યા પછી પણ લાઈનો !?

તમને શું લાગે છે, ફક્ત સ્મશાનગૃહોમાં લાઈનો લાગી છે ? અરે, ઉપર પણ ભીડ ભેગી થઈ ગઈ છે ! જુઓ આ દ્રશ્ય..


***

‘ભૈશાબ, કેટલી વાર લાગશે ? આટલા બધા આત્માઓ ભેગા થયા છે છતાં લાઈન આગળ કેમ નથી વધતી ?’

‘અરે, બધાને સ્વર્ગમાં જવું છે. નર્કમાં કોઈને જવું જ નથી ને !’

‘એ તો અહીંની સિસ્ટમ નક્કી કરશે ને ?’

‘અરે વાત જવા દો ને ભૈશાબ, જ્યારથી અહીં બધું ડિજિટલ અને ઓનલાઈન કરી નાંખ્યું છે ત્યારથી લોચા જ છે ! ઘડીકમાં નેટવર્ક ડાઉન થઈ જાય છે તો ઘડીકમાં સિસ્ટમ જ હેંગ થઈ જાય છે.’

‘અલ્યા… હલી ! હલી ! લાઈન હલી ! બધા પોતપોતાનાં આધારકાર્ડ, પાનકાર્ડ ને ક્રેડિટ કાર્ડ તૈયાર રાખજો. અહીં ફીંગરપ્રિન્ટ નહીં ચાલે.’

‘કેમ ?’

‘કેમ વળી શું ? બોડી તો નીચે રહી ગયું ! આ તો આત્માઓની લાઈન છે, ભૂલી ગયા ?’

‘તે અહીંની સિસ્ટમમાં સ્કેનર નથી ? કે ભઈ, પવિત્ર આત્મા અને દુષ્ટ આત્મા સેપરેટ કરી નાંખે ?’

‘એવું ના હોય. પાપ-પૂણ્યની બેલેન્સ શીટ જોઈને બધું નક્કી થાય છે.’

‘ભલામણ તો ચાલતી હશે ને ? જુઓ, હું તો છાપામાં છપાયેલી મારી શ્રધ્ધાંજલિઓનાં કટિંગો લઈને આવ્યો છું.’

‘અરે, મેં તો સો જણાનાં વિડીયો રેકોર્ડીંગ રેડી રાખ્યાં છે કે હું કેટલો ભલો, સજ્જન, જ્ઞાની અને દાની હતો…’

‘ઓ ભઈ, મરી ગયા પછી નીચેવાળા બધાને આવું જ સર્ટિ આલે છે હોં ? મેં તો મરતાં પહેલાં જ બધું લખાઈ લીધું છે. હવે જોઈએ અહીં બેલેન્સ-શીટમાં બતાડે છે કે નંઈ.’

‘અલ્યા, લાઇન પાછી કેમ અટકી ગઈ ?’

‘ઓઓ… ધક્કામુક્કી ના કરો…’ ‘શાંતિ રાખો…’ ‘બધાનો વારો આવશે…’ ‘પણ ક્યારે આવશે ?’ ‘અહીં, કોઈ સાંભળતું જ નથી !’

‘અલ્યા ધરણાં કરો ધરણાં !’

‘હેં ? પણ આપણે ઓછા નહીં પડીએ ?’

‘શરૂ તો કરો ? દિલ્હીના ધરણામાંથી મોટી સંખ્યા અહીં જ આવવાની છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments